Surat શહેરમાં 18 સ્થળ પર શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરુઆત, માત્ર 5 રુપિયામાં શ્રમિકો મેળવી શકશે ભોજન
Surat News: મકાન અને અન્ય બાંધકામક્ષેત્રે જોડાયેલા શ્રમયોગીને રુ.5 ના રાહતદરે ભરપેટ ભોજન મળશે. જરૂરિયાત ધરાવતા મહત્તમ લોકો આ યોજનાનો લાભ લે અને તેમને ઓછામાં ઓછુ એક સમયનું પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી યોજના શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં બંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરવામાં આવ્યુ છે. હવે સુરત શહેરમાં પણ 18 જેટલા મજૂર નાકાઓ પર 5 રૂપિયામાં શ્રમયોગીઓને ભરપેટ ભોજન મળે તેવી વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રમિકો એ લાભ લીધો હતો. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શ્રમિકો માટે બનાવેલું ભોજન આરોગીને યોજનાનો શુભારંભ કરાવ્યો છે.
18 કડિયાનાકા પર શ્રમિકો મેળવી શકશે ભોજન
શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આજ રોજ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સુરતના રામનગર કડીયાનાકા સહિત કુલ 18 કડિયાનાકા ખાતેથી ભોજન કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અવસરે શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ શહેરના રામનગર કડીયાનાકા ખાતેથી સવારે 9 વાગે ભોજન કેન્દ્રનો પ્રારંભ કરાવી શ્રમિકોને લાભ લેવા અપીલ કરી છે.
રુ. 5 માં શ્રમિકો મેળવી શકશે ભરપેટ ભોજન
આ ઉપરાંત મકાન અને અન્ય બાંધકામક્ષેત્રે જોડાયેલા શ્રમયોગીને રુ.5 ના રાહતદરે ભરપેટ ભોજન મળશે. જરૂરિયાત ધરાવતા મહત્તમ લોકો આ યોજનાનો લાભ લે અને તેમને ઓછામાં ઓછુ એક સમયનું પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી યોજના શરૂ કરવામાં આવી છે. શ્રમયોગી બોર્ડ યોજનાનો લાભ લેવા શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઈ ભોજનનો લાભ મેળવી શકશે. શ્રમિકોને પોતાના ટિફિનમાં અથવા જમવા માટે ભોજન આપવામાં આવશે.
બાંધકામ શ્રમિકોને એક ઈ- નિર્માણ કાર્ડ મારફતે પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળશે. જે શ્રમિકો પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે. વધુમાં બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને બાંધકામ સાઈટ પર જ ડિલીવરી મળી રહે તે માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
મહત્વનું છે કે આ પહેલા 29 ડિસેમ્બર 2022એ 28 જેટલા કડિયાનાકા પર આ સુવિધાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત અમદાવાદમાં નવા 28 અને ગાંધીનગરમાં નવા એક એમ કુલ 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી. હવે સુરતમાં પણ આ સેવા શરુ કરવામાં આવી છે.