સુરતમાં સાત વર્ષની બાળકીના અપહરણનો ખૂલ્યો ભેદ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે આરોપીની કરી ધરપકડ
Surat: સુરતમાં રેલવે પોલીસે સાત વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલ્યો છે. ગણતરીની કલાકોમાં પોલીસે અપહરણ કરનાર મહિલા આરોપી રેણુકા દેવી ઉર્ફે પાયલ અને યોગેશ ચૌહાણની ધરપકડ કરી જેલહવાલે કર્યા છે.

સુરતની અંદર એક પરિવારને એક ભૂલના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પિતા પોતાની માસુમ બાળકી સાથે અમદાવાદથી ભરૂચ આવી રહ્યા હતા તે દરમિયાન પિતાને ટ્રેનની અંદર નીંદર આવી જતા ભરૂચને બદલે સુરત આવી પહોંચ્યા હતા અને બાળકી સાથે પિતા સુરત રેલવે સ્ટેશન ઉપર ઉતરી અને આંકડા ઉપર બેઠા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક મહિલા જે સીસીટીવીમાં કેદ થઈ છે તે મહિલા સ્ટેશન ઉપર જઈ રહી હતી. તે દરમિયાન આ બાળકી ઉપર તેની નજર પડતા એકથી બે વખત તેને બાળકીની આજુબાજુ આંટાફેરા માર્યા હતા અને બાદમાં પિતા સાથે બાજુમાં સુતેલી બાળકીનું અપહરણ કરી ત્યાંથી નીકળી ગઈ હતી.
બાળકી ગુમ થતા પિતાએ થોડા સમય સુધી આજુબાજુમાં રેલવે સ્ટેશન પર ઘણી શોધખોળ કરી હતી. આખરે બાળકી ન મળી આવતા પિતા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક રેલવે સ્ટેશન ઉપર લાગેલા સીસીટીવી ચેક કરતા હકીકત સામે આવી હતી કે એક મહિલા બાળકીને લઈ જતી દેખાઈ હતી. સીસીટીવીના આધારે સુરત રેલવે પોલીસ અને એલસીબીએ પોલીસને સાથે કરી તપાસ શરૂ કરી હતી. જેમાં બારડોલીથી અપહરણ કરનાર મહિલા અને તેની સાથે એક યુવકની પણ ધરપકડ કરવામાં આવી હતી.
અપહરણ કર્યા બાદ બાળકીને ક્યા વેચવાના હતા તે દિશામાં તપાસ
રેલવે પોલીસના ડીવાયએસપી ડીએચ ગોરના જણાવ્યા પ્રમાણે બાળકીનું અપહરણ કયા ઈરાદે કરવામાં આવ્યું છે તે હજુ સુધી મહિલાએ જણાવ્યું નથી. જો કે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પણ જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે આ મહિલા રેણુકા દેવી ઉર્ફે પાયલ સુરતની અંદર છેલ્લા ત્રણ ચાર મહિનાથી એકલી રહેતી હતી. થોડા દિવસો અગાઉ એક યુવક યોગેશ ચૌહાણ સાથે તેનો સંપર્ક થયો હતો અને બંને બેકાર હતા.
જેથી આ બાળકીનું અપહરણ કરવા માટેનું વિચાર્યું હતું એટલે સ્પષ્ટપણે કહી શકાય કે બાળકીનું અપહરણ કોઈ બીજા ઈરાદે જ કરવામાં આવ્યું હતુ. અપહરણ બાદ વેચી દેવા અથવા તો તેને પોતાના ગામ લઈ જવા માટે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હોય તેવી આશંકા સેવાઈ છે. હાલ સુરત રેલવે પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. પૂછપરછ ની અંદર અનેક નવા ખુલાસા થવાની પ્રબળ શક્યતા છે.
પોલીસ થોડી મોડી પડી હોત તો બાળકી મળવી મુશ્કેલ હતી
રેલવે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન માહિતી મળી હતી તે બાળકીનું અપહરણ કરનાર એક મહિલા અને એક યુવક નવસારી તરફ જઈ રહ્યા છે તેના આધારે બારડોલી નજીકથી આ મહિલાને રેલવે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. ત્યારબાદ બાળકીનો કબ્જો લઈ તેના પિતાને સોંપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસ અપહરણ કરનાર મહિલા રેણુકા દેવી ઉર્ફે પાયલ અને યોગેશ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી છે. તેમની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ બંને લોકો બાળકીનું અપહરણ કરી અને બિહાર લઈ જવાની તૈયારીમાં હતા. જો કે પોલીસ સમયસર પહોંચી જતા તેમના બદ્દઈરાદા સાકાર થયા ન હતા.