Surat :અમરોલી વિસ્તારના પાલિકા આવાસમાં DGVCLની ટીમના દરોડા, વીજ ચોરી થતી હોય તેવા મીટરો કબ્જે કરાયા
સુરતના (Surat) અમરોલી વિસ્તારમાં આવેલા 5000થી વધુ આવાસમાં DGVCL દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ગેરકાયદેસર રીતે વીજળી વાપરતા હોય તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા પાલિકાના આવાસમાં વીજ ચોરી થવાની ફરિયાદો અવારનવાર સુરત વીજ કંપની પાસે આવી રહી હતી. જેને લઈ આજે વહેલી સવારથી સુરત DGVCL દ્વારા અલગ અલગ ટીમ બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા 5000થી વધુ આવાસમાં DGVCL દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ગેરકાયદેસર રીતે વીજળી વાપરતા હોય તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી.
ઘણા સમયથી વીજ ચોરીની મળી રહી હતી ફરિયાદ
સુરત શહેરમાં આવેલી ઝૂંપડાઓમાં રહેતા લોકોને મહાનગરપાલિકાએ આવાસ બનાવીને આપ્યા છે. અહીં મોટા પ્રમાણમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકો રહે છે. સાથે અમરોલી કોસાડમાં 5000 કરતાં વધુ આવાસોમાં લાંબા સમયથી ઈલેક્ટ્રીક કંપનીના બિલ નહીં ભરવા સાથે વીજળી ચોરી કરાતી હોવાની વ્યાપક ફરિયાદો સુરત વીજ કંપનીને મળી હતી.
DGVCL દ્વારા સમય અંતરે કરવામાં આવે છે કાર્યવાહી
આમ તો સુરતના છેવાડે વિસ્તારમાં આ ફરિયાદ અવારનવાર મળતી હોય છે, ત્યારે DGVCL દ્વારા સમય અંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, છતાં પણ કેટલાક લોકો વીજળી ગેરકાયદેસર રીતે વાપરતા હોય છે.
વીજ કંપનીની 40 ટીમ દ્વારા શરુ કરાઇ હતી તપાસ
અવાર નવાર ફરિયાદોના આધારે વહેલી સવારે એક સાથે સુરત વીજ કંપનીની અલગ અલગ 40 જેટલી ટીમે તપાસ શરુ કરી હતી. વીજ કંપનીની સાથે DGVCLપોલીસ અને લોકલ પોલીસની મદદથી સવારથી સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા આવાસ ખાતે દરોડા અને સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યાં મોટા પ્રમાણમાં વીજ ચોરી મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગેરકાયદેસર રીતે વીજળી વાપરતા શંકાસ્પદ મીટર કબ્જે કરવામાં આવ્યા
જે લોકોએ બિલ ભર્યા ન હતા તેમના મીટર તો જપ્ત કરવામાં આવ્યા હતા, આ સાથે સાથે જે મીટરમાં વીજ ચોરી થતી હોય તેવું લાગતાં મીટરો પણ કબ્જે કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં અત્યાર સુધીની સૌથી મોટું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારના ઓપરેશન આગામી દિવસમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.