Praful Patel: એક નહીં બે પ્રફુલ પટેલ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં, શુ તમે જાણો છો બંને દિગ્ગજ ગુજરાતીઓનુ હિંમતનગર ક્નેક્શન !
Who is Praful Patel, know: પ્રફુલ પટેલ, આ નામ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે, એક રાજકીય હલચલને લઈ ચર્ચામાં છે તો, બીજા તેમના કાર્યને લઈ ચર્ચામાં છે. આ બંને નેતાઓના કનેક્શન હિંમતનગર સાથે છે.
પ્રફુલ પટેલ. આજકાલ એક જ નામના બે નેતાઓના નામ ખૂબ જ ચર્ચામાં છવાયેલા છે. બંને નેતાઓની વિચારધારાઓ રાજકીય રીતે અલગ અલગ રહેલી છે. એક મહારાષ્ટ્રમાં રાજકીય રીતે હલચલ મચવાને લઈ ચર્ચામાં છે. તો બીજુ નામ પોતાના કાર્યને લઈ કેન્દ્રમાં સ્થાન મળવાની વાતને લઈને ચર્ચામાં છે. આમ તો એકસરખા નામ ધરાવતા બંને નેતાઓ પોતાના કામને લઈ ચર્ચામાં રહે છે, પરંતુ બંનેના કામ અને કાર્ય અલગ અલગ છે. વળી આ બંને નેતાઓનો સંબંધ ગુજરાતના હિંમતનગર શહેર સાથે છે.
મોદી કેબિનેટમાં સ્થાન મળવાની ચર્ચા પ્રફુલ પટેલની થઈ રહી છે. આ વાત હિંમતનગરના પ્રફુલ પટેલની છે, જેઓ દિવ દમણ અને લક્ષદ્વીપ ના પ્રશાસક તરીકે પદ સંભાળી રહ્યા છે. NCP ના દિગ્ગજ નેતા પ્રફુલ પટેલ. આ મૂળ ગુજરાતી નેતાનો સંબંધ હિંમતનગરમાં છે અને તેઓ પણ અનેકવાર હિંમતનગરમાં આવન જાવન કરતા હોય છે. આ તો થઈ મહારાષ્ટ્રના નેતાના નામને લઈને ચર્ચાની વાત. બન્ને નેતાઓના નામ રાજકારણમાં રાષ્ટ્રીયસ્તરે ચર્ચાઈ રહ્યા છે.
મહારાષ્ટ્રની રાજકીય હલચલથી ચર્ચા શરુ
હાલમાં મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ હતી. અચાનક જ નાયબ મુખ્યપ્રધાન તરીકે એવી વ્યક્તિએ શપથ લીધા કે માહોલ પ્રફુલ પટેલના નામનો ચર્ચામાં છવાઈ ગયો. શપથ લેનારા અજીત પવારની સાથે સતત પ્રફુલ પટેલ જોવા મળી રહ્યા હતા. પ્રફુલ પટેલ પૂર્વ કેન્દ્રીય ઉડ્યન પ્રધાન રહી ચુક્યા છે. તેઓ યુપીએ સરકારના સમયમાં ઉડયન પ્રધાન રહ્યા હતા અને એનસીપીમાં તેઓ મોટા કદના નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે. જોકે અજીત પવારની ઘટના બાદ હવે તેમની ચર્ચાઓ ફરી વધી છે અને તેઓની પર સૌની નજર ઠરી છે. તેઓના રાજકીય ભવિષ્યને લઈને પણ ચર્ચાઓ તરહ તરહની થઈ રહી છે. અજીત પવારના શપથ સાથે જ તેઓ ખૂબ જ ચર્ચાઓમાં રહ્યા છે.
પ્રશાષક પ્રફુલ પટેલ વિકાસથી ચર્ચામાં
ગુજરાતના પુર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ પટેલ હાલમાં સંઘ પ્રદેશના પ્રશાસક તરીકે પદ સંભાળી રહ્યા છે. તેઓ 2016 થી આ પદ પર છે. દિવ દમણના પ્રશાસક તરીકે નિમણૂંક થયા બાદ તેઓને દાદરા અને નગર હવેલીના સંઘ પ્રદેશના પ્રશાસક તરીકે વધારે હવાલો સોંપવામાં આવ્યો હતો. વર્ષ 2020 થી તેઓને વધુ એક પ્રશાસક પદ સોંપવામાં આવ્યુ હતુ. જે દેશ અને દુનિયાના સૌથી સુંદર દરીયાઈ ટાપુઓમાં સમાવેશ થતા લક્ષદ્વીપના પ્રશાસક તરીકેનો વધુ એક હવાલો સોંપાયો હતો.
જોકે આ પ્રફુલ પટેલ રાજકીય ગતિવિધીઓથી નહીં પરંતુ તેમના કાર્યોથી ચર્ચામાં રહે છે. આ કાર્યો તેઓ દેશમાં ઉદાહરણીય હોય છે અને એટલે જ તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુકમાં રહ્યા છે. લક્ષદ્વીપની કાયાપલટ કરવા સાથે વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસની ગતિ પકડી છે. જેણે દેશના અનેક નેતાઓને પ્રભાવિત કર્યા છે. આવનારા દિવસોમાં લક્ષદ્વીપ માલદીવની સાથે હરીફાઈ કરશે. આ ઉપરાંત દિવ અને દમણની કાયાપલટ કરતો વિકાસ કરતા વડા પ્રધાન મોદી પાંચ વાર મુલાકાત લઈ ચુક્યા છે અને રોડ શો યોજી ચૂક્યા છે. તેમની વિકાસ લક્ષી સૂઝબૂઝને લઈ હવે મોદી કેબિનેટમાં સ્થાન મળવાની ચર્ચા શરુ થઈ છે. તેઓને રાજ્યસભાના ઉમેદવાર બનાવી શકાય છે એવી ચર્ચા ચાલી રહી છે. જોકે આ બધુ હાલ માત્ર ચર્ચાઓમાં જ છે અને તેઓ હાલમાં પ્રશાસક તરીકેના જ કાર્યમાં વ્યસ્ત છે.
There was great fervour in Daman. Here are highlights from yesterday… pic.twitter.com/BCHEr9sA2B
— Narendra Modi (@narendramodi) April 26, 2023
બંને પ્રફુલ પટેલના સંબંધ હિંમતનગર સાથે
પ્રશાસક પ્રફુલ પટેલ હિંમતનગરના છે. તેઓનુ ઘર અને પરિવાર હિંમતનગરમાં જ રહે છે. તેઓ પૂનમે શામળાજી દર્શન કરવા માટે અચૂક આવે છે. વર્ષ 2007માં તેઓ હિંમતનગરના ધારાસભ્ય બન્યા હતા અને 2010 થી 2012 માં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં ગૃહ રાજ્ય પ્રધાન રહી ચુક્યા હતા. હિંમતનગરમાં તેઓએ ધારાસભ્ય રહેતા મેડીકલ કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલ, દેશનો મોડેલ પ્રોજેક્ટ કેનાલ ફ્રન્ટ સહિત અનેક વિકાસ કાર્યો હાથ ધર્યા હતા.
NCP ના પ્રફુલ પટેલ મૂળ ગુજરાતી છે અને તેઓના સાળા હિંમતનગરમાં રહે છે. પ્રફુલ પટેલના સાળા હિંમતનગરમાં સિમેન્ટનો મોટો કારોબાર ધરાવે છે, જ્યારે તેમના સાળાનો પુત્ર પણ પિતાના કારોબારમાં સંકળાયેલા છે. થોડાક મહિનાઓ અગાઉ જ પ્રફુલ પટેલના સાળાના પુત્રના લગ્ન હતા અને તેઓ લગ્નમાં પરિવાર સહ હાજર રહ્યા હતા.
કેટલીક વાર આમ પણ થાય છે
હાલમાં મહારાષ્ટ્રની રાજકીય ગતિવિધીઓ દરમિયાન પ્રશાસક પ્રફુલ પટેલને લઈ ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી. મહારાષ્ટ્રના રાજકારણમાં દમણના પ્રશાસકની ભૂમિકાને લઈ શરુઆતમાં ચર્ચાઓ શરુ થઈ હતી. અગાઉ લક્ષદ્વીપના સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં બીફ પિરસાતુ હતુ, હવાલો સંભાળતા જ તે બંધ કરાવી દેતા જ પ્રશાસક પ્રફુલ પટેલ ચર્ચામાં આવ્યા હતા.
બિફ બંધ કરવાને લઈ દક્ષિણના રાજ્યો અને અખાતી દેશો અને પાકિસ્તાનમાં ચર્ચા શરુ થઈ હતી અને ત્યાં પ્રફુલ પટેલનો વિરોધ શરુ થયો હતો. આ દરમિયાન પ્રફુલ પટેલની સાથે સાથે એનસીપીના પ્રફુલ પટેલે પણ ખુલાસાઓ કરતા રહેવુ પડ્યુ હતુ. જેમ હાલમાં મહારાષ્ટ્રના રાજકીય ઘટના ક્રમમાં દમણના પ્રફુલ પટેલની ચર્ચા શરુ થઈ હતી. આમ એકબીજાના કાર્ય સાથે બંનેની ચર્ચાઓ શરુ થઈ જતી હોય છે.