Surat: સંરક્ષણ સચિવે સુરતના NCC યુનિટની મુલાકાત લીધી, NCC કેડેટ્સ દ્વારા “ગાર્ડ ઓફ ઓનર” આપવામાં આવ્યુ
NCC, દેશમાં યુવા ચળવળ માટેનું મિશન છે જે ધર્મ નિરપેક્ષતા, રાષ્ટ્રીય અખંડિતા અને નિઃસ્વાર્થ સેવા દ્વારા રાષ્ટ્રને ખૂબ જ મોટી સેવા પ્રદાન કરે છે.
ભારત સરકારના સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર, IAS એ 28 ડિસેમ્બર 2021ના રોજ સુરત ખાતે NCC ગ્રૂપ હેડક્વાર્ટર, વડોદરાના NCC ઇન્સ્ટિટ્યુશનની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ, સ્ટાફ તેમજ NCC કેડેટ્સ સાથે સંવાદ પણ કર્યો હતો. સંરક્ષણ સચિવના આગમન સમયે તેમને ગર્લ NCC કેડેટ્સ દ્વારા “ગાર્ડ ઓફ ઓનર” આપીને આવકારવામાં આવ્યા હતા.
NCC ગ્રૂપ હેડક્વાર્ટર, વડોદરાના ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિયર ડી.એસ. રાવતે સંરક્ષણ સચિવનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સંરક્ષણ સચિવે ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું અને ભારતના એકરૂપ, પ્રેરિત, તાલીમબદ્ધ અને હેતુપૂર્ણ યુવાનોના સૌથી મોટા સંગઠન તરીકે NCCની કામગીરી અંગે વાત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે NCC, દેશમાં યુવા ચળવળ માટેનું મિશન છે જે ધર્મ નિરપેક્ષતા, રાષ્ટ્રીય અખંડિતા અને નિઃસ્વાર્થ સેવા દ્વારા રાષ્ટ્રને ખૂબ જ મોટી સેવા પ્રદાન કરે છે.
ડૉ. અજય કુમારે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, NCCનો પ્રારંભ થયો ત્યારથી દેશના યુવા નાગરિકોમાં પાત્રતા, નેતૃત્વ, કમાન્ડરશીપ, શિસ્ત, સાહસની ભાવના અને નિઃસ્વાર્થ સેવાના આદર્શો વિકસાવવા માટે અગ્રમોરચે રહે છે અને ભવિષ્યની આશા રજૂ કરનારા તેમજ દેશ માટે અમૂલ્ય સંપત્તિ સમાન દેશના યુવાનોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
સંરક્ષણ સચિવે ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના કેડેટ્સ દ્વારા અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરના માર્ગદર્શન હેઠળ યોગદાન કવાયત, સ્વચ્છ ભારત અભિયાન, આઝાદીનો અમૃત મહોત્સવ, રક્તદાન અને #EkMaiSauKeLiye ટ્વીટર અભિયાન દ્વારા પર કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા જેવા વિવિધ કાર્યક્રમો દરમિયાન સાથી દેશવાસીઓને સ્વેચ્છાએ અને નિઃસ્વાર્થ ભાવના સાથે પૂરી પાડવામાં આવતી સેવાઓની પ્રશંસા કરી હતી.
તાજતેરમાં, #PuneetSagar અભિયાન અને નંદી ઉત્સવ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી અને ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના કેડેટ્સે બીચ અને નદી કાંઠા પરથી પ્લાસ્ટિકનો કચરો સાફ કરવામાં તેમજ પ્રદૂષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
સંરક્ષણ સચિવે જણાવ્યું હતું કે, મહામારીના સમય દરમિયાન પણ NCC નિદેશાલય દ્વારા સફળતાપૂર્વક સમાજ સેવા અને સામુદાયિક વિકાસની પ્રવૃત્તિ એટલે કે, #EkMaiSauKeLiye ના સાત તબક્કા પૂરા કરવામાં આવ્યા તે ખરેખરમાં દિલને સ્પર્શી જાય તેવી બાબત છે. આ સિદ્ધિને લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા પણ બિરદાવવામાં અને માન્યતા આપવામાં આવી છે અને નિદેશાલયને “સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ” (પ્રતિબદ્ધતા પ્રમાણપત્ર)થી સન્માનિત કરવામાં આવ્યું છે.
ટ્વીટર પર, #EkMaiSauKeLiye અભિયાનને સૌથી વધુ જોવામાં આવ્યું છે એ બાબત જ દર્શાવે છે કે, દેશભરમાં જાગૃતિ ફેલાવવા માટે આ અભિયાન સૌથી વધારે લોકપ્રિય છે. તેમણે 17 નિદેશાલયોમાંથી ટ્વીટર પર સૌથી વધારે સંખ્યામાં ફોલોઅર્સ ધરાવવા બદલ પણ નિદેશાલયની પ્રશંસા કરી હતી. તેમણે એ બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો કે, ડિજિટલ ફોરમ અને NCC એલ્યુમનિ એસોસિએશનની તાજેતરની પહેલ ચોક્કસપણ NCCને નવી ઊંચાઇઓ સુધી લઇ જશે.
સંરક્ષણ સચિવે તાલીમના ઉચ્ચ ધોરણે સુનિશ્ચિત કરવા માટે અને તાલીમની માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે નિદેશાલય દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી, જેનાથી ભવિષ્યમાં ઘણા ઉન્નત લાભો પ્રાપ્ત થશે.
‘આપણે અવશ્યપણે આપણી જાતને ફરી સમર્પિત કરીએ અને NCCના મુદ્રાલેખ “એકતા અને શિસ્ત” અનુસાર જીવવાનો સંકલ્પ લઇએ’ તેવો પુનરુચ્ચાર કરીને તેમણે પોતાની વાતનું સમાપન કર્યું હતું અને તમામ અધિકારીઓ, સ્ટાફ તેમજ NCC કેડેટ્સને શુભેચ્છાઓ પાઠવી હતી.