RMCના કમિશનર તરીકે તુષાર સુમેરાએ સંભાળ્યો ચાર્જ કહ્યું જે બિલ્ડીંગ બહારથી જોતો હતો ત્યાં આજે મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ સંભાળ્યો
રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાએ આજે ચાર્જ સંભાળ્યો છે. તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યા બાદ તુષાર સુમેરાએ જણાવ્યુ કે રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય અપાશે. દરેક નવી જગ્યા પર પડકારો હોય છે, જેમાં લોકોની સુખાકારી માટે રસ્તો કાઢવાનો હોય છે.
રાજકોટ મહાનગરપાલિકાના 34 માં મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો છે. આજે તેઓ મહાનગરપાલિકાની કચેરી ખાતે હાજર થયાં હતા અને સત્તાવાર ચાર્જ સંભાળ્યો હતો.તુષાર સુમરા વર્ષ 2012ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે. અગાઉ તેઓ ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ડી પી દેસાઇની બદલી થતાં તેઓનું રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે પોસ્ટીંગ થયું છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી, પ્લાન પાસ અને બીયુ પરમીશન સહિત અનેક મુદ્દાઓથી ઘેરાયેલા મનપા તંત્રને ફરી ધમધમતું કરવું નવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મોટો પડકાર બનશે.
રાજકોટમાં તુષાર સુમેરાએ અભ્યાસ કર્યો !
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લામાં થયો પરંતુ તેઓએ પોતાનો અભ્યાસ રાજકોટમાં કર્યો હતો. પોતાની જુની વાતો વાગોળતા તુષાર સુમેરાએ કહ્યું હતું કે જે બિલ્ડીંગ બસ સ્ટેન્ડ જતી વખતે બહારથી જોતા હતા ત્યાંના મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ સંભાળવો તે ઇશ્વર કૃપા છે. દરેક વ્યક્તિનું આઇએએસ બનવું સ્વપ્ન હોય છે અને તેમાં પણ તમે જે સ્થળે અભ્યાસ કર્યો ત્યાં આઇએએસ બનીને આવવું વધારે સારૂ લાગે હું સર્કિટ હાઉસથી આવતો હતો ત્યારે મેં એ મારી શાળા જોઇ જ્યાં હું ભણવા માટે જતો હતો. તુષાર સુમેરાએ કહ્યું હતું કે રાજકોટ મારી માતૃભુમિ,જન્મભુમિ અને કર્મભુમિ બની છે ત્યારે હું મારી જાતને નસીબદાર ગણુ છું.તુષાર સુમેરા રાજકોટની ભૌગોલિક સ્થિતિથી વાકેફ છે જેથી તેઓ રાજકોટનો વિકાસ સુચારુ રીતે કરી શકશે તેવો દાવો કર્યો હતો.
રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય અપાશે-તુષાર સુમેરા
વધુમાં તુષાર સુમેરાએ જણાવ્યુ કે રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય અપાશે. દરેક નવી જગ્યા પર પડકારો હોય છે જેમાં લોકોની સુખાકારી માટે રસ્તો કાઢવાનો હોય છે ત્યારે રાજકોટના દરેક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર અને ટીપી શાખાની ધીમી કામગીરી અંગે તુષાર સુમેરાએ કહ્યું હતું કે આગામી દિવસોમાં નિયમો હળવા કરીને વિકાસને વેગવંતો કઇ રીતે કરી શકાય તે દિશામાં કામ કરવામાં આવશે.બંન્ને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવશે.
તુષાર સુમેરાએ ચાર્જ સંભાળતાની સાથે જ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે અર્બન ડેવલોપમેન્ટ મારો મનગમતો વિષય છે અને હું નવી ઉર્જા સાથે રાજકોટમાં આવ્યો છું આપણે સાથે મળીને દેશના મહત્વના શહેર એવા રાજકોટનો વિકાસ કરીશું.સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સીધી રીતે લોકો સાથે જોડાયેલી છે ત્યારે તેની સુખાકારી કઇ રીતે વધારી શકાય તેવા આપણા પ્રયત્ન હોવા જોઇએ.