Rajkot: RMCના જનરલ બોર્ડમાં પ્રોપર્ટી ટેક્સને લઇને શાસક-વિપક્ષ સામસામે, UP ચૂંટણી રિઝલ્ટની પણ ઉઠી ગુંજ
મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં નાના વેપારીઓના પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની દરખાસ્ત મૂકવાની કોંગ્રેસે માંગ કરી હતી. કોંગ્રેસની માંગ હતી પરંતુ ટેક્સ માફી માટે રાજ્યસરકારની મંજૂરી જરૂરી હોય છે અને તેના જાહેરનામા આધારીત માફી આપી શકાય છે.
રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) ની કચેરી ખાતે સવારે 11 વાગ્યે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ (Congress) ના સભ્યો આમને સામને આવી ગયા હતા.આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ચાર રાજ્યોના પરિણામની અને તેમાં પણ ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં આવેલા ચૂંટણી (election) પરિણામની ગુંજ જોવા મળી હતી અને ભાજપ (BJP) ના કોર્પોરેટરોએ વિજયોત્સવ મનાવ્યો હતો.બીજી તરફ પ્રોપર્ટી ટેક્સને લઇને ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમને સામને આવી ગયા હતા. વિપક્ષે નાના વેપારીઓનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની માંગ કરી હતી જે શાશક પક્ષે અગ્રાહ્ય રાખી હતી.
આ અંગે વિરોધ પક્ષના પૂર્વ નેતા અને વોર્ડ નંબર 15ના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટસ, વોટરપાર્ક સિનેમાગૃહ સહિતની જગ્યા પરના પ્રોપર્ટી ટેક્સ માફ કર્યા છે. જો કે આ તમામ લોકો મોટા ઉધોગકારો છે જો કે ખરા અર્થમાં નાના વેપારીઓને કોરોનામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે જનરલ બોર્ડમાં આવા નાના વેપારીઓના પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની અરજન્ટ દરખાસ્ત મૂકવાની કોંગ્રેસે માંગ કરી હતી.
ટેક્સ માફી માટે રાજ્ય સરકારનું માર્ગદર્શન જરૂરી-મેયર
આ અંગે મેયર પ્રદિપ ડવે કહ્યું હતું કે રાજ્ય સરકારના આદેશ અને ગાઇડલાઇન પ્રમાણે શહેરમાં ટેક્સ માફી આપી છે અને આ પેટેના અંદાજિત 3 કરોડ રૂપિયા રાજ્ય સરકારે મનપાને આપી પણ દીધા છે.નાના વેપારીઓના ટેક્સ માફી મા઼ટેની કોંગ્રેસની માંગ હતી પરંતુ ટેક્સ માફી માટે રાજ્યસરકારની મંજૂરી જરૂરી હોય છે અને તેના જાહેરનામા આધારીત માફી આપી શકાય છે.
બ્રિજના ચાલી રહેલા કામો એક વર્ષમાં થશે પૂર્ણ,પે એન્ડ઼ પાર્કિંગ નાબૂદ માટે નનૈૈયો
આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષે ટ્રાફિકની સમસ્યા અને સ્માર્ટ સીટીના કામોની ચર્ચા કરી હતી જેમાં ટ્રાફિકની સમસ્યાના સવાલના જવાબમાં મેયરે તમામ બ્રિજના કામ એક વર્ષમાં પૂર્ણ થવાનો દાવો કર્યો હતો અને શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે તેવું કહ્યું હતું જો કે આ બધાની વચ્ચે ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લએ કરેલી પે એન્ડ પાર્કિગ રદ્દ કરવાની માંગ અંગે મેયરે હાલ પુરતો નનૈયો ભણ્યો હતો.મેયરે દાવો કર્યો હતો કે પે એન્ડ પાર્કિંગ લોકોની પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે છે પરંતુ તેને રદ્દ કરવાનો હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.
આ પણ વાંચોઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસેના જંગલ સફારીમાં લવાયેલાં 163 પશુ પક્ષીઓમાંથી 53નાં મોત થઈ ગયાં