Rajkot : તોડકાંડ-ફરિયાદી સખિયા બંધુએ DGP વિકાસ સહાયને રજૂ કર્યા વિડીયો પુરાવા,ગમે તે ઘડીએ સોંપાશે રિપોર્ટ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં તોડકાંડ મામલે પોલીસનો રિપોર્ટ તાત્કાલિક રજુ કરવાની માંગ કરી છે.ચેમ્બરે પોતાના પત્રમાં લખ્યું છે કે પોલીસ પર થયેલા આક્ષેપોને કારણે વેપારી વર્ગ સહિત સામાન્ય માણસના કામોમાં વિલંબ થઇ રહ્યો છે
રાજકોટ(Rajkot) પોલીસના કથિત તોડકાંડની તપાસ કરનાર ડીજીપી વિકાસ સહાય(Vikas Sahay) ક્વોરન્ટાઇન પિરીયડમાંથી બહાર આવતાની સાથે જ તપાસનો ઘમધમાટ શરૂ કર્યો છે.આજે વિકાસ સહાય દ્રારા સખિયાબંધુઓનું (Sakhia Bandhu) ફાઇનલ નિવેદન લીધું હતું.ગાંધીનગર ખાતે વિકાસ સહાય દ્રારા જગજીવનભાઇ સખિયા અને તેના પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા હતા જેમાં સખિયા બંધુઓ દ્રારા બે વિડીયો ક્લીપ પુરાવા રૂપે રજૂ કરી હોવાનું સામે આવ્યું છે.સખિયા બંધુઓ દ્રારા રજૂ કરાયેલી વિડીયોક્લીપમાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અને પોલીસ કોન્સટેબલ દ્રારા સખિયા પરિવારને 4.5 લાખ રૂપિયા કોઇપણ પ્રકારના લખાણ વગર પરત આપતા હોવાનું દ્રશ્યમાન થતું હોવાનું સામે આવ્યું છે જો કે આ રૂપિયા કોને અને શા માટે આપવામાં આવ્યા તે સવાલ છે.
3 ફેબ્રુઆરી 2022એ 4.5 લાખ રૂપિયા આપ્યા હતા પરત
સખિયા બંધુઓએ પોતાના નિવેદનમાં જે વિડીયો રજૂ કર્યો છે તેમાં તારીખના રોજ દિવાનપરા ખાતે આવેલી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં સખિયાને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેને પીએસઆઇ ઝાલા અને કોન્સટેબલ મહેશ મંઢ દ્રારા કોઇપણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા વગર જ સાડા ચાર લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા.પીએસઆઇએ આ રૂપિયા પોલીસ કમિશનરે પરત આપ્યા હોવાનું નિવેદન કર્યું હતું.જે પુરાવા અંગે તપાસ સમિતીએ વિગતો એકત્ર કરી રહી છે.
તપાસ રિપોર્ટ બાદ વધુ પગલા લેવાશે-ગોવિંદ પટેલ
આ અંગે ઘારાસભ્ય ગોવિંંદ પટેલે કહ્યું હતું કે તોડકાંડમાં રાજ્ય સરકાર દ્રારા કડક પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે.આ અંગે વિકાસ સહાય દ્રારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેના આધારે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે તેવું ગોવિંદ પટેલે જણાવ્યું છે.ફરિયાદી મક્કમ હોવાથી પ્રજાના પ્રતિનિધી તરીકે મેં આ પ્રશ્ન સરકાર સમક્ષ રજૂ કર્યો હતો અને આજે તેના પગલાં લેવાની શરૂઆત થઇ છે.
ચેમ્બર ઓફ કોમર્સે પણ તપાસ રિપોર્ટ જલ્દી જાહેર કરવાની કરી માંગ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં તોડકાંડ મામલે પોલીસનો રિપોર્ટ તાત્કાલિક રજુ કરવાની માંગ કરી છે.ચેમ્બરે પોતાના પત્રમાં લખ્યું છે કે પોલીસ પર થયેલા આક્ષેપોને કારણે વેપારી વર્ગ સહિત સામાન્ય માણસના કામોમાં વિલંબ થઇ રહ્યો છે અને પ્રામાણિક પોલીસનું મોરલ પણ ડાઉન થઇ રહ્યું છે ત્યારે સરકારે સત્વરે આ રિપોર્ટ રજૂ કરીને કોઇ દોષિત હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad : મેટ્રો ટ્રેનનો ગ્યાસપુરથી એપીએમસી સુધી પ્રિ-ટ્રાયલ રેન શરૂ કરાયો
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 617 કેસ, 10 લોકોએ જીવ ગુમાવ્યો