Surat: લો બોલો! શહેરના રસ્તા તો ઠીક પણ બ્રિજ પર પણ 3 ઈંચ જેટલા ખાડા પડતા સળિયા બહાર નીકળ્યા
બ્રિજમાં પડેલા ખાડાથી બચવા માટે વાહનચાલક અચાનક બ્રેક લાગવાથી ક્યાંક સ્લીપ થઈ જાય છે અથવા બાઈકનું બેલેન્સ ગુમાવવાથી પડી જાય છે.
સતત વરસી રહેલા વરસાદને (Rain) કારણે ફક્ત શહેરના રસ્તાઓ જ નહીં બ્રિજની(Bridge) પણ હાલત બદતર થઈ ગઈ છે. બ્રિજ સીટી સુરતમાં તો 115 કરતા પણ વધારે બ્રિજ આવેલા છે. જેનો લોકો મોટી સંખ્યામાં ઉપયોગ કરે છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે વરસાદને કારણે શહેરના રસ્તાઓ જ નહીં બ્રિજના માર્ગનું પણ ધોવાણ થયું છે. જેના કારણે વાહનચાલકોને ભારે પરેશાની થઈ રહી છે.
આવા એક બે નહીં પણ અસંખ્ય બ્રિજ એવા છે જ્યાં મોટા મોટા ખાડા પડી ગયા છે. કેટલાક બ્રિજ પર તો રસ્તાની પહેલી લેયર પણ ઉખડી જતા સળિયા પણ દેખાવા લાગ્યા છે. બ્રિજ પર ફક્ત 1થી 2 ઈંચ કોન્ક્રીટની લેયર હોવાના કારણે ખાડા પડતા તેમાંથી સળિયા બહાર આવવા લાગ્યા છે અને ધીરે ધીરે આ ખાડા મોટું રૂપ ધારણ કરી રહ્યા છે.
પરિસ્થિતિ એવી છે કે બ્રિજ પર પુરપાટ ઝડપે દોડી રહેલા વાહનોના અકસ્માત થવાનો ભય આ ખાડાઓના કારણે ખુબ વધી ગયો છે. તેના કારણે અસંખ્ય લોકોના અકસ્માત થઈ રહ્યા છે. જોકે તેના લીધે એક પણ મોતનો બનાવ બન્યો નથી. પરંતુ મળતી માહિતી પ્રમાણે વરસાદની સિઝનમાં 150થી 200 લોકો અકસ્માતમાં ઘાયલ થયા છે. બ્રિજમાં પડેલા ખાડાથી બચવા માટે વાહનચાલક અચાનક બ્રેક લાગવાથી ક્યાંક સ્લીપ થઈ જાય છે અથવા બાઈકનું બેલેન્સ ગુમાવવાથી પડી જાય છે.
સુરતમાં ખાડી પર 60 બ્રિજ બન્યા છે. જેમાંથી 25 બ્રિજની હાલત ખરાબ થઈ ચુકી છે. જેની પહેલી લેયર તદ્દન ખરાબ થઈ ચુકી છે. જો તેને ફૂટપટ્ટીથી પણ માપવામાં આવે તો લગભગ 3 ઈંચ કરતા પણ વધુના ખાડા જોવા મળી રહ્યા છે. જોકે સોશિયલ મીડિયામાં રસ્તા પર ખાડાની ફરિયાદો ઉઠતા પાલિકાએ યુદ્ધના ધોરણે કામગીરી પણ આરંભી દીધી છે.
જોકે નેતાઓએ આ સમયે પણ પોતાની વાહવાહી લૂંટવાની બાકી નથી રાખી અને રીપેર થઈ રહેલા રસ્તાની બાજુમાં ઉભા રહીને ફોટો પણ પડાવ્યા છે. કોપોરેશનનું કહેવું છે કે જ્યાં જ્યાંથી પણ ફરિયાદો આવી રહી છે, ત્યાં ત્યાં જઈને કોપોરેશનના અધિકારીઓ દ્વારા હવે ફરિયાદોનો નિકાલ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
આ પણ વાંચો :Surat : નવા 13 ફાયર સ્ટેશન બનાવવા SMCની મંજૂરી, ઓક્ટોબરમાં પુણા વિસ્તારનું નવું ફાયર સ્ટેશન ખુલ્લુ મુકાશે
આ પણ વાંચો :Surat ઉમિયા ધામ મંદિરમાં આ વર્ષે પારંપરિક ગરબાનું આયોજન, મર્યાદિત લોકોને જ પ્રવેશ અપાશે