છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં પોલિસ (Rajkot Police) કમિશ્નરની ખુરશી ખાલી હતી. પુર્વ પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલના વિવાદ બાદ આઈપીએસ અહેમદ ખુરશીદને ઈન્ચાર્જ પોલિસ કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ હવે રાજુ ભાર્ગવને રાજકોટના પોલીસ કમિશ્નર તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. રાજુ ભાર્ગવ 1995ની બેચના આઈપીએસ અધિકારી છે. લાંબા સમયથી રાજકોટ જેવા શહેરમાં પોલીસ કમિશ્નર જેવું મહત્વનુ પદ ખાલી હતુ. તે માટે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પાસે રજુઆત પણ કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના ગૃહવિભાગ દ્વારા આઈપીએસ રાજુ ભાર્ગવની નિયુક્તિ કરવામાં આવી છે.
રાજકોટ પોલીસનો વિવાદ અને તોડકાંડ સામે આવ્યા બાદ એવી માંગણી ઉઠી હતી કે, કડક અધિકારીની નિમણુક કરવામાં આવે. રાજ્ય સરકારે પણ રાજુ ભાર્ગવ જેવા કડક અધિકારીની નિમણુક કરીને પોતાની નિતી સ્પષ્ટ કરી દીધી છે અને આ સાથે જ લાંચ વૃતિ ધરાવતા સ્ટાફને સંકેત આપી દીધો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મુલાકાત દરમિયાન ગૃહમંત્રીએ નિવેદન પણ આપ્યુ હતુ કે, પોલીસ અને પ્રજા વચ્ચે જે અંતર વધ્યુ છે તે ઘટે તવા પગલા લેવામાં આવશે. ત્યારે હાલ આ નિયુક્તિથી પોલીસની કાર્યવાહીમાં કેટલો સુધાર આવે છે તે જોવું રહ્યું.