સુરતના 75 જેટલા સાહસિક યુવાનો કચ્છના આશાપુરા માતાજીના મઢના દર્શન કરવા સાઇકલ પર રવાના
આઝાદીના અમૃત મહોત્સવને પગલે સંસ્થા દ્વારા યાત્રા દરમ્યાન 75 સ્થળે વૃક્ષારોપણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ સિવાય રાત્રિ વિશ્રામ અને સવારે યાત્રાના પ્રારંભ દરમ્યાન નિયમિત 75 મિનિટ સુધી માતાજીની આરાધના પણ કરવામાં આવશે.
આદ્યશક્તિ નવરાત્રીના (Navratri) તહેવારમાં કચ્છના કુળદેવી આશાપુરાના દર્શન માટે દેશ-દુનિયાથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડે છે. જોકે, આ વર્ષે પહેલી વખત સુરત (Surat) શહેરથી 75 યુવાઓ સાયકલ પર 800 કિલોમીટર જેટલું અંતર કાપીને માં આશાપુરાના દર્શન માટે રવાના થયા છે. નવ દિવસની આ યાત્રા દરમ્યાન અલગ – અલગ સંસ્થાઓ અને સમાજ દ્વારા તેઓના રહેવા – જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નવરાત્રિના તહેવારમાં એક તરફ ગરબે ઘુમવા માટે યુવાઓમાં મહિનાઓથી ઉત્સાહનો અતિરેક જોવા મળતો હોય છે ત્યારે બીજી તરફ શહેરના 75 જેટલા સાહસિક યુવાઓ નવરાત્રિના પાવન પર્વે કચ્છમાં આવેલા આશાપુરા માતાજીના મંદિર માતાના મઢના દર્શન માટે સાયકલ પર રવાના થયા છે.
અડાજણ, ઉમરા, સાયણ અને અમરોલી સહિત શહેરના અલગ – અલગ વિસ્તારમાં રહેતા આ યુવાઓ પ્રતિદિન 80થી 120 કિલોમીટરનું અંતર કાપીને સાતમા દિવસે આશાપુરા પહોંચશે. હાલમાં આ યુવકોનું ગ્રુપ સાયલા પહોંચી ચુક્યા છે અને ચોટિલામાં રાત્રિમાં વિશ્રામ કર્યા બાદ પુનઃ આગળનો પ્રવાસ કરશે. 20મી સપ્ટેમ્બરના રોજ સુરતથી રવાના થયેલા આ યુવાઓ પહેલા દિવસે 77 કિલોમીટરનું અંતર કાપીને ભરૂચ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારબાદ બીજા દિવસે વડોદરા પહોંચ્યા હતા અને વડોદરાથી અરણેજ પહોંચ્યા બાદ 127 કિલોમીટરનું અંતર કાપીને ચોટીલા પહોંચશે. ચોટીલાથી મોરબી, મોરબીથી ભચાઉ અને ભચાઉથી વાંઢાચ થઈ માતાના પહોંચતા આ યુવકોને આઠ દિવસનો સમય લાગશે. માતાના મઢ પહોંચ્યા બાદ ત્યાં આશાપુરાના આર્શીવાદ મેળવીને આ યુવકો બસમાં પરત ફરશે.
બે મહિના પહેલાથી જ સાયકલિંગ શરૂ કર્યું હતું
સુરતથી આશાપુરા માટે રવાના થયેલા યુવકોનો ઉત્સાહ સાતમા આસમાને નજરે પડી રહ્યો છે. સાયકલ પર 800 કિલોમીટર જેટલું અંતર કાપવા માટે માત્ર માનસિક જ નહીં શારીરિક રીતે પણ સજ્જ થવા માટે યુવકોએ બે મહિના પહેલાથી જ સાયકલિંગ શરૂ કરી દીધું હતું. છેલ્લા બે મહિનાથી નિયમિત સાયકલ ચલાવવાની સાથે સાથે આ ગ્રુપના યુવકો રવિવારે 100થી 120 કિલોમીટરનું અંતર કાપતા હતા.
ગ્રુપમાં 62 વર્ષીય વડીલ ઉત્સાહનું કેન્દ્ર બિંદુ
આસ્થા ગ્રુપ દ્વારા પહેલી વખત સુરતથી આશાપુરાના દર્શન માટે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશ્યલ મીડિયામાં આ અંગેની જાહેરાત કરવામાં આવતાં એક પછી એક 75 યુવકો આ ગ્રુપમાં જોડાયા હતા. જો કે, આ ગ્રુપમાં જોડાયેલા 62 વર્ષીય કિશોરભાઈ પટેલ યુવાઓ માટે ઉત્સાહના કેન્દ્ર બિંદુ સમાન સાબિત થઈ રહ્યાં છે. હાલમાં નિવૃત્ત જીવન ગાળી રહેલા કિશોરભાઈએ જણાવ્યું હતું કે, સાયકલ ચલાવવાનો તેઓને પહેલેથી જ શોખ હતો. પરંતુ આશાપુરાના આ પ્રવાસ માટે તેઓએ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
સંસ્થા દ્વારા 75 સ્થળે વૃક્ષારોપણનો નિર્ધાર
આશાપુરા માટે પહેલી સાયકલ યાત્રાનું આયોજન કરનાર આસ્થા ગ્રુપના રાકેશ પટેલે જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવને પગલે સંસ્થા દ્વારા યાત્રા દરમ્યાન 75 સ્થળે વૃક્ષારોપણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ સિવાય રાત્રિ વિશ્રામ અને સવારે યાત્રાના પ્રારંભ દરમ્યાન નિયમિત 75 મિનિટ સુધી માતાજીની આરાધના પણ કરવામાં આવશે. આશાપુરામાં અપાર શ્રદ્ધા રાખનાર આ ગ્રુપના યુવકોએ ફિટ ઈન્ડિયા અને પેડલ ફોર હેલ્થના ઉદ્દેશ્યને પણ આગળ ધપાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.