રાજકોટ એસઓજી પોલીસે રેસકોર્ષ બાલભવન નજીકથી નામચીન યુવતીને એમડી ડ્રગ્સ સાથે પકડી પાડી હતી.જે યુવતીને પોલીસ બનવું હતું,જે યુવતીને ડ્રગ્સની આદત છોડાવવા માટે પોલીસ મથી રહી હતી તે જ યુવતી ડ્રગ્સ સાથે પકડાય છે.પોલીસે જ્યારે આ યુવતીની ધરપકડ કરી ત્યારે નશાના આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.રાજકોટ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરના રેસકોર્ષ પર આવેલા બાલભવન નજીક એક યુવતી ડ્રગ્સના જથ્થા સાથે છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અમી પાસેથી 12.36 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે યુવતીને પકડી પાડી હતી.
જેમાં યુવતી આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવી તે અંગે પૂછપરછ કરતા આ જથ્થો ફ્રુટનો વેપાર કરતા જલ્લાલુદ્દીન નામના શખ્સ પાસેથી લાવી હોવાની કબુલાત આપી હતી જેના આધારે પોલીસે જલ્લાલુ્દ્દનની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ કહ્યું હતું કે આ અમી ચોલેરા એ જ યુવતી છે જે ઓક્ટોબર 2021માં એક હોટેલમાંથી એક શખ્સ સાથે ડ્રગ્સનું સેવન કરતી ઝડપાય હતી.આ સમયે પોલીસ સમક્ષ પોતે ડ્ગ્સની વ્યસની હોવાની કબુલાત આપી હતી જેના આધારે પોલીસે તેને સુધારવાના પ્રયત્નો કર્યા હતા,મહિલા પોલીસ દ્રારા તેને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને તેનું કાઉન્સલીંગ કરવામાં આવ્યું હતું.આ સમયે અમી પોતે પોલીસ બનવાનું સ્વપ્ન જોઇ રહી હતી જો કે તેના ડ્રગ્સના વ્યસને તેને ફરી આ દલદલમાં હોમી દીધી હતી.અમી પણ સુધરવાને બદલે આ નેટવર્કનો હિસ્સો બની ગઇ અને પોતાની જાળમાં અનેક યુવાનોને ફસાવવા લાગી હતી.
પોલીસ તપાસમાં અમી નશાના નેટવર્કનો હિસ્સો બની હોવાનું તપાસમાં ખુલ્યું છે.આ યુવતી ટીનેજર અને કોલેજીયન યુવાનોને પોતાની જાળમાં ફસાવતી હતી.સોશિયલ મિડીયાના માધ્યમથી આ યુવતી પૈસાદાર પરિવારના યુવાનોને પોતાના શિકાર બનાવતી હતી.પહેલા તેની સાથે મિત્રતા કેળવતી હતી અને બાદમાં તેને ડ્રગ્સના રવાડે ચડાવતી હતી.આ યુવતીએ અત્યાર સુધીમાં અનેક યુવાનોને પોતાના શિકાર બનાવ્યા છે.પહેલા ડ્રગ્સ ફ્રીમાં આપતી હતી.અને આદત થતાની સાથે જ 2500 રૂપિયાની પડીકી તરીકે વેંચવા લાગતી હતી.રાજકોટની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંકુલના અનેક વિધાર્થીઓને આ યુવતીએ નશાના રવાડે ચડાવ્યા હોવાની કબુલાત આપી છે.
હાલ પોલીસે આ યુવતીની પુછપરછ શરૂ કરી છે અને તેના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.પોલીસ અમીની પુછપરછના આધારે ડ્રગ્સના આ ચક્રવ્યૂમાં કેટલા યુવાનો ફસાયેલા છે તેની પણ માહિતી મેળવી રહી છે સાથે સાથે આ કાળો કારોબાર કોણ કોણ ચલાવે છે તેની પણ માહિતી મેળવી રહી છે.
આ પણ વાંચો : Budget 2023: નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું ભારતમાં 220 કરોડથી વધારે કોરોના વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા