Rajkot News: રાજકોટના અગ્નિકાંડની તપાસમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને મળી ક્લિનચીટ, સત્યશોધક કમિટીની તપાસ સામે સવાલ
રાજકોટના ચકચારી અને ગોજારા અગ્નિકાંડમાં 27 લોકો ઘટના સ્થળે જ ભસ્મીભૂત થઈ ગયા હતા. ગુજરાતના સૌથી મોટા અને અતિ દર્દનાક અગ્નિકાંડના બે મહિના ઉપર સમય વિતવા આવ્યો છે છતા હજુ ચાર્જશીટ ફાઈલ નથી થઈ. ત્યારે શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લિનચીટ અપાતા હાઈકોર્ટના નિર્દેશથી રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી ત્રણ સભ્યોની સત્ય શોધક કમિટીની તપાસ સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટના નિર્દેશથી રાજ્ય સરકાર દ્વારા ત્રણ સભ્યોની સત્ય શોધક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ તેના રિપોર્ટમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લિન ચીટ આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જેમને ક્લિન ચીટ મળી છે તે બે પૈકીના એક અમિત અરોરાનો સમાવેશ થાય છે. જેમના કાર્યકાળ દરમિયાન જ ગેમઝોનનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ હતુ. જ્યારે બીજા અધિકારી છે અનંત પટેલ જેમના કાર્યકાળ દરમિયાન જ રાજકોટમાં આ 25મી મેના રોજ આ ગોજારો અગ્નિકાંડ સર્જાયો હતો. આ બંને અધિકારીઓની કામગીરી, અગ્નિકાંડની ઘટનામાં તેમની ભૂમિકા અંગેની સત્યશોધક કમિટી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. પરંતુ આ બંને મ્યુનિસિપલ કમિશનરને તપાસ સમિતિ દ્વારા ક્લિનચીટ આપવામાં આવી છે.
“મનપાની હદમાં આવતા તમામ બાંધકામની સીધી રીતે જવાબદારી TPOની હોય છે” -સત્ય શોધક કમિટી
આ કમિટીના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે મહાનગરપાલિકાની હદમાં આવતા ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની સત્તા TPOની હોય છે. બાંધકામને લગતા કોઈપણ પ્રકારના નિર્ણયની સીધી જવાબદારી TPOની આવે છે અને મ્યુનિસિપલ કમિશનરની સીધી કોઈ જવાબદારી આવતી નથી. આથી રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશન અમિત અરોરા અને તત્કાલિન મ્ય.કમિશનર અનંત પટેલને ક્લિનચીટ આપી દેવામાં આવી છે.
સત્યશોધક કમિટીએ મનપાના પૂર્વ મ્યુ.કમિશનર અમિત અરોર અને અનંત પટેલને આપી ક્લિનચીટ
જો કે રાજકોટના આ અગ્નિકાંડ બાદ આ અધિકારીઓનો ગેમઝોનમાં બર્થ ડે પાર્ટીની ઉજવણી કરવા ગયા હોવાની વાત સામે આવી હતી, તેના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ મુદ્દે પણ તમામ અધિકારીઓને ક્લિનચીટ આપી દેવામાં આવી છે. તેમા કમિટી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ
બર્થ ડે પાર્ટીમાં કે કોઈપણ પ્રકારની ઉજવણીમાં જતુ હોય ત્યારે આ બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદે છે, તે પ્રકારની કોઈ નજર હોતી નથી, આ જ કારણોસર અગ્નિકાંડમાં તેમની કોઈ સીધી જવાબદારી નથી. હાલ સત્યશોધક કમિટીએ તેનો રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ સબમિટ કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરાશે. ત્યારે કોર્ટનું વલણ આ રિપોર્ટ પરત્વે ક્યા પ્રકારનું રહેશે જોવાનુ મહત્વપૂર્ણ રહેશે. આ બંને તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર સામે અગ્નિકાંડ સંદર્ભે કોઈ કાર્યવાહી થશે કે તેઓ કસૂરવાર ઠરશે કે કેમ તે અંગે ચર્ચાઓ થતી હતી. તેના પર હવે ચોક્કસથી પૂર્ણ વિરામ મુકાયુ હોય તેવુ હાલ જણાઈ રહ્યુ છે.
ગેમઝોનમાં પાર્ટી કરવા ગયેલા અધિકારીઓમાં બંને પૂર્વ મ્યુ. કમિશનર હતા સામેલ
આ અગ્નિકાંડ સર્જાયા બાદ અન્ય કેટલાક IAS IPS અધિકારીઓના ફોટા વાયરલ થયા હતા જેમા તેઓ ગેમઝોનના માલિક સાથે હાથમાં રાઈડ્સના હેલમેટ લઈને ઉભેલા જોવા મળ્યા હતા. જો કે આ ફોટો સંદર્ભે પણ કમિટી દ્વારા એવુ તારણ કાઢવામાં આવ્યુ છે કે જેઓ બર્થડે પાર્ટીની ઉજવણીનું આમંત્રણ મળ્યુ હતુ અને ગયા હતા ત્યાર આવા સમયે તેઓનું ગેરરીતિ હશએ કે કેમ તે અંગેનું કોઈ ધ્યાન ન હતુ. આ સાથે રાજ્યમાં ગઈકાલે જ જે વહીવટી બેડામાં ફેરફાર કરવામાં આવ્યા તેમા રાજકોટના તત્કાલિન પોલીસ કમિશર રાજુ ભાર્ગવને પણ પોસ્ટિંગ આપી દેવામાં આવ્યુ છે. આથી સીધી રીતે તેમને પણ ક્લિનચીટ મળી ગઈ હોય તેવુ હાલ સ્પષ્ટ જણાઈ રહ્યુ છે.
કોંગ્રેસે સત્ય શોધક કમીટીના રિપોર્ટ સામે ઉઠાવ્યા સવાલ, કમિટીને ગણાવી ‘સત્ય છુપાવનારી કમિટી’
આ સમગ્ર મામલે હાલ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે સત્યશોધક કમિટીના રિપોર્ટ સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે ગેમઝોનની તપાસમા આ કમિટીનો કોઈ રોલ જ નથી માત્ર એકવાર રાજકોટ આવી અને રવાના થઈ ગયા હતા. આ સમગ્ર કાંડમાં નિમાયેલી SITનો પણ કોંગ્રેસ વિરોધ કરતી હતી. કોંગ્રેસ સત્યશોધક કમિટીને સત્ય છુપાવનારી કમિટી ગણાવી. મહેશ રાજપૂતે જણાવ્યુ કે આવડી મોટી મહાનગરપાલિકાના કમિશનરને શું જાણ ના હોય કે આ ગેમઝોનનું લાઈસન્સ યોગ્ય છે કે નહીં?
સમગ્ર અગ્નિકાંડમાં માત્ર એક મનસુખ સાગઠિયાને આરોપી બનાવવાનો તખ્તો ઘડાયો છે- કોંગ્રેસ
મહેશ રાજપૂતે એ પણ સવાલ ઉઠાવ્યો કે ગેરકાયદે બાંધકામ સામે એકવાર અરજી આપવામાં આવી હોય, તોડવા માટેની નોટિસ આપી દેવામાં આવી હોય તો એ નોટિસ મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર જતી હોય છે અને કોઈપણ બાંધકામને તોડવા માટે ટીમ મોકલવાની હોય એ ટીમ પણ કમિશનરને જાણ કરીને જ જતી હોય છે. આથી ગેરકાયદે ગેમઝોન છે એ બાબતની કમિશનરે જાણ ન હોવાની વાતમાં કોઈ તથ્ય ન હોવાનો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે. સત્ય શોધક કમિટી સત્ય છુપાવી રહી હોવાનો આરોપ પણ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. કોઈપણ ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટેની જેટલી નોટિસ મોકલી હોય તે તમામની દેખરેખ રાખવાની અને અમલીકરણ કમિશનરે જ કરવાનુ હોય છે, બાંધકામનું જ્યારે કમ્પલીશન સર્ટિફિકેટ આપે ત્યારે પણ તેના ઉપર કમિશનરના જ હસ્તક્ષર થતા હોય છે.
કોંગ્રેસ હાઈકોર્ટના વલણ બાદ તપાસ રિપોર્ટને જરૂર લાગશે તો કોર્ટમાં પડકારશે
કોંગ્રેસે સીધો આરોપ લગાવ્યો છે કે આ સમગ્ર અગ્નિકાંડમાં માત્રને માત્ર એક જ માણસ મનસુખ સાગઠિયાને બદનામ કરી બાકીના બધા જ અધિકારીઓ અને પદાધિકારીઓને આમાંથી બાકાત રાખવાનો તખ્તો ઘડવામાં આવ્યો છે. કોંગ્રેસે જણાવ્યુ કે અમે અગાઉ જણાવ્યુ છે તેમ આ મામલે પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે જે કોર્ટમાં જવુ પડશે ત્યાં જશુ.