Rajkot: મોંઘવારીનો વધુ એક માર, શિયાળા પહેલા શાકભાજીના ભાવમાં ઉછાળો, પ્રતિ કિલો 20થી 30 ટકાનો વધારો- Video
Rajkot: ચોમાસા બાદ શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. રાજકોટમાં હાલ દરેક શાકભાજીમાં પ્રતિ કિલો 20 થી 30%નો ભાવવધારો જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસમાં દરેક શાકભાજીનો ભાવ પ્રતિ કિલો 80 થી 100 રૂપિયા બોલાઈ રહ્યો છે. આ ભાવ વધારાને કારણે આમ જનતાને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે.
Rajkot: સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. શિયાળાની શરૂઆત થઇ ગઇ છે પરંતુ હજુ સુધી શાકભાજી (Vegetables)ના ભાવમાં કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદ આવ્યો અને ત્યારબાદ છેલ્લા દિવસોમાં વરસાદ નોંધાયો છે. જેની સીધી જ અસર શાકભાજીના પાકને પડી છે અને 10 દિવસમાં જ શાકભાજીના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો નોંધાયો છે. જો શાકભાજીના ભાવ પર નજર કરીએ તો
શાકભાજી |
પહેલા |
અત્યારે |
રીંગણા | 50 | 100 |
દૂધી | 40 | 60 |
ગુવાર | 70 | 100 |
ભીંડો | 70 | 80 |
વાલોળ | 80 | 120 |
કોબી | 20 | 30 |
કારેલા | 50 | 70 |
ચોળી | 120 | 160 |
ટામેટાં | 20 | 25 |
ફ્લાવર | 80 | 100 |
તુરિયા | 60 | 100 |
- ભાવવધારા પાછળ પાછોતરો વરસાદ કારણભૂત
- છેલ્લા તબક્કામાં પડેલા વરસાદને કારણે શાકભાજીને નુકસાન
- હજુ ભાવ નિયંત્રણમાં આવતા એક મહિનો લાગી શકે છે
એક મહિના સુધી ભાવ વધારો રહે તેવી શક્યતા-વેપારી
રાજકોટની જ્યુબેલી શાકમાર્કેટના વેપારી દેવચંદભાઇએ tv9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ચોમાસામાં શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ શિયાળામાં આવક વધતા આ ભાવમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વર્ષે પાછોતરા વરસાદને કારણે શાકભાજીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. જેના કારણે લોકલ શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. જેથી છેલ્લા 10 દિવસમાં આ ભાવવઘારો થયો છે. હજુ પણ ભાવ ઘટાડો થવામાં એક મહિના જેટલો સમય લાગી શકે છે. ત્યારે શિયાળામાં સ્વાદનો ચટાકો હાલમાં મોંધો પડી શકે છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો