Rajkot : ઉનાળાને ધ્યાનમાં રાખીને ટાંકી અને વોટર સંપની કરાશે સાફ સફાઈ, સુજલામ સુફલામ જળ અભિયાનની બેઠકમાં લેવાયો નિર્ણય
નાગરીકોના સ્વાસ્થ્યને અસર કરતી કામગીરીમાં જિલ્લાના 27 ડેમ, ચેકડેમ, વોટર સંપ, પાણી અને ગટરની પાઈપ લાઈન, વાસ્મો હેઠળની લાઈન, પીવાના પાણીના સ્ત્રોતની આજુબાજુની સફાઈ કરવા સહિતની કામગીરી કરવા આવશે.
રાજકોટ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન સંદર્ભે મુખ્ય સચિવ રાજ કુમારના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ઉનાળાલક્ષી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તળાવ – ચેકડેમો ઊંડા ઉતારવાની સાથે જનતાના સ્વાસ્થ્યને અસર કરતી ટાંકી, સંપ,પાણી-ગટરની લાઈન સાફ કરવા સહિતની કામગીરી હાથ ધરાશે. વર્ષ 2023માં આ અભિયાન 17 ફેબ્રુઆરીથી 31 મે માસ સુધી ચાલનાર છે.
વર્ષ 2018થી ચાલી રહ્યું છે સફળ અભિયાન
નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી સફળતાપૂર્વક ચાલતું સુજલામ સુફલામ જળ અભિયાન વર્ષ 2023માં પણ સફળતાપૂર્વક વહન કરે તે સંદર્ભે મુખ્ય સચિવ રાજ કુમારના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી “સુજલામ સુફલામ જળ અભિયાન -2023”ની સર્વે જિલ્લા કલેટરની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવરાજ કુમારે પ્રેઝન્ટેશન મારફતે તમામ જિલ્લા કલેકટરને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ 2018થી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ દર વર્ષે ખૂબ સારી રીતે કામગીરી કરવામાં આવી રહી છે.
આ વર્ષે પણ લોક ભાગીદારી, મનરેગા અને વિભાગીય કચેરીઓના સંકલન સાથે જળ સંચયનું કામ સુપેરે થાય અને નાગરીકોને તેનો લાભ મળે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે અધિકારીઓએ કામ કરવું જોઈએ. સાથો સાથ રાજ કુમારે સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર જળ સંચયલક્ષી ન બનતાં જાહેરહિતના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પણ કારણભૂત બને તે રીતે કામગીરી કરવાનું સૂચન કર્યું હતું.
27 ડેમ, ચેકડેમ, વોટર સંપની થશે સફાઈ
જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ મુખ્ય સચિવ રાજ કુમારને રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ હાથ ધરવામાં આવનાર પ્લાનીંગ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ નાગરીકોના સ્વાસ્થ્યને અસર કરતી કામગીરીમાં જિલ્લાના 27 ડેમ, ચેકડેમ, વોટર સંપ, પાણી અને ગટરની પાઈપ લાઈન, વાસ્મો હેઠળની લાઈન, પીવાના પાણીના સ્ત્રોતની આજુબાજુની સફાઈ કરવા સહિતની કામગીરી કરવા આવશે.
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં જિલ્લા કલેકટરે સુજલામ સુફલામ જળ અભિયાન – 2023ને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. તેમજ આ અભિયાન મહત્ત્મ લોક ભાગીદારી સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર આશિષ કુમાર, સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.