Rajkot: બોલો- વર્ષ 2019નો પાકવીમો ખેડૂતોને 2023માં મળ્યો, કોંગ્રેસે કહ્યું ‘સરકાર પાકવીમા પર સ્પષ્ટતા કરે’
Rajkot: ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનો પાકવીમો ચુકવવા માટે હાઈકોર્ટની ફટકાર બાદ વીમા કંપનીઓ રહી-રહીને જાગી છે. પાકવીમા કંપની દ્વારા ખેડૂતો વર્ષ 2019નો વીમો 203માં મળ્યો છે. આ અંગે પાલ આંબલિયાએ પણ સરકાર પર આક્ષેપ કર્યા છે.

Rajkot: રાજ્યના ખેડૂતોને વર્ષ 2019માં મળેલા પ્રિમિયમના આધાર પર અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનની વીમા કંપનીએ રહી રહીને ભરપાઈ શરૂ કરી છે. પાક વીમા કંપની દ્વારા રાજ્યના કેટલાક ખેડૂતોને 200 રૂપિયાથી લઈને 80 હજાર રૂપિયા સુધીનો મંજૂર થયેલો ક્લેમ બેંક મારફતે તેના ખાતામાં મળી રહ્યો છે. જો કે આ વીમાની ચૂકવણીમાં કેટલીક બાબતો શંકાના ઘેરામાં હોવાનો કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો છે. પાલ આંબલિયાએ દાવો કર્યો છે કે રાજ્યમાં 7 લાખ ખેડૂતોએ વીમા કંપનીને લઈને અરજીઓ કરી હતી, ત્યારે કેટલા ખેડૂતોને અને કઈ રીતે આ સહાય ચૂકવવામાં આવી છે. તેની કોઈ જ માહિતી નથી જે અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ.
સહાયની ચૂકવણી, માપદંડ કઈ રીતે રખાયા
પાલ આંબલિયાએ દાવો કર્યો હતો કે ખેડૂતને વીમા કંપની દ્વારા જે સહાય ચૂકવવામાં આવી છે, તેમાં અનેક વિસંગતતાઓ છે. કેટલાક ખેડૂતોને એવો મેસેજ કરવામાં આવ્યો છે કે સરકારની સબસીડી આવ્યા બાદ વધારાનો હપ્તો ચૂકવવામાં આવશે. કેટલાક ખેડૂતોને માત્ર 200 રૂપિયા મંજૂર થયા છે તો કેટલાકને પુરેપુરો વીમો મળ્યો છે. કેટલાક ગામોમાં માત્ર 10 ખેડૂતોને વીમો મળ્યો છે ત્યારે સરકાર આ અંગે સ્પષ્ટતા કરે તે માટે પાલ આંબલિયાએ સરકારને પત્ર લખીને કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે જેના જવાબની સરકાર પાસે માંગ કરી છે.
આ પણ વાંચો : મારવાડી કોલેજ ગાંજા કેસમાં પોલીસ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કોને બચાવી રહી છે તે સવાલને લઈ ઉઠી ચર્ચા
આંબલિયાએ સરકારને કરેલા સવાલો
- આ પાકવીમો ક્યા વર્ષનો છે ?
- કયા પાક માટેનો છે ?
- કયા કયા તાલુકાઓમાં મંજુર થયો છે ?
- કેટલા ટકા મંજુર થયો છે ?
- આ પાકવિમો આંશિક છે કે પૂરો છે ?
- જો આંશિક છે તો પૂરો શા માટે નથી આપવામાં આવતો ?
- કઇ કઈ પાકવીમાં કંપનીઓ દ્વારા આ પાકવિમો અપાઈ રહ્યો છે ?
- આ પાકવિમો આંશિક હોય કે પૂરો હોય તો એક ગામમાં 10 ખેડૂતોને આવે ને બીજા ને કેમ નથી આવતો ?
- પાક નુકશાની થઈ હોય તો ગામના તમામ ખેડૂતોને હોય તો આવું શા માટે ?
- ખેડૂતોએ કરેલી પાક નુકશાની અરજીના આધારે તો નથી ને ?
- /A) જો એવું હોય તો 2019 માં અંદાજે 7 લાખ ખેડૂતોએ અરજી કરી હતી તો એ બધાને કેમ નથી આવતો ?
- પાકવીમાં કંપની કે સરકાર લગત બેંકને મંજુર થયેલો પાકવીમાં વાળા ખેડૂતોનું લિસ્ટ શા માટે આપતા નથી ?
- દરેક તાલુકામાં કેટલા ખેડૂતને કેટલા ટકા અને કુલ કેટલી રકમ જમા થઈ તેની વિગત શા માટે જાહેર કરવામાં આવતી નથી ?
- જે ખેડૂતોને ખાલી મેસેજ જ આવ્યો છે તેને આ રૂપિયા ક્યારે મળશે ?
- રાજ્ય સરકારની સબસિડી ક્યારે જમા થશે ને એ રૂપિયા ખેડૂતોને ક્યારે મળશે ?
- ઉપરના મેસેજમાં આપ જોશો તો અત્યારે 50% રકમ કંપની આપે છે અને 50% રકમ રાજ્ય સરકાર સબસીડી આપશે ત્યારે જમા થશે એવું મેસેજમાં શા માટે લખે છે ?
- ખેડૂતોને આપવાના રૂપિયા રાજ્ય સરકાર આપતી નથી તેવો આરોપ પાકવીમાં કંપનીઓ શા માટે કરી રહી છે ?
- આ મેસેજથી એક એક ખેડૂતને સમજાય છે કે રાજ્ય સરકાર ખેડૂતોને રૂપિયા આપતી નથી એટલે ખેડૂતોનો મંજુર થયેલો પાકવિમો પૂરો મળતો નથી
- શું રાજ્ય સરકાર નથી ઈચ્છતી કે ખેડૂતોને પાકવીમાની રકમ મળે ?? રાજ્ય સરકાર શા માટે ખેડૂત વિરોધી થઈ રહી છે ?
- જે સબસીડી પાકવીમાં કંપનીઓને રાજ્ય સરકારે આપવાની છે એમાંથી વીમા કંપનીએ ખેડૂતોના જેટલા નાણાં આપવાના છે તે રાજ્ય સરકારે પાકવીમાં કંપનીની જેમ સીધા ખેડૂતોના ખાતામાં જમા કરી દેવા જોઈએ
- રાજ્ય સરકાર કેટલી ખેડૂતલક્ષી છે તે આ પરથી સમજાય છે કે ખેડૂતોનો 2019નો મંજુર થયેલો પાકવીમો કંપનીઓ પાસેથી તેમના કાન પકડીને એજ વર્ષમાં ખેડૂતોને આપવો જોઈએ પણ સરકાર કંપનીઓને છાવરતી રહી ખેડૂતોને ગુજરાત હાઈકોર્ટમાં જવાની ફરજ પડી. ગુજરાત હાઈકોર્ટે સરકાર અને પાકવીમાં કાપનીઓને ફટકાર લગાવી પછી ખેડૂતોના ખાતામાં પાકવીમા કંપનીઓ રૂપિયા આપે છે પણ સરકારે જે હિસ્સો આપવાનો હતો, એ હજુ ખેડૂતોને મળતો નથી તો શું અમારે ખેડૂતોએ રાજ્ય સરકારના હિસ્સા માટે ફરીથી ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે ?
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો