Breaking News: Rajkot: રાજકોટની બાલાજી વેફર કંપનીમાં યુવકની કરપીણ હત્યા, સામાન્ય બોલાચાલીમાં ગળાના ભાગે કટરના ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ
Rajkot: રાજકોટની બાલાજી વેફર કંપનીમાં યુવકની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. હાથ ધોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતા પરપ્રાંતિય યુવકે રાજકોટના યુવકની હત્યા કરી નાખી છે. યુવકના ગળા પર કટરના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો.
રાજકોટમાં બાલાજી વેફર કંપનીમાં ખેલાયો ખૂની ખેલ. મેટોડા સ્થિત આવેલી બાલાજી વેફર કંપનીમાં કામ કરતા બે યુવકો વચ્ચે હાથ ધોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં પરપ્રાંતિય યુવકે રાજકોટના યુવકની ગળા પર કટરના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી. પોલીસે હત્યા કરનાર પરપ્રાંતિય અમીત યાદવ નામના શખ્સની ધરપકડ કરી છે. મૃતક 22 વર્ષિય ઋત્વીક કથીરિયા રાજકોટના મોરબી રોડ નજીક રહેતો હતો.
કાલાવડ રોડ પર આવેલી બાલાજી વેફર્સ ફેક્ટરીમાં યુવકની હત્યા થઈ હોવાની કંટ્રોલમાં જાણ થતા પડધરી પોલીસ દોડતી થઈ હતી. પડધરી પોલીસ સ્ટેશનના PSI યાદવ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે મૃતક રાજકોટના મોરબી રોડ ઉપર રહેતો હતો અને ફેક્ટરીમાં પેકેજીંગ વિભાગમાં કામ કરતો હતો.
મૃતક ઋત્વીક કથિરિયા ઉ.વર્ષ 22) હાથ ધોવા માટે ગયો ત્યારે મૂળ યુપીના ઉનવલી ગામના અને હાલ રાજકોટમાં રહી આ જ ફેક્ટરીમાં કામ કરતા અમિત રાજેન્દ્ર યાદવ સાથે હાથ ધોવા બાબતે માથાકૂટ થઈ હતી. જેમા આરોપી અમિતે ઉશ્કેરાઈને પેકેજિંગના કામમાં ઉપયોગમાં લેવામાં આવતા કટર વડે ઋત્વીકને ગળા પર ઘા ઝીંકી દેતા વધુ પડતુ લોહી નીકળી જતા તેનુ મોત નીપજ્યુ હતુ. સમગ્ર મામલે પડધરી પોલીસે આરોપી અમિત યાદવ સામે હત્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કરવાના વધી રહેલા બનાવો વચ્ચે વધુ એક બનાવમાં બે યુવાન પર શખ્સે છરીથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કોઠારિયા સોલવન્ટ, શિવશક્તિ સોસાયટી-3માં રહેતા વિશાલ છેલાભાઇ જોગરાણા નામના યુવાને હુશેની ચોકમાં રહેતા અમન ફિરોઝ નામના શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, શુક્રવારે રાતે તે તેના મિત્ર સુધીરસિંહ સાથે હુશેની ચોકમાં પાનની દુકાન પાસે બેઠો હતો. ત્યારે અમન બંને પાસે આવી મશ્કરી કરવા લાગ્ય હતો.
જેથી મિત્ર સુધીરસિંહે મશ્કરી કરવાની ના પાડતા ગાળો આપી સુધીરસિંહનું માથુ દિવાલ સાથે અથડાવ્યુ હતુ. જેમા ફરિયાદી વચ્ચે પડતા અમને છરી કાઢી પગમાં બે ઝીંકી નાસી ગયો હતો. ત્યારબાદ ઈજાને પગલે બંનેને 108 દ્વારા સારવાર માટે ખસેડાયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
ઈનપુટ ક્રેડિટ- રોનક મજિઠિયા- રાજકોટ