Surat: બ્રેઈન ડેડ વ્યક્તિના અંગદાનથી 5 લોકોને મળ્યું નવજીવન
બિપીનકુમારની પત્ની રેણુકાબેન અને પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું હતું કે તેમના સ્વજનના અંગદાનથી જો અન્ય લોકોના જીવન સુધરતા હોય તો આ કામ કરવું જોઈએ, જેથી પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો.
સુરત ટેક્સટાઈલ નગરી, ડાયમંડ નગરી ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગેન ડોનેશન સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. સુરત શહેરમાં વધુ એક વખત અંગદાન કરવામાં આવ્યું છે. બ્રેઈન ડેડ બિપીનકુમાર શામજીભાઈ દાસાણીના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બિપીનકુમારના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજારથી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.
એક વ્યક્તિના અંગદાનથી 5ને નવજીવન
મૂળ પોરબંદરના રહેવાસી અને હાલમાં સિલિકોન પેલેસ અર્ચના સ્કૂલથી પર્વત પાટિયા રોડ સુરત મુકામે પોતાના પરિવાર સાથે રહેતા 68 વર્ષીય બિપીનકુમાર શામજીભાઈ દાસાણી રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. 31 માર્ચના રોજ તેમને ખેંચ આવતા પરિવારજનોએ તેમને સારવાર માટે દાખલ કર્યા હતા. જોકે સારવાર દરમિયાન CT સ્કેન કરાવતા ખબર પડી કે બિપીનભાઈને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. આથી તેમને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ દરમિયાન 3 એપ્રિલના રોજ ફરજ પરના તબીબોએ બિપીનકુમારને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા અને ડો. નિલેશ કાછડીયાએ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી બિપીનકુમારના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. જેથી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી બિપીનકુમારની પત્ની રેણુકાબેન, પુત્રી વૃંદા, પુત્ર ધવલ મોટાભાઈ હરીશભાઈને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ હતું.
બિપીનકુમારની પત્ની રેણુકાબેન અને પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું હતું કે તેમના સ્વજનના અંગદાનથી જો અન્ય લોકોના જીવન સુધરતા હોય તો આ કામ કરવું જોઈએ, જેથી પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOTTO દ્વારા લિવર અને કિડની સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. કિરણ હોસ્પિટલના ડૉ. કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડૉ.પ્રમોદ પટેલ, ડૉ.મુકેશ આહીર અને તેમની ટીમે કિડનીનું દાન, લિવરનું દાન ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. રવિ મોહન્કા, ડૉ. પ્રશાંત રાવ, ડૉ. મિતુલ શાહ અને તેમની ટીમે, ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.
દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી 50 વર્ષીય મહિલામાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 59 વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 62 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે.
ડોનેટ લાઈફ દ્વારા કુલ 1106 અંગ અને ટીસ્યુઓનું દાન
ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1106 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે, જેમાં 460 કિડની, 197 લિવર, 8 પેન્ક્રીઆસ, 45 હૃદય, 32 ફેફસાં, 4 હાથ અને 360 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1015 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…