Rajkot: માતાના મૃત્યુ બાદ આઘાતમાં સરી પડેલો આંધ્રપ્રદેશનો યુવક રાજકોટમાં ભૂલો પડ્યો, પોલીસે પરિવાર સાથે કરાવ્યુ મિલન
Rajkot: આંધ્રપ્રદેશનો એક યુવક માતાના નિધન બાદ ભારે આઘાતમાં આવી ગયો હતો અને માતાના વિયોગમાં ઘરેથી નીકળી ગયો હતો. ભટક્તો ભટક્તો આ યુવક રાજકોટ આવી ગયો હતો. જો કે પોલીસનું ધ્યાન આ યુવક પર પડતા પોલીસે તેનુ પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ.
જરા વિચારો તમે કોઈ એવા પ્રદેશમાં ફસાયા હોય જ્યાં તમે કોઈને પણ ઓળખતા ન હોય, ત્યાંની ભાષા પણ જાણતા ન હોય તો તમારી શું હાલત થાય? બસ આવુ જ કંઈક બન્યુ આંધ્રપ્રદેશના એક યુવક સાથે. આ યુવકની માતાનું અવસાન થતા તે સાવ ભાંગી પડ્યો હતો અને એટલો બધો આઘાતમાં સરી પડ્યો કે તેને આસપાસની કોઈ ગતિવિધિનું કંઈ સાનભાન જ ન રહ્યુ. સતત માતાના વિયોગમાં રહેતો આ યુવક ભટક્તો ભટક્તો રાજકોટ આવી ચડ્યો અને છેલ્લા એક મહિનાથી રાજકોટની ફુટપાથ પર બેસેલો હતો. યુવક હિંદી સમજતો ન હતો માત્ર તેલુગુ અને અંગ્રેજી ભાષા જ જાણતો હતો. આ યુવક પર રાજકોટના પોલીસ કમિશનર ઓફિસના પાસપોર્ટ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રેણુકા ચૌધરીની નજર પડી અને તેઓ આખરે યુવકની વ્હારે આવ્યા અને યુવકને સમજાવી પરિવાર સાથે મિલન કરાવ્યુ.
આઘાતમાં સરી પડેલા યુવકની મદદે આવ્યા હેડ કોન્સ્ટેબલ રેણુકા ચૌધરી
હેડ કોન્સ્ટેબલના જણાવ્યા મુજબ યુવક એક મહિનાથી ફુટપાથ પર બેસેલો હતો. તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યુ કે તે આંધ્રપ્રદેશના નિલોદ જિલ્લાના સિદ્ધપુરા ગામનો છે અને તેનુ નામ વૈંકટેશ છે. જેમતેમ કરી તેમણે યુવક પાસેથી તેના પિતાનો નંબર મેળવી તેમનો સંપર્ક કર્યો. તેના પિતા પણ હિંદી ભાષા જાણતા ન હોવાથી વાતચીતમાં ભાષાની સમસ્યા નડી હતી. જો કે જેમતેમ તૂટી ફુટી અંગ્રેજીમાં પણ તેમણે જણાવ્યુ કે તેમનો પુત્ર રાજકોટ છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો હતો. આ રીતે યુવકને લેવા માટે આંધ્રપ્રદેશ પોલીસના એક કોન્સ્ટેબલ અને પિતા રાજકોટ આવ્યા યુવકને પરિવારને સોંપ્યો હતો.
આ પણ વાંચો: Rajkot: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે મોરારીબાપુએ કહી આ વાત, જુઓ Video
મેં એક બહેન બનીને તેની સંભાળ લીધી-રેણુકા
રેણુકા ચૌધરીએ કહ્યું હતું કે મેં જ્યારે આ યુવકને પોલીસ કમિશનર ઓફિસના ફુટપાથ પર જોયો હતો ત્યારે આ યુવક માનસિક રીતે અસ્થિર લાગ્યો ન હતો. તેથી જ મેં તેનો સંપર્ક કરવાની કોશિશ કરી. શરૂઆતમાં તે અમારા પર વિશ્વાસ કરતો ન હતો.ભાંગેલા તૂટેલા અંગ્રેજીના આધારે તેની સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી. મેં તેની બહેન બનીને સંભાળ લીધી હતી. તેના રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી. ધીમે-ધીમે આ યુવકને વિશ્વાસ આવ્યો હતો અને પછી તેને તેના ઘરની વાતચીત કરી હતી. ત્યારબાદ વૈંકટેશનુ પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ. જો કે આ ઘટના એ વાતની સાબિતી આપે છે કે પોલીસ અધિકારીઓમાં પણ માનવીય અભિગમ હોય છે. સખ્ત અને કડક છાપ ધરાવતા પોલીસકર્મીઓમાં પણ એક કોમળ હ્રદય ધબક્તુ હોય છે. આ ઘટના તેનુ ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે.