Banaskantha : પાલનપુર ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ સભ્ય ડૉ. રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો
મહિલાઓના દુઃખને દૂર કરવા માટે કોઈપણ બહેન દુ:ખી હોય ત્યારે તેને રહેવા, જમવાની તથા કાનૂની સહાય અને સલાહ એક જ જગ્યાએ મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
Banaskantha : પાલનપુર મુકામે કાનુભાઈ મહેતા હૉલ ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના (National Commission for Women)સભ્ય ડૉ. રાજુલબેન દેસાઇના અધ્યક્ષસ્થાને બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત મહિલાલક્ષી યોજનાઓ (Women oriented scheme) તથા કાયદાકીય માર્ગદર્શન તથા વ્હાલી દિકરી યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી વર્કર, આશા વર્કર અને તેડાગર બહેનોને પ્રોત્સાહન ઈનામ વિતરણનો (Prize distribution) કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલબેન દેસાઇએ મહિલાઓને સાઇબર ક્રાઇમ વિશે વાત કરતાં કહ્યું કે, સમય બદલાતા ગુન્હાઓના પ્રકારો પણ બદલાયા છે.
આજે સોશ્યલ મિડીયામાં મહિલાઓની જાણ બહાર તેમના ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જેની મહિલાઓને ખબર પણ હોતી નથી અને તેનો દુરઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે મહિલાઓ ઘેર બેઠા ઓનલાઇન ફરીયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાવી શકે તે માટે www.cybercrime.gov.in પોર્ટલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફરિયાદીની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે તેથી ભોગ બનનાર મહિલા વિના સંકોચે ડર રાખ્યા વગર ફરિયાદ નોંધાવીને આવી પરિસ્થિતિમાં મદદ મેળવી શકે છે.
મહિલાઓના દુઃખને દૂર કરવા માટે કોઈપણ બહેન દુ:ખી હોય ત્યારે તેને રહેવા, જમવાની તથા કાનૂની સહાય અને સલાહ એક જ જગ્યાએ મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ વિનામૂલ્યે પાંચ દિવસ સુધી રહી શકે છે. કોઈ મહિલાને મદદની જરૂર હોય ત્યારે તેને સખી વન સ્ટોપ સેન્ટર સુધી પહોંચાડવાની જવાબદારી મહિલા સરપંચ, મહિલા તલાટી, આંગણવાડી વર્કર, આશા વર્કરની બહેનોની છે. તેમણે ઉમેર્યુ કે, ગ્રામ્ય વિસ્તારમાં મહિલા સરપંચ, મહિલા તલાટી, આંગણવાડી વર્કર, આશા વર્કર આ વાત મહિલાઓ સમક્ષ મૂકીને દુખીયારી બહેનોના દુઃખ દૂર કરવાનું કામ કરી સમાધાન લાવી શકે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, મહિલા અને બાળ વિકાસ અધિકારી સુલોચનાબેન પટેલ, પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર, દહેજ સંરક્ષણ અધિકારી રમીલાબા રાઠોડ, મહિલા સરપંચ, મહિલા તલાટીઓ, આંગણવાડી વર્કર તેમજ આશા વર્કર બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં ઇ-વ્હિકલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સીએમ ભૂપેન્દ્ર પટેલ કરી આ પહેલ
આ પણ વાંચો : સુરતના ડભોલીમાં આગ, બિલ્ડીંગમાં બીજા માળે આગ ત્રીજા માળે 20 લોકો ફસાયા