Rajkot: રાજકોટ પોલીસ સ્ટેશનમાં ACBની ટ્રેપ, હેડ કોન્સ્ટેબલ 8 હજારની લાંચ લેતા ઝડપાયો
Rajkot: રાજકોટ પોલીસ સ્ટેશનમાં વધુ એક કોન્સ્ટેબલ 8000ની લાંચ લેતા ઝડપાયો છે. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં લાંચની રકમ રંગેહાથ સ્વીકારતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો હતો. આ મામલે ACBએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot: રાજકોટ પોલીસ ભ્રષ્ટ્રાચારનો પર્યાય બની ગઇ છે. તાજેતરમાં બે ટ્રાફિક જવાનોના લાંચ લેતા સીસીટીવી ફુટેજ વાઇરલ થયા બાદ હવે પોલીસ સ્ટેશનની અંદર જ લાંચ લેતા પોલીસ હેડ કોન્સ્ટેબલને એન્ટિ કરપ્શન બ્યુરોએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં લાંચની રકમ રંગેહાથ સ્વીકાતા હેડ કોન્સ્ટેબલ ઝડપાય જતા ACB એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોરીના કેસમાં હળવી કાર્યવાહી કરવા માંગી હતી લાંચ
એન્ટિકરપ્શન બ્યુરોના અધિકારીના કહેવા પ્રમાણે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કલ્પેશ વાલેરભાઈ ચાવડા નામના હેડ કોન્સ્ટેબલે ફરિયાદીના દીકરાને ચોરીના કેસમાં હળવી કાર્યવાહી કરવા માટે લાંચની માંગ કરી હતી.
ફરિયાદીનો દીકરો વાહન ચોરીના ગુનામાં પોલીસ પકડમાં આવ્યો હતો. જેમાં ફરિયાદીના પુત્રને માર નહીં મારવા અને હળવા કાગળો કરીને મદદ કરવા માટે 10 હજારની લાંચ માંગી હતી અને બાદમાં 8 હજાર રૂપિયા આપવાનો વાયદો થયો હતો. આ રકમ હેડ કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનની અંદર જ રંગેહાથ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યો હતો.
અગાઉ ટ્રાફિક પોલીસના જવાનો કટકી કરતા ઝડપાયા હતા
રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જમાં ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉમેદ ગઢવી અને મહિલા કોન્સ્ટેબલ ટ્રાફિક વોર્ડન સાથે રૂપિયાની વહેંચણી કરતા હોય તેવા સીસીટીવી ફુટેજ વાયરલ થયા હતા. જેના આધારે પોલીસ કમિશનરે બંન્ને પોલીસ જવાનોને સસ્પેન્ડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો