Sabarkantha: 6 વર્ષથી દેશનુ પ્રથમ ડિજિટલ વિલેજ વિકાસની રાહ જોઇ રહ્યુ છે, ગામમાં ના CCTV કે વાઇફાઇ જેવી સુવિધાઓ પણ નથી
સાબરકાંઠાના આકોદરા ગામ (Akodra Digital Village) ને ડિજિટલ પેમેન્ટ અને ડિજિટલ સુવિધાઓયુક્ત ગામ બનાવવા માટે વિશેષ ઓળખ અપાઇ હતી.
સરકાર દ્વારા હવે ડિજિટલ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ શબ્દ હાલમાં બજેટ દરમિયાન પણ ખૂબ સાંભળવા મળ્યો હતો. પરંતુ દેશના પ્રથમ ડિજિટલ વિલેજ (Digital Village) તરીકે જાહેર થયેલા આકોદરા ગામ (Akodra Village) ને પણ હવે સરકારની આ દિશામાં આગળ વધવાની ઇચ્છા શક્તિને જોતા પોતાના ગામના વિકાસની આશા બંધાઇ છે. કારણ કે સાબરકાંઠા (Sabarkantha) આ ગામને ડિજિટલ પેમેન્ટ અને ડિજિટલ સુવિધાઓયુક્ત ગામ બનાવવા માટે વિશેષ ઓળખ અપાઇ હતી. તો જાણીએ ગામની વર્તમાન સ્થિતી પર
દેશનુ પ્રથમ ડિજિટલ વિલેજ હિંમતનગરનુ આકોદરા ગામને પસંદ કરવામાં આવ્યુ હતુ. નાનકડા ગામડાંને દેશમાં ડિજિટલ ગામ તરીકે ઓળખ આપ્યા બાદ આજે આ ગામની સ્થિતી ડિજિટલ રીતે જોવા જઇએ તો શૂન્ય પર પહોંચી ગઇ છે. કારણ કે જે સુવિધાઓ આ ગામને આપવાની વાત હતી એ તો ઓસરાઇ ચૂકી છે. પરંતુ હવે ફરી થી કેન્દ્રીય બજેટમાં જ્યારે ડિજિટલ પર ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે આકોદરા ગામના લોકોને પણ આશા છે કે, સરકાર હવે આ ગામને ખરા અર્થમાં ડિજિટલ બનાવવા તરફ આગળ વધશે. ગામના લોકો અને યુવાનો પણ ગામને જે મુજબ ઓળખ આપવામાં આવી છે એ મુજબ ની સુવિધાઓ લાગુ કરવામા આવે એવી માંગ કરી રહ્યા છે.
ગ્રામજનો શુ કહે છે
ગામના વિશ્વાસ પટેલ કહે છે અમારા ગામમાં જે સુવિધાઓ આપવા માટેનુ કહ્યુ હતુ તે મોટા ભાગની સુવિધાઓ હાલમાં નથી, જેમકે ગામમાં હાલના સમયમાં ઓનલાઇન વર્ગો માટે વાઇફાઇ-ઇન્ટરનેટની જરુર છે, તે પણ જાહેર કર્યા મુજબ નથી અપાતી. ડિજિટલ પેમેન્ટ જેવી સુવિધાઓ મોબાઇલ એપને લઇને હાલ ચાલુ છે પણ અન્ય સુવિધાઓ કશી રહી નથી.
ગામના દુકાનદાર વિમળાબેન પ્રજાપતિ કહે છે, અમને દુકાન માટે પીઓએસ મશીન આપ્યા હતા પરંતુ એ ખૂબ મોંઘા પડી રહ્યા છે જેને લઇને અમે એ બંધ કરી દીધા છે અને અમે રોકડાથી જ વ્યવહાર કરી રહ્યા છીએ.
ડિજિટલ સુવિધાયુક્ત બનાવવાની બતાવાઇ હતી બ્લૂ પ્રિન્ટ
જ્યારે વર્ષ 2015 માં આ ગામને ડિજિટલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યુ હતુ ત્યારે, ગામમાં દુકાનો અને ગલ્લાઓ પર ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવાની વાતો કરી હતી. પશુપાલકોના દૂધની રોકડ આવકને પણ ડિજિટલ બનાવવા ઉપરાંત ખેડૂતોની મંડળીઓના આર્થિક વ્યવહારો પણ ડિજિટલ બનાવવાની વાત કરી હતી. પરંતુ તેના માટે આપવામાં આવેલા પીઓએસ મશીન પણ ખૂબ જ મોંઘા પડવા લાગતા તે પણ હવે વપરાશમાં રહ્યા નથી. તેમજ ગામની શાળા અને આંગણવાડી કેન્દ્ર ને પણ સ્માર્ટ ક્લાસ ધરાવતી બનાવવાની વાત કહી હતી એ પણ ભૂલાઇ ચુક્યુ છે.
તો વળી ગામમાં સીસીટીવી અને ફ્રીવાઇ ફાઇ જેવી આજના જમાનાની પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી કરાવાઇ. આમ ગામના લોકોને મોટી આશાઓ તો બંધાવી હતી. પરંતુ તે પુર્ણ રીતે પુરી કરાઇ નથી. તો વળી બીજી તરફ ગામની પંચાયત દ્વારા ગામને વિકાસ તરફ લઇ જવા માટે પ્રયાસો શરુ કરી પોતાના મેળે હવે સીસીટીવી અને અન્ય સુવિધાઓ ઉભી કરવા માટે પ્રયાસ શરુ કર્યો છે.
ગામના ઉપસરપંચ શુ કહે છે
ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ બ્રિજેશ પટેલ કહે છે, અમારા ગામને ડિજિટલ વિલેજ તરીકે જાહેર કરવામા આવ્યુ હતુ. ગામમાં શરુઆતમાં કેટલીક સુવિધાઓ શરુ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં અન્ય સુવિધાઓ હજુ પુર્ણ થઇ નથી, અમને આશા છે કે હાલમાં સરકાર ડિજિટલ પર ભાર મુકી રહી છે તો અમારા ગામનો વિકાસ આગળ ધપશે. અમે પણ અમારા સ્તરે ગામનો વિકાસ સ્થાનિક તંત્ર સાથે મળીને કરવા સતત પ્રયાસ કરીએ છીએ.
ડિજિટલ વિલેજને વિકસાવવા માટે આકોદરા ગામ જ નહી પરંતુ વિસ્તારના લોકોમાં પણ અપેક્ષા વર્તાઇ રહી છે. આકોદરા ગામને આ પહેલા રાજ્ય સરકાર દ્વારા દેશની પ્રથમ પશુ હોસ્ટેલ નિર્માણ કરવામાં આવી હતી અને જેની આધુનિક સગવડોને લઇને આકોદરા ગામ જાણીતુ બન્યુ હતુ. ત્યાર બાદ ગામને ડિજિટલ તરીકે જાહેર કરવામાં આવ્યુ હતુ.