સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસેના જંગલ સફારીમાં લવાયેલાં 163 પશુ પક્ષીઓમાંથી 53નાં મોત થઈ ગયાં
વિધાનસભાના વર્તમાન સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં આ જાણકારી આપવામાં આવી હતી.
કેવડિયા (Kevadia) સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) નજીક બનાવાયેલા જંગલ સફારી પાર્ક (Jungle Safari Park) ખાતે પક્ષીઓ અને પ્રાણીઓના મૃત્યુ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યા મુજબ સફારીમાં 163 પ્રાણીઓ અને પક્ષીઓ પૈકીના 53ના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા જંગલ સફારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને ગુજરાત સરકારની સૌથી વધારે મહત્વાકાંક્ષી પરિયોજનાઓમાંથી એક છે.
વિધાનસભાના વર્તમાન સત્ર દરમિયાન કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં આ જાણકારી આપવામાં આવી હતી. ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે, 163 પ્રાણીઓ અને પક્ષીઓમાંથી 53ના મોત થયા જે વિદેશો અને ભારતના વિભિન્ન રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ તેમાં 22 પક્ષીઓ અને પ્રાણીઓ વિદેશી છે.
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જાહેર જનતા માટે 18 ફેબ્રુઆરી 2020ના રોજ જંગલ સફારી પાર્ક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
આશરે 5.47 કરોડ રૂપિયા ખર્ચ થયો
વર્ષ 2019, 2020 અને 2021માં સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વિદેશો અને ભારતના વિભિન્ન રાજ્યોમાંથી જાનવરો અને પક્ષીઓને લાવવા માટે આશરે 5.47 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. ત્રણ વર્ષમાં જંગલ સફારીમાં 5.47 કરોડના ખર્ચે 163 પશુ-પંખીઓને લવાયા હતાં.
વિદેશથી લાવવામાં આવેલા 22 પૈકી 14 જ પશુ-પક્ષીઓ જીવિત
વિદેશો અને દેશના વિભિન્ન રાજ્યોમાંથી લાવવામાં આવેલા પ્રાણી-પક્ષીઓમાં ખિસકોલી, વાંદરા, મર્મોસેટ, ગ્રીન ઈગુઆના, રિંગટેલ, રેડ ઈગુઆના, કૈપુચિન વાંદરા, ઘડિયાળ, બ્લેક પેન્થર, કૈરોલિના બતક, અલ્પાકા, લામા, દીવારબી, જિરાફ, ઝીબ્રા, ઓરેક્સ વગેરેનો સમાવેશ થાય છે. વિદેશથી લાવવામાં આવેલા 22 પૈકી માત્ર 14 જ પશુ-પંખીઓ હાલમાં જીવિત છે.
પશુ-પક્ષીઓના મૃત્યુનું કારણ
સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર પ્રાણીઓના મૃત્યુના કારણમાં હાઈપોવોલેમિક શોક, શ્વાસ લેવામાં મુશ્કેલી, મલ્ટિ ઓર્ગન ફેલ્યોર, ન્યૂમોનિયા, હાર્ટ ફેલ વગેરેનો સમાવેશ થાય છે.