સુરતીઓને મા અંબાના દર્શન કરવા સરળ બનશે, ST વિભાગ દ્વારા સુરત અંબાજી બસ સેવા શરૂ કરવામાં આવી
Surat News : આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી આવી રહી છે અને સુરતથી હજારોની સંખ્યામાં દર્શનાર્થી અંબાજી જતા હોય છે. ત્યારે મા અંબેના ભક્તો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે

રાજ્ય સરકારના એસટી વિભાગ દ્વારા સુરતથી વધુ બસો શરૂ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને ધાર્મિક યાત્રાઓ કરવામાં મુસાફરોને સુવિધા રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આજે એસટી નિગમ દ્વારા સુરત અને અંબાજી – ડીસા બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેને લઇને સુરતીલાલાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી આવી રહી છે અને સુરતથી હજારોની સંખ્યામાં દર્શનાર્થી અંબાજી જતા હોય છે. ત્યારે મા અંબેના ભક્તો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ત્યારે મા અંબાના દર્શન કરવા માટેનો ધસારો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળશે. નવરાત્રી દરમિયાન વધુમાં વધુ ભક્તો માતાજીના દર્શન કરી શકશે. સામાન્ય દિવસોમાં પણ સુરત થી અંબાજી જનારા મુસાફરોની સંખ્યા ખૂબ જ વધુ હોય છે.
લકઝરી બસને આજે લીલી ઝંડી અપાઈ
S.T સુરતથી અંબાજી અને ડીસા માટે ધાર્મિક યાત્રા લકઝરી બસને આજે લીલી ઝંડી અપાઈ છે. સુરતથી નવસારી માટે બ્રાન્ડ ન્યુ મીની બસને સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી શરૂ કરાઇ છે. આ અંગે એસટી નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે મુસાફરોએ ખૂબ જ પસંદ કરેલી લક્ઝરી બસ પુશ-બેક (ટૂબાયટૂ)ની સુવિધા સાથે સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા સુરત-નવસારી માટે મીની બસની આજથી શરૂઆત કરાઈ છે.
મુસાફરોની સુખાકારીમાં ઉમેરો કરવામાં આવ્યો
તેમણે જણાવ્યુ કે, શહેરીજનો અને મુસાફર જનતા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગે તદ્દન ન્યુ બ્રાન્ડ (2-2) પુશબેક સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા રોજિંદા અપડાઉન કરતા ટ્વીન સિટી માટે લક્ઝરી બસ તથા બ્રાન્ડ-ન્યુ મીની બસની સેવા શરૂ કરવામાં આવી હતી. મુસાફર જનતા અને શહેરીજનોને યાત્રા અને રોજીંદા અપ-ડાઉન માટે મુસાફરોની સુખાકારીમાં ઉમેરો કરવામાં આવ્યો છે.