No Drugs In Surat: સુરત જિલ્લા પોલીસનું ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન, જાણો અત્યાર સુધી ડ્રગ્સને લઈ સુરત પોલીસે કરેલી કાર્યવાહી
સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સુરતમાં ડિંડોલી ભેસ્તાન અને રાંદેર વિસ્તારમાંથી દરોડો પાડી એમ,ડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત રાજસ્થાન ખાતેથી એમડી ડ્રગ્સ બનાવવામાં વપરાતા એવા 10 કિલોથી વધુ રો મટીરીયલનો શંક્સપ્દ માદક પર્દાર્થનો જથ્થો પણ ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે NDPSના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં કેદ રહેલા આરોપી સુનીલ કૌશિક જેલમાંથી મોબાઈલ ફોન ઓપરેટ કરી હરિયાણા ભિવાની ખાતે રહેતા તેના પિતા ગજાનંદ શર્મા સાથે સંર્પક કરી હરિયાણાથી પડોશી રાજય રાજસ્થાનની હદમાંથી ગુજરાત રાજ્યના સુરત તથા અન્ય શહેરો તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાનું કાવતરું કરે છે. બાતમીના આધારે ડીસીબી પોલીસે ગત 19 તારીખના રોજ સુનીલ કૈશિક અને તેના પિતા ગજાનંદ શર્મા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે માહિતીના આધારે રાજસ્થાન ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધરી પાલી જિલ્લાના પાતીગામમાં આવેલા રાજપુરોહિતોકા બાસમાં આવેલા વાડાની ઓરડીમાંથી અલગ અલગ પ્લાસ્ટિકની બેગોમાંથી સફેદ કલરના ગાંગડા તથા પાવડર સ્વરૂપના શંકાસ્પદ માદક પદાર્થોનો જથ્થો જેનું કુલ વજન 10 કિલો 901 ગ્રામ છે તે કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસની અત્યાર સુધીની તપાસમાં કબજે કરવામાં આવેલો શંકાસ્પદ જથ્થો આરોપીઓ વલસાડ જિલ્લામાં આવેલા ઉમરગામ ખાતે ફેક્ટરી ખોલીને ત્યાં એમ. ડી ડ્રગ્સ બનાવવાના રો મટીરીયલસ તરીકે ઉપયોગમાં લેવાના હોવાનું જણાઈ આવ્યું હતું, જે અંગે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ ચાલુ છે. આરોપીઓની પૂછપરછમાં આરોપી ઘનશ્યામ મુલાણી, સુનીલ કૌશિક, વિરામણી ઉર્ફે અન્ના પાંડુરંગા લાજપોર જેલમાં સાથે હતા ત્યારે તમામે એમ. ડી ડ્રગ્સ બનાવવાનો પ્લાન કર્યો હતો જેના ભાગરૂપે ઘનશ્યામ મુલાણી અને વિરામણી ઉર્ફે અન્ના પાંડુરંગાએ પેરોલ જમ્પ કર્યો છે.
અગાઉ ત્રણેય આરોપીઓએ કૌશિકના પિતા ગજાનંદ શર્મા પાસેથી 12 કિલો જેટલો એમ.ડી ડ્રગ્સની બનાવટમાં વપરાતા રો મટીરીયલ્સનો જથ્થો મેળવી રાજસ્થાનમાં એમ.ડી ડ્રગ્સ બનાવી વેચાણ કરેલ હોવાની કબુલાત કરી છે. વધુમાં વીરામણી ઉર્ફે અન્ના પાંડુરંગા અગાઉ વર્ષ 2020 માં DCB પોલીસ મથકે પકડી પડેલા 1 કિલોથી વધારે એમડી ડ્રગ્સના જ્ત્થામાં મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો, જેમાં તેને મુંબઈ ખાતેથી એમડી ડ્રગ્સ મંગાવેલું હતું. આરોપી સુનીલ કૌશિક ડી,આર.આઈ. દ્વારા વર્ષ 2019માં પકડવામાં આવેલા 7.694 કિલો એમડી ડ્રગ્સના ગુનામાં લાજપોર જેલમાં છે. આ ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે લાજપોર જેલમાં જેલ પોલીસની મદદથી આરોપી સુનીલ કૌશિકની ઝડતી કરી હતી જેમાં આ ગુનામાં ઉપયોગમાં લીધેલો મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો.
સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે આ કેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેસમાં ઘનશ્યામ મુલાણી નામના આરોપીની ધરપકડ સુરત શહેરમાંથી કરવામાં આવી છે. આ આરોપી ઘનશ્યામ મુલાણી વર્ષ 2019માં તેના બનેવીની હત્યાના કેસમાં પકડાયો હતો. જયારે વિરામણી ઉર્ફે અન્ના પાંડુરંગા હાલમાં વોન્ટેડ છે. સુનીલ કૌશિક હાલમાં જેલમાં છે અને અન્ય આરોપીને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. આરોપીઓ ડ્રગ્સ બનાવવામાં સફળ રહ્યા હોત તો 8 થી 9 કરોડ રૂપિયા જેટલું ડ્રગ્સ બન્યું હોત અને યુવાધન બરબાદ થયું હોત. જો કે આરોપીઓ તેમના આ કામમાં સફળ રહે તે પહેલા જ ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર વાતને લઈ કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ભેસ્તાન આવાસ ડીંડોલી વિસ્તારમાંથી પણ 341.650 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે અંજુમબાનું રીઝવાન મેમણ નામની મહિલા બહારથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવી ભેસ્તાન એસએમસી આવાસમાં મોહમંદ સઈદ અબ્દુલ રશીદ અંસારી તથા ઝાકીર ઐયુબ પટેલ નામના તેના સાગરીતો સાથે પ્રતિબંધિત એમ,ડી. ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરે છે. માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી મોહમંદ સઈદ અબ્દુલ રશીદ અંસારી અને ઝાકીર ઐયુબ પટેલને ઝડપી પાડ્યા હતા જયારે અંજુમબાનુ રીઝવાન મેમણ નામની મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
પોલીસે અહીંથી 34,16,500 ની કિંમતનું 341,650 ગ્રામ એમડી ડ્રગ્સ, 20 હજારની કિમતની દેશી હાથ બનાવટ ની પિસ્ટલ, 3 મોબાઈલ ફોન, પોકેટ સાઈઝનો ઇલેક્ટ્રિક વજનકાંટો, સ્મોલ સાઈઝની ઝીપ બેંગ નંગ-85 વગેરે મળી કુલ 35,46 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો,
આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ બે ગુના નોંધવામાં આવ્યા છે તેમજ આરોપીઓ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા છે અને અહિયાં કોને વેચાણ કરવાના હતા તેની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, જયારે ઝડપાયેલો આરોપી ઝાકીર ઐયુબ પટેલ એ સુરત શહેર બોમ્બ પ્લાન્ટેશન કેસ 2008 ના આરોપી મોહમ્મદ ઝકીર ઐયુબ પટેલ કે જે નિર્દોષ છૂટ્યો છે તેનો સગો નાનો ભાઈ છે.
આ પણ વાંચો : સુરતમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં સૌથી મોટો ખુલાસો, સિરિયલ બોમ્બ કાંડના આરોપીનો ભાઈ હોવાની આશંકા
રાંદેરમાંથી 50.460 ગ્રામ એમ. ડી ડ્રગ્સ ઝડપાયું
આ ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે રાંદેર પીસ પોઈન્ટ એપાર્ટમેન્ટ પાછલી ઓલી સ્ટ્રીટમાં પાંચમાં માળે ફ્લેટની અંદર એમ.ડી ડ્રગ્સનો જથ્થો પોતાના કબજામાં રાખી છૂટક વેચાણ કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અહી પણ દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી સૈયદ તૌસીફ મો. મુસ્તુફા સૈયદ અને મો. શહીદ મો.સલીમ ખત્રીને ઝડપી પાડ્યા હતા. પોલીસે અહીંથી 504600 રૂપિયાનું 50.460 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. આ ઉપરાંત પ્લાસ્ટિકની ઝીપલોક વાળી 168 નંગ થેલી, ઇલેક્ટ્રિક વજન કાંટો, 2 મોબાઈલ તેમજ રોકડા રૂપિયા 13,100 મળી કુલ 6.02 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ આરોપીઓ એમ. ડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા અને અહિયાં કોને વેચાણ કરવાના હતા તે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.