Surat: સ્માર્ટ સિટીના સત્તાધીશો, જરા આ તરફ પણ નજર કરજો, અહીં કોરોના કરતા પણ બદતર સ્થિતિમાં લોકો રહેવા મજબુર
સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા ઉગત આવાસમાં લોકો નર્ક સમાન પરિસ્થિતમાં રહેવા મજબુર બન્યા છે. છેલ્લા 15 દિવસથી અહીં ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. પારાવાર ગંદકી જોવા મળી રહી છે. છતાં પણ આજદિન સુધી અહીં કોઈ સફાઈ કામગીરી કરવામાં આવી નથી.
Surat: હાલ રાજ્ય સહિત શહેરોમાં કોરોનાના કેસો (Corona Cases) ઓછા થઈ જતા તંત્રને મોટી રાહત થઈ છે. પરંતુ બીજી બાજુ મોટો પડકાર મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને લઈને ઉભો થયો છે. થોડા દિવસ પહેલા જ સુરતના વરાછા સહિતની અનેક સોસાયટીઓમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચકતા મનપાનું આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું હતુ. ત્યાં બીજી તરફ સામા ચોમાસે મચ્છરજન્ય રોગચાળાની પણ તેટલી જ ભીતિ દેખાઈ રહી છે.
સુરતના જહાંગીરાબાદ પાસે આવેલા સુરત મહાનગરપાલિકાના આવાસની હાલત બદથી પણ બદતર છે. અહીં ગંદકીના ઢગલા અને સ્વચ્છતાના અભાવે લોકો હેરાન થઈ ગયા છે. છેલ્લા 15 દિવસ કરતા પણ વધુ સમયથી લોકો નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા માટે મજબુર બન્યા છે. એવું નથી કે આ માટેની ફરિયાદ સ્થાનિકો દ્વારા જે તે અધિકારીને નથી કરવામાં આવી. 15 દિવસમાં અસંખ્ય વખત ઝોન ઓફિસોમાં ફરિયાદ કરવામાં આવી છે, છતાં કોઈ સાંભળવા તૈયાર નથી.
ઉગત આવાસમાં રહેતા સ્થાનિક સુરેશભાઈ ખીમસુરીયાના જણાવ્યા પ્રમાણે હાલ શહેરમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે. પરંતુ તેના કરતા પણ વધારે જોખમ અમારે અહીં રહેવામાં લાગી રહ્યું છે. છેલ્લા 15 દિવસથી અહીં ગટરનું ગંદુ પાણી ઉભરાય છે. સાફ સફાઈ કરવા માટે પણ કોઈ આવતું નથી. મચ્છરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે બાળકો પણ બીમાર પડી ગયા છે. અમે જયારે ઝોનમાં ફરિયાદ કરીએ છીએ તો ઝોનવાળા કહે છે કે જંતુનાશક અધિકારીના હેઠળ આ કામગીરી આવે છે અને અધિકારીનો સંપર્ક કરીએ તો તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે આ કામગીરી ઝોન કક્ષાએ થાય છે.
આમ અધિકરીઓ એકબીજા પર ખો ખોની રમત રમે છે પણ તેના કારણે અહીં સ્થાનિકોને રહેવું મુશ્કેલ થઈ ગયું છે. ઝોનના અધિકારીઓનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે અમારા ધ્યાનમાં આ ફરિયાદ આવી છે. અમે શક્ય હોય એટલું ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું. જોકે ખાસ વાત એ છે કે હાલ ચોમાસુ માથે છે તેવામાં કોરોનાના કેસો પણ ઘટી ગયા છે, ત્યારે મનપા તંત્રે મચ્છરજન્ય અને પાણીજન્ય વધુ ન વકરે તેના પર ધ્યાન આપવાની તાતી જરૂર છે. નહીં તો આ રોગચાળાનો ભરડો વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.
આ પણ વાંચો: Surat News: ગણપતિમાં આ વર્ષે કોરોના, લોકડાઉન અને તાઉતે વાવાઝોડાની થીમ પર મંડપ બનવાના શરૂ