Rajkot: ‘બેટી બચાવો’ સંદેશ સાથે 62 વર્ષીય વૃદ્ધ સાયકલ ઉપર રાજકોટથી અયોધ્યા પહોંચ્યા
સાયકલ યાત્રામાં વધારે વજન ન લાગે તે માટે બે કપડાંની જોડી,સાયકલ રિપેરીંગ-પંચરનો સામાન સાથે રાખે છે. સાયકલ યાત્રા થકી ધાર્મિકની સાથે સામાજિક સંકલ્પ પૂર્ણ કરતા દિલીપભાઇ યુવાનો માટે એક આદર્શ ઉદારણ છે.
સમાજમાં કુરિવાજો દૂર થાય અને લોકો સદ્દવિચારોને અપનાવે તે હેતુથી અનેક લોકો અલગ અલગ રીતે પ્રયત્ન કરતા હોય છે, ત્યારે રાજકોટના એક 62 વર્ષીય વૃદ્ધ બેટી બચાવોના સંદેશા સાથે રાજકોટથી અયોધ્યા સુધી 1700 કિલોમીટર સાયકલમાં સફર કરીને 16 દિવસે અયોધ્યા પહોંચ્યા હતા. રાજકોટના રામાપીર ચોક નજીક રહેતા દિલીપ પાઠક નામના વૃદ્ધે આ સફર ખેડીને રસ્તામાં મળતા લોકોને બેટી બચાવનો સંદેશો આપ્યો હતો.
દરરોજ 100 કિમી.નો પ્રવાસ કરતો હતો: દિલીપ પાઠક
રાજકોટમાં પુત્ર સાથે નાસ્તાની લારી ચલાવતા દિલીપભાઈ પાઠકે કહ્યું હતું કે દિકરીઓનું સમાજમાં મહત્વ રહે તે હેતુથી તેઓએ આ સાયકલ યાત્રા કાઢી હતી. રાજકોટથી તેઓ 6 ફેબ્રુઆરીએ સાયકલ લઈને નીકળ્યા હતા અને 21 ફેબ્રુઆરીના રોજ તેઓ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા હતા. દરરોજ તેઓ 100 કિલોમીટર સાયકલ ચલાવતા હતા, જેમાં 5 દિવસ ગુજરાત, 6 દિવસ રાજસ્થાન અને 5 દિવસ ઉત્તરપ્રદેશમાં રસ્તો પસાર કરતા લાગ્યા હતા. રસ્તામાં જે પણ વટેમાર્ગુઓ નીકળે છે તેઓને બેટી બચાવોનો સંદેશો આપતા હતા અને દિકરીઓનું મહત્વ સમજાવતા હતા. પોતાની સાયકલમાં પણ તેઓએ આ બેટી બચાવોનું સ્લોગન લખ્યું છે.
સાયકલ દ્વારા સામાજિક સંદેશ સાથે 6 જ્યોર્તિલિંગના દર્શન કરવાનો સંકલ્પ
62 વર્ષીય દિલીપભાઈ ખૂબ જ સ્વસ્થ છે. અગાઉ તેઓ રાજકોટથી દ્વારકાિધીશ મંદિરે સાયકલ લઈને ગયા હતા અને હવે તેઓએ અયોધ્યા રામલલ્લાના પણ દર્શન કર્યા હતા. ભવિષ્યમાં તેઓ સાયકલ દ્વારા સામાજિક સંદેશ સાથે 6 જ્યોર્તિલિંગના દર્શન કરવાનો સંકલ્પ પણ ધરાવે છે. સાયકલ યાત્રામાં વધારે વજન ન લાગે તે માટે બે કપડાંની જોડી,સાયકલ રિપેરીંગ-પંચરનો સામાન સાથે રાખે છે. સાયકલ યાત્રા થકી ધાર્મિકની સાથે સામાજિક સંકલ્પ પૂર્ણ કરતા દિલીપભાઇ યુવાનો માટે એક આદર્શ ઉદારણ છે.