Rajkot: ‘બાળપણમાં ઘોળાતુ સુગર’, સૌરાષ્ટ્રમાં 2 હજારથી વધુ બાળકો ડાયાબિટીસથી પીડિત, ચોકલેટ ખાવાની ઉંમરે ખાઈ રહ્યા છે ઇન્સ્યુલીન
Rajkot: હાલ બદલાયેલી જીવનશૈલીને કારણે માત્ર મોટી ઉંમરના લોકો જ નહીં પરંતુ બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધ્યુ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે રાજ્યભરમાં હજારો બાળકો ચોકલેટ ખાવાની ઉમરે ઈન્સ્યુલિન ખાઈ રહ્યા છે અને તેમને રેગ્યુલર ઈન્સ્યુલિનના ઈન્જેક્શન આપવા પડે છે એ હદે ડાયાબિટીસનું પ્રમાણ વધ્યુ છે.
Rajkot: સામાન્ય રીતે ડાયાબિટીસનું નામ સાંભળીયે એટલે એવો અંદાજ હોય કે મોટી ઉંમરના લોકોને આ રોગ થાય છે.બદલાઈ ગયેલી લાઇફ સ્ટાઈલ અને સ્ટ્રેસનું પ્રમાણ વધવાના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોમાં ડાયાબીટીસનું પ્રમાણ વધ્યું છે.પરંતુ એવું નથી કે ડાયાબિટીસ મોટી ઉંમરના લોકોમાં જ થાય છે. પરંતુ બાળકો પણ મોટી સંખ્યામાં આ રોગથી પીડિત છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અંદાજે 2 હજારથી વધુ બાળકો ટાઇપ 1 ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. રાજ્યભરમાં 15 હજારથી વધુ બાળકો આ ટાઇપ 1 ડાયાબિટીસથી પીડિત હોવાનો અંદાજ છે. આ આંકડો ખૂબ જ ચોંકાવનારો છે કારણ કે બાળકોમાં ડાયાબિટીસ અને એ પણ આટલી મોટી સંખ્યામાં એ વાત ચોંકાવનારી અને દુઃખી કરનારી છે કારણ કે આ બાળકો હસવા રમવાની ઉંમરમાં, ચોકલેટ ખાવાની ઉંમરમાં દરરોજ ઇન્સ્યુલીન ખાઈ રહ્યા છે.
શું છે ટાઇપ 1 ડાયાબિટીસ?
સામાન્યરીતે મોટી ઉંમરના લોકોમાં ટાઇપ 2 ડાયાબિટીસ જોવા મળે છે. ટાઇપ 2 ડાયાબિટીસ લાઇફ સ્ટાઇલ,સ્ટ્રેસ,ખાણીપીણી વગેરેના કારણે થાય છે. ટાઇપ 2 ડાયાબિટીસમાં શરીરમાં સુગરની સામે જે ઇન્સ્યુલીન બનવું જોઈએ તે બનતું ઓછું થાય છે. ટાઇપ 2 ડાયાબિટીસને યોગ્ય કાળજી રાખવાથી કંટ્રોલમાં કરી શકાય છે અને ખૂબ ઓછા પ્રમાણમાં ઇન્સ્યુલીન આપવાની જરૂર રહે છે.
જ્યારે ટાઇપ 2 ડાયાબિટીસની વાત કરીએ તો આ જન્મજાત અથવા જન્મના થોડા સમયમાં ડીટેક્ટ થાય છે, વારસાગત હોય છે, માતા-પિતામાંથી કોઈને હોય તો તે બાળકને થવાની શક્યતા ખૂબ વધારે રહે છે અને ઘણા કેસોમાં માતા – પિતાને ન હોય તો પણ બાળકને થાય છે. ટાઇપ 2 ડાયાબીટીસમાં શરીરમાં સુગરની સામે ઇન્સ્યુલીન બનવાનું જ બંધ થઈ જાય છે. જેથી આવા દર્દીઓને રેગ્યુલર ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન આપવા પડે છે.
મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોના વાલીઓ પર તૂટે છે આભ
જે બાળકોને ટાઇપ 1 ડાયાબીટીસ હોય છે તેમને દરરોજ ઇન્સ્યુલીન આપવા પડે છે. આ પ્રકારના ઇન્સ્યુલિન પાછળ વાલીઓને મહિને સરેરાશ 8થી 10 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી થઈ જાય છે. કલર કામ કરીને ગુજરાન ચલાવતા મુકેશ ભાઈએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે તેમના 18 વર્ષીય પુત્રને ટાઇપ 1 ડાયાબિટીસ છે. તેમને પોતાને પણ ડાયાબિટીસ છે. તેઓ કલરકામ કરીને મહિને 15 થી 20 હજાર રૂપિયા કમાય છે.
હવે તેમને 7થી 10 હજાર રૂપિયા ઇન્સ્યુલીન પાછળ ખર્ચ થઈ જાય છે. તેવામાં તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. આ ઉપરાંત કડિયા કામ કરીને ગુજરાન ચલાવતા પરેશભાઈની પણ એવી જ હાલત છે. તેમની 12 વર્ષની દીકરીને ટાઇપ 1 ડાયાબિટીસ છે. તેઓ મહિને 20થી 25 હજાર રૂપિયા કમાય છે તો સામે 8થી 10 હજાર રૂપિયા સારવારનો ખર્ચ થઈ જાય છે. જેથી તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે.
આ પણ વાંચો : Rajkot: રાજકોટમાં શાસક પક્ષના નેતા અને આરોગ્ય અધિકારી વચ્ચે બબાલ, તમાચા ઝીંક્યા હોવાની પણ ચર્ચા- Video
સિવિલ હોસ્પિટલમાં જરૂરી ઇન્સ્યુલીન નથી મળી રહ્યા
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ચલાવતા અપૂલ ભાઈ દોશીએ tv9 સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં આ ડાયાબિટીસની અમુક સારવાર તો મળે છે પરંતુ જે ઇન્સ્યુલિનથી આ ટાઇપ 1 ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે તે બેઝલ બોલસ ઇન્સ્યુલીન સિવિલ હોસ્પિટલમાં નથી મળી રહ્યા.જે ઇન્સ્યુલીન મળી રહ્યા છે તે નબળી ગુણવત્તાના હોય છે જેનાથી આ ટાઇપ 1 ડાયાબિટીસ કંટ્રોલમાં નથી રહેતો. સિવિલમાં આ ઇન્સ્યુલીન ન મળતા હોવાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને પણ બહારથી આ ઇન્સ્યુલીન ખરીદવા પડે છે.
પરિણામે તેમની આર્થિક સ્થિતિ દયનીય બની જાય છે. અપુલ દોશીના જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન સાથે 1800 જેટલા બાળકો જોડાયેલા છે. તેમાંથી તેઓ હાલ 500 જેટલા બાળકોને આ ઇન્સ્યુલીન નિશુલ્ક અપાવી રહ્યા છે. અપુલ દોશીએ જણાવ્યું હતું કે જો સિવિલ હોસ્પિટલમાં આ ઇન્સ્યુલીન આપવાની શરૂઆત થઈ જાય તો આ બાળકોના વાલીઓ માટે આશીર્વાદ સમાન આ વાત હશે. સાથે જ આવા બાળકોના વાલીઓ પણ રાજ્ય સરકાર પાસે માગ કરી રહ્યા છે કે સિવિલ હોસ્પિટલમાં આ ઇન્સ્યુલીન ચાલુ કરવામાં આવે જેથી તેઓને આર્થિક બોજ ન પડે. હવે જોવાનું રહેશે કે રાજ્ય સરકાર ક્યાં સુધીમાં આવા વાલીઓની વહારે આવે છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો