હિંમતનગરમાં અમૃત રેલવે સ્ટેશન તૈયાર કરવાની બેઠકમાં DRM પર ભડક્યા MP, રુપરેખા નહીં હોઈ આકરા થયા
અમદાવાદ DRM સહિતના કાફલો હિંમતનગર પહોંચ્યો હતો. જ્યાં સાબરકાંઠા MP અને હિંમતનગર MLA સાથે બેઠક યોજવામાં આવી હતી. પરંતુ બેઠક દરમિયાન કોઈ રુપરેખા જ નહોતી દર્શાવી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશનને અમૃત યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે થઈને અમદાવાદ ડિવિઝન ના DRM તરુણ જૈન સહિતના અધિકારીઓનો કાફલો હિંમતનગર પહોંચ્યો હતો. શનિવારે બપોરે આવેલા અધિકારીઓના કાફલાએ સાબરકાંઠાના સાંસદ દિપસિંહ રાઠોડ અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સાથે બેઠક યોજીને હતી અને રેલવે સ્ટેશનને લઈ બંનેએ સૂચનો અધિકારીઓને આપ્યા હતા. જોકે અધિકારીઓ દ્વારા સ્ટેશનને લઈ કોઈ જ વિગતે વધારે ફોડ નહીં પાડતા અને માત્ર વાતો જ કરતા સાંસદે આખરે આકરા શબ્દો ઉચાર્યા હતા.
હિંમતનગર થઈને પસાર થતી અમદાવાદ ઉદયપુર રેલવે લાઈન હવે બ્રોડગેજમાં રૂપાંતર કરી દેવામાં આવી છે. હવે અસારવા થી ઉદયપુર વાયા હિંમતનગર ટ્રેન દોડવા લાગી છે. જિલ્લાના મુખ્ય મથકને હવે ઝડપી રેલ સુવિધાનો લાભ મળવા લાગ્યો છે અને ટ્રેનોની સંખ્યામાં વધારો થાય એ પહેલા હિંમતનગરના રેલવે સ્ટેશનને અમૃત રેલવે સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રેલવે સ્ટેશનને વધુ સુવિધાજનક બનાવાશે
અમૃત યોજનામાં સમાવેશ થયા બાદ હવે હિંમતનગર રેલવે સ્ટેશને વધુ અદ્યતન અને વધારે સુવિધાઓ યુક્ત બનાવવામાં આવશે. આ માટે અમદાવાદના ડીઆરએમ વિશેષ કોચમાં અધિકારીઓના મોટા કાફલા સાથે હિંમતનગર પહોંચ્યા હતા. અધિકારીઓની સાથે સ્થાનિક સાંસદ અને ધારાસભ્યની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન સાંસદ દિપસિંહ રાઠોડે બતાવ્યુ હતુ કે, હિંમતનગરને વધુ સુવિધાજનક રેલવે સ્ટેશન પ્રાપ્ત થશે. હાલમાં નિર્માણ થયેલ નવિન રેલવે સ્ટેશનને મોડલ સ્ટેશનની માફક અદ્યતન બનાવવામાં આવશે. મુસાફરોને વધારે સારી સુવિધાઓ મળે એ માટે અપગ્રેડશન કરવામાં આવશે.આમ સ્ટેશનની હાલની રોનક બદલાઈ જશે. આ માટે ખાસ દરકાર રાખીને જરુરિયાતો અને સુવિધાઓને લઈ સુચનો અધિકારીઓને કરવામાં આવ્યા છે.
હજુ કોઈ પ્લાન તૈયાર નથી-DRM
સ્થળ નિરીક્ષણ કરવા હિંમતનગર આવેલા અધિકારીઓએ સૂચનો શુ છે તે પ્રકારની જ અપેક્ષા સેવતા સાંસદ આકરા થયા હતા. પ્લાન માંગતા એ હજુ નહી હોવાનુ રટણ કરતા સાંસદ આકરા થયા હતા. તેઓ શુ પ્લાનીંગ છે અને અને તેમાં કેવા સુચનો જરુરી છે એ ચર્ચા કરવા માટે પ્રાથમિક જાણકારીથી વાકેફ થવુ જરુરી હોવાનુ દર્શાવ્યુ હતુ. જોકે ડીઆરએમ એ પ્લાન હાલ તૈયાર નહીં હોવાનુ બતાવ્યુ હતુ અને તે આર્કિટેક્ટ આપે બાદમાં આવશે એમ કહ્યુ હતુ.
જે વાતને પર સાંસદ ભડક્યા હતા અને કહ્યુ કે મુસાફરોને પૂરતી સુવિધાજનક સ્ટેશન તૈયાર થવુ જોઈએ. આ માટે જરુર પડ્યે પ્રધાનને પણ આ અંગે વાકેફ કરી સ્ટેશનને વધુ શાનદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે એમ કહ્યુ હતુ.