Surat: 108ની સરાહનીય કામગીરી, અડધી રાતે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ ડિલિવરી કરાવી
Surat News : 108ના ઊગતગામ લોકેશનને રાતે 12.30 આસપાસ કોલ મળ્યો હતો કે, હજીરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય વીનુબેનને 9 માસનો ગર્ભ છે, તેણીને પ્રસુતિની પીડા ઉપડતા હોસ્પિટલ લઇ જવાના છે. કોલ મળતા જ 108ની ટીમ ઘટના સ્થળે પહોચી ગયી હતી.
સુરતમાં 108ની સરાહનીય કામગીરી સામે આવી છે. સુરતના હજીરા વિસ્તારમાં એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેણીને હોસ્પિટલ લઇ જવાની હતી. જે સમયે 108ની ટીમ મહિલાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જઈ રહી હતી, તે દરમિયાન મહિલાને પ્રસુતિની પીડા ઉપડી જતા રાતે 1 વાગ્યાની આસપાસ અડધા રસ્તે એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી હતી.
આ પણ વાંચો-Surat: સુરતમાં ગૌવંશની કતલથી આક્રોશ, 1800 કિલો ગૌમાંસ જપ્ત, કસાઇઓ ફરાર
મહિલાને હોસ્પિટલ સુધી પહોચાડવી શક્ય ન હતી
મળતી માહિતી મુજબ 108ના ઊગતગામ લોકેશનને રાતે 12.30 આસપાસ કોલ મળ્યો હતો કે, હજીરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય વીનુબેનને 9 માસનો ગર્ભ છે, તેણીને પ્રસુતિની પીડા ઉપડતા હોસ્પિટલ લઇ જવાના છે. કોલ મળતા જ 108ની ટીમ ઘટના સ્થળે પહોચી ગયી હતી અને સગર્ભા મહિલાને 108માં સિવિલ હોસ્પિટલ લઇને આવી રહ્યા હતા, આ દરમ્યાન ઈચ્છાપોર નજીક મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી અને રસ્તામાં જ અચાનક બાળકનું માથું બહાર આવી ગયું હતું. મહિલાને હોસ્પિટલ સુધી પહોચાડવી શક્ય ન હોવાથી એમ્બુલન્સમાં જ ડિલિવરી કરવાનું નક્કી કરાયું હતું.
માતાએ તંદુરસ્ત 3.5 કિલોના બાળકને જન્મ આપ્યો
ત્યારબાદ EMT કલ્પેશ ઠાકોરે વધુ સમય બગડવા ન દેતા રસ્તામાં ઈચ્છાપુર પાસે એમ્બ્યુલન્સ ઉભી રખાવી અને ત્યાં જ ડિલિવરી કરાવાનો નિર્ણય લીધો હતો. EMT કલ્પેશ ઠાકોરે ખૂબ જ સાવધાની પૂર્વક ડિલિવરી કરાવી અને માતાએ એક સ્વસ્થ અને તંદુરસ્ત 3.5 કિલોના બાળકને જન્મ આપ્યો હતો.
ત્યારબાદ અમદાવાદ ખાતે 108 ની હેડ ઓફિસ સ્થિત ડોક્ટર ભાવિકભાઈના માર્ગદર્શન હેઠળ બાળકને ન્યુ બોર્ન કેર આપીને સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરાવ્યા હતા. સફળતા પૂર્વક ડિલીવરી થતાં સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો અને પરિવારે 108 ટીમના EMT કલ્પેશભાઈ ઠાકોર અને પાઇલોટ અનિલભાઈ રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે 108ની કામગીરી લોકો માટે ખરા અર્થમાં ફાયદાકારક નીવડી રહી છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ માટે 108 દેવદૂત સમાન સાબિત થઇ રહી છે. અગાઉ પણ 108ની ટીમે રીક્ષા, એમ્બ્યુલન્સ, શૌચાલય તેમજ ઘરમાં જ સફળ ડિલિવરી કરાવી છે. ત્યારે વધુ એક વખત 108ની ટીમે એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવતા એક પરિવારમાં ખુશીની કિલકારીઓ ગુંજી ઉઠી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…