Surat : મોબાઈલ સ્નેચિંગ કરતો રીઢો આરોપી પોલીસ સકંજામાં, બે ગુનાના ભેદ ઉકેલાયા
સુરત (Surat) ક્રાઈમ બ્રાંચની ટીમે ચેઇન સ્નેચરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ અધીકારી તેમજ કર્મચારીઓ દ્વારા રોજેરોજ CCTV કેમેરા ચેક કરાતા બાઇક પર આવતા સ્નેચરો અમરોલી કોસાડ તરફથી આવીને પરત અમરોલી કોસાડ તરફ જતા હોવાનું જણાઈ આવ્યું હતું.
Surat : સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ સામે આવતી હતી. જેને લઇને સુરત પોલીસ છેલ્લા કેટલાક દિવસથી આવી ઘટનાઓ ન બને તેના પર ચાંપતી નજર રાખી રહી હતી, ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની (Surat Crime Branch) ટીમે બાઈક પર આવી મોબાઈલ સ્નેચિંગ કરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી બે બાઈક અને બે મોબાઈલ મળી કુલ 2.50 લાખની મત્તા કબજે કરી છે, તેમજ બે ગુનાના ભેદ પણ ઉકેલ્યા છે.
CCTV ચેક કરતા સ્નેચર્સની માહિતી મળી
છેલ્લા એકાદ માસથી સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં પલ્સર મોટર સાયકલ પર બે ઇસમો વહેલી સવારે ચાલવા નીકળેલા લોકોના હાથમાંથી મોબાઇલ ફોન ઝુંટવી મોટર સાયકલ પૂર ઝડપે હંકારી ફરાર થઇ ગયા હોવાના બનાવો સામે આવ્યા હતા. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આવા સ્નેચરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ અધીકારી તેમજ કર્મચારીઓ દ્વારા રોજેરોજ CCTV કેમેરા ચેક કરાતા બાઇક પર આવતા સ્નેચરો અમરોલી કોસાડ તરફથી આવીને પરત અમરોલી કોસાડ તરફ જતા હોવાનું જણાઈ આવ્યું હતું. જે અનુસંધાને ક્રાઇમ બ્રાંચના પોલીસ અધીકારી તેમની ટીમ સાથે વહેલી સવારથી જ રોજે રોજ વોચમાં રહેતા હતા.
2.50 લાખની મત્તા કબજે કરવામાં આવી
દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે સિંગણપોર વિસ્તારમાંથી સ્નેચીંગ કરેલ મોબાઇલ ફોન વેંચના ઇરાદે નીકળેલા રીઢા આરોપી સાદીક ઉર્ફે કાલુ સલીમ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ તેમજ સ્નેચીગ કરવામાં ઉપયોગમાં લીધેલી બે બાઈક મળી કુલ 2.50 લાખની મત્તા કબજે કરી હતી. પોલીસ તપાસમાં સિંગણપોર પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી સાદીક ઉર્ફે કાલુ સલીમ શેખ તેના મિત્ર લતીફ ઉસ્માન દિવાન સાથે અલગ અલગ બે મોટર સાયકલ પર સિંગણપોર વિસ્તારમાં આવી વહેલી સવારે રાહદારીઓના હાથમાં રહેલ મોબાઇલ ફોન સ્નેચીંગ કરી પોતાની પલ્સર મોટર સાયકલ પુર ઝડપે હંકારીને નાસી જતા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબજો સિંગણપોર પોલીસને સોપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો