Rajkot: રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો, સહકારી સંસ્થામાં દખલગીરી બદલ તાલુકા ભાજપ પ્રમુખની હકાલપટ્ટી
Rajkot: રાજકોટ જિલ્લા ભાજપમાં ફરી ભડકો સામે આવ્યો છે. જિલ્લા સહકારી સંસ્થામાં દખલગીરી બદલ તાલુકા ભાજપ પ્રમુખની હકાલપટ્ટી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહકારી સંસ્થામાં બે જૂથ આમને સામને છે. એક વર્તમાન નરેન્દ્રસિંહ જાડેજા જૂથ જ્યારે એક અરવિંદ રૈયાણીનું જૂથ.
Rajkot: રાજકોટ જિલ્લા ભાજપમાં આંતરિક જુથવાદ ચરમસીમા પર છે. આજે જિલ્લા ભાજપ પ્રમુથ અલ્પેશ ઢોલરીયાએ તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીતને પ્રમુખ પદેથી હટાવી લેતા રાજકારણ ગરમાયું છે. જો કે આ જુથવાદ પાછળ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં ચાલતી વર્ચસ્વની લડાઇ માનવામાં આવે છે.
સહકારી સંસ્થામાં દખલગીરી બદલ સસ્પેન્ડ કરાયા
આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે બાબુ નસીત દ્રારા સહકારી સંસ્થામાં તેઓની દખલગીરી કરવામાં આવી રહી છે. પ્રમુખે પદ હટાવતા પત્રમાં લખ્યું છે કે આપની સહકારી સંસ્થામાં દખલગીરી પક્ષની કામગીરીમાં અસર પહોંચાડી રહી છે. આપને અનેકવાર કહેવા છતા આપ આ પ્રવૃતિ કરી રહ્યા છો. આ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં પક્ષ તરફથી આપવામાં આવતી સૂચનાનું પાલન કરતા નથી જેના કારણે આપને પદમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ લોધિકા સંઘનો વિવાદ મુખ્ય કારણ
રાજકોટની સહકારી સંસ્થા રાજકોટ લોધિકા સંઘમાં છેલ્લા ઘણાં સમયથી બે જુથ આમને સામને છે. એક તરફ વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાનું જુથ છે અને સામા પક્ષે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનું જુથ છે. ચેરમેન પદના વિવાદથી શરૂ થયેલો આ ઝઘડો હવે સંઘની દરેક બોર્ડ મિટીંગમાં આગળ વધી રહ્યો છે. આજે મળેલી બોર્ડ મિટીંગમાં કેન્દ્રીય સંસ્થામાં પ્રતિનિધિ મુકવા અંગે બે જુથ આમને સામને આવી ગયા હતા. જેની ફરિયાદ પ્રદેશ મવડી મંડળને થતા પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Rajkot : ભવિષ્યના ડોક્ટરો કે મુન્નાભાઈ! PDU મેડિકલ કોલેજમાં MBBSના 200 વિધાર્થીઓ ગેરશિસ્ત બદલ 15 દિવસ માટે સસ્પેન્ડ
પ્રદેશ અધ્યક્ષને રજૂઆત કરાઇ હતી
રાજકોટ લોધિકા સંઘમાં છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલે છે. આ અંગે પ્રધાનમંત્રીની મુલાકાત સમયે બાબુ નસીત સહિત ત્રણ લોકો સામે પક્ષ વિરોધી પ્રવૃતિ કર્યા હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ પ્રદેશ અધ્યક્ષ દ્રારા જિલ્લા ભાજપ પ્રમુખને તમામ ડિરેક્ટરોને પક્ષની મર્યાદામાં રહીને કડક સૂચના આપવા કહ્યું હતું જે બાદ વિવાદ વધુ ઘેરો બન્યો હતો.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો