ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કિસાન સંઘના આગેવાનો સાથે કરી બેઠક, તેમના પ્રશ્નોના નિરાકરણ કરવા માટે આપ્યુ આશ્વાસન
ખેડૂતોની (Farmers) વિવિધ માગણીઓ સાથે કિસાન સંઘ (Kisan Sangh) છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચલાવી રહ્યુ છે. ભારતીય કિસાન સંઘ વીજ બિલ, મીટર સમાજ વીજ દર સહિતની વિવિધ પડતર માગને લઇને વિરોધ કરી રહ્યા છે.

કિસાન સંઘ (Kisan Sangh) ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે લાંબા સમયથી આંદોલન કરી રહ્યું છે. ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ (Minister of State for Home Harsh Sanghvi) સુરતમાં (Surat) ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનો સાથે બેઠક કરી હતી. સાથે જ કિસાન સંઘની વિવિધ માંગણીઓ અને રજૂઆતો સાંભળી હતી. હર્ષ સંઘવીએ કિસાન સંઘના આગેવાનોને તેમના પ્રશ્નોના નિરાકરણ કરવા માટે આશ્વાસન આપ્યુ હતુ. જો કે આવતીકાલે એટલે કે શનિવારે હર્ષ સંઘવી ગાંધીનગરમાં કોર કમિટી સાથે બેઠકમાં ચર્ચા કરી પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવુ જણાવ્યુ હતુ.
ખેડૂતોની વિવિધ માગણીઓ સાથે કિસાન સંઘ છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચલાવી રહ્યુ છે. ભારતીય કિસાન સંઘ વીજ બિલ, મીટર સમાજ વીજ દર સહિતની વિવિધ પડતર માગને લઇને વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ પોતાની વિવિધ માગણીઓને લઇને કિસાન સંઘે ગાંધીનગરમાં ધરણાની ચીમકી ઉચ્ચારી હતી.
ભારતીય કિસાન સંઘનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા બે વર્ષથી સરકારને રજૂઆત કરી રહ્યાં હતા. પરંતુ હજી સુધી કોઇ નિર્ણય લાવવામાં આવ્યો નથી. ત્યારે આજે ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીએ કિસાન સંઘના આગેવાનો સાથે બેઠક કરી હતી. જે હકારાત્મક રહી છે. હર્ષ સંઘવીએ કિસાન સંઘની તમામ માગણીઓ અને રજૂઆતને ધ્યાન પૂર્વક સાંભળી છે.
શું છે કિસાન સંઘની માગ ?
- ખેડૂતોના મીટર, હોર્સ પાવરમાં વીજ દર સમાન કરવો
- મીટર આધારિત બોરવેલનું બે મહિને બીલ આપવું
- મીટર ટેરિફના ફિક્સ ચાર્જમાં રાહત આપવી
- બોરવેલ પર મીટર બળી જાય તો જવાબદારી વીજ કંપનીની
- કિસાન સૂર્યોદય યોજનાનો રાજ્યમાં તાત્કાલિક અમલ કરવો
- રાજ્યમાં ખાનગી કૃષિ યુનિવર્સિટીને માન્યતા ન આપવી
- જમીન રિ સર્વે રદ કરવો અથવા ખેડૂતોના જમીન માપણીના વિવાદ ઝડપથી ઉકેલવા
કિસાન સંઘના આગેવાનોની હર્ષ સંઘવી સાથેની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વીજબીલ, MSP સહિતના પ્રશ્નો પર હર્ષ સંઘવી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મીટિંગમાં ચર્ચાઓ ખૂબ પોઝિટિવ રીતે કરવામાં આવી હોવાનું હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ. હર્ષ સંઘવીએ બેઠકમાં કિસાન આગેવાનોની રજૂઆતો સાંભળી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે બે દિવસની અંદર કોર કમિટી સાથે બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું.