Surat : ઓલપાડના કુડસદ સ્ટેશને લોકલ ટ્રેનનું સ્ટોપેજ બંધ કરી દેવાતા ગ્રામજનોને હાલાકી
લોકલ ટ્રેન નું સ્ટોપેજ રદ કરાતા આ ગામના પરપ્રાંતિય શ્રમજીવી, હીરાના કારખાનામાં કામ કરતાં કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓને નજીક ના મુખ્ય શહેરોમાં જવા માટે અન્ય પરિવહન ઉપર આધાર રાખવો પડે છે.

ઓલપાડ (Olpad ) તાલુકામાં કુડસદ રેલવે સ્ટેશન આવેલું છે. આ કુડસદ (Kudsad ) ગામ અંદાજે 5 હજાર થી વધુ વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં પરપ્રાંતીય શ્રમજીવી, હીરા ફેક્ટરીઓના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ, નોકરિયાત લોકોની વસ્તી છે. આ કુડસદ ગામના લોકોને નોકરી, કામ-ધંધા અર્થે અમદાવાદ થી સુરત થી વાપી તેમજ આ ગામના ઉચ્ચતર માધ્યમિક-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજુબાજુ નજીકના શહેરોમાં અભ્યાસ અર્થે જવાનું રહે છે. અત્યાર સુધી સુરત, અંકલેશ્વર, ભરૂચ, અમદાવાદ, વાપી સુધીના વિસ્તારોમાં કામ અર્થે જવા માટે કુડસદ રેલવે સ્ટેશનએ લોકલ ટ્રેન નું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા લાંબા સમયથી પશ્ચિમ રેલવે પ્રશાસનને લોકલ ટ્રેન નું સ્ટોપેજ રદ કરાવી દઈ કુડસદ ગામના લોકો સાથે અન્યાય કર્યો હોવાનું કહેવાય રહ્યું છે.
લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપવા ગ્રામજનોએ કરી માંગ :
લોકલ ટ્રેન નું સ્ટોપેજ રદ કરાતા આ ગામના પરપ્રાંતિય શ્રમજીવી, હીરાના કારખાનામાં કામ કરતાં કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓને નજીક ના મુખ્ય શહેરોમાં જવા માટે અન્ય પરિવહન ઉપર આધાર રાખવો પડે છે. જેને કારણે સમયની બરબાદી તો થાય છે, પરંતુ સાથે સાથે ગ્રામજનો પર આર્થિક બોજ પણ વધી જાય છે. જેથી કુડસદ રેલવે સ્ટેશન પરથી પસાર થતી લોકલ ટ્રેન નું સ્ટોપેજ આપી પરિવહન માટે હાલાકી ભોગવતા ગ્રામજનો સાથે ન્યાય કરવા પશ્ચિમ રેલવે, મુંબઈના જનરલ મેનેજર ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
કુડસદ એ કીમ નજીક આવેલું મહત્વનું સ્ટેશન છે, અહીંથી મોટી સંખ્યામાં મુસાફરો પોતાના ગંતવ્ય સ્થળે જતા હોય છે, પરંતુ એક્સપ્રેસ ટ્રેન ની વાત તો દૂર, લોકલ ટ્રેન નું પણ સ્ટોપેજ નહિ મળતા લોકો પારાવાર મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. સામે તહેવારે અચાનક જ કુડસદ રેલવે સ્ટેશનનું સ્ટોપેજ રદ્દ કરી દેવામાં આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ સ્ટેશન પર ફરી એકવાર લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
Input Credit Suresh Patel (Olpad )