RAJKOT : ધોરાજી પાલિકાએ વેરાની રકમમાં વધારો કરતા રોષ, જનઆંદોલનની આગેવાનોની ચીમકી
ધોરાજીની કોંગ્રેસ શાસિત પાલિકા પર ધોરાજી શહેર ભાજપના મહામંત્રીએ નિશાન સાધ્યું અને કહ્યું કે વિકાસના કામોમાં નિષ્ફળ નિવડેલા કોંગ્રેસ શાસિત પાલિકાના સતાધીશોએ પ્રજા પર નવા કરવેરા ઝીંકી અને લોકોની આર્થિક કમર ભાંગી નાખી છે.
રાજકોટ જિલ્લાની ધોરાજીની (Dhoraji) કોંગ્રેસ શાસિત નગરપાલિકાએ (Municipality) કોરોના કાળના કપરા સમયમાં ધોરાજીની પ્રજા પર ભૂગર્ભ સફાઈ સ્ટ્રીટ લાઈટનો મિલકત દીઠ 840 રૂપિયા કરવેરો (Tax)નાખતા સ્થાનિકોમાં રોષ છે. ધોરાજી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વેરો રદ કરવાની માંગ સાથે નગરપાલિકા નિયમમાં કલમ 258 હેઠળ નવો કરવેરો રદ કરવાની માંગ કરી છે.
ધોરાજીમાં કોંગ્રેસ શાસિત પાલિકા દ્વારા ધોરાજીની જનતા પર ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઈટ અને સફાઈ કરના નામે વેરાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકા લોકોને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. ધોરાજીમાં સફાઈ થતી નથી. ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. ગંદકીના ગંજને ગંજ ખડકાયેલા છે. સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે. ત્યારે આવા સમયે લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાની જગ્યાએ કોરોનાના કપરા કાળમાં કરવેરાના નામે 840 રૂપિયા વધારી અને પ્રજાને ડામ આપ્યો છે. જેને લઇ ધોરાજીના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને સ્થાનિકો આ વેરો તાત્કાલિક ધોરણે પાછો ખેચવાની માગ કરી રહ્યા છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ નવા કરવેરા રદ કરવાની માંગ સાથે નગરપાલિકા નિયામકને કલમ 258 હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું કહેવું છે કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષમાં ધંધા રોજગારમાં મંદી છે. ત્યારે આવો બમણો વેરો પ્રજા સહન કરી શકે એમ નથી.
ધોરાજીની કોંગ્રેસ શાસિત પાલિકા પર ધોરાજી શહેર ભાજપના મહામંત્રીએ નિશાન સાધ્યું અને કહ્યું કે વિકાસના કામોમાં નિષ્ફળ નિવડેલા કોંગ્રેસ શાસિત પાલિકાના સતાધીશોએ પ્રજા પર નવા કરવેરા ઝીંકી અને લોકોની આર્થિક કમર ભાંગી નાખી છે. ધોરાજીમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ, ગંદકી, ઉબડખાબડ રોડ રસ્તા જેવી બાબતોથી ધોરાજીની પ્રજા ત્રાહિમામ છે. ત્યારે આવા નવા કરવેરા રદ કરવા જોઈએ, નહિતર જન આંદોલન કરવાની ચીમકી ભાજપના આગેવાનોએ ઉચ્ચારી છે.
કોંગ્રેસ શાસિત નગરપાલિકાના ઉપપ્રમુખનું કહેવું છે કે સરકારના આદેશ અનુસાર ઇ નગર યોજના અંતર્ગત સરકારના આદેશ અનુસાર નવા કરવેરા નાખ્યાં છે. ભાજપ માત્રને માત્ર લોકોને ગેરમાર્ગે દોરે છે.
આ પણ વાંચો : Rajkot: રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ વેગવંતી, ઢોર પકડનારી ટીમમાં કરાયો વધારો
આ પણ વાંચો : CORONA: જાન્યુઆરીમાં રેલવેની રાજકોટ ડિવીઝનની 62 હજાર ટિકિટ રદ્દ, રેલવેએ 4 કરોડથી વધુનું રિફંડ આપ્યું