રાજકોટ પોલીસમાં મર્યાદિત સત્તાઓ ધરાવતી PCB બ્રાન્ચ બની મુખ્ય વહીવટી બ્રાન્ચ !
પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ તરીકે ઓળખાતા પોલીસના આ વિભાગમાં અત્યાર સુધી રાજકોટમાં નાસતા ફરતા આરોપીઓ અને પાસા વોરંટ કાઢવા પુરતી કામગીરી મર્યાદિત હતી. રાજકોટ પોલીસ બેડામાં PCB બ્રાન્ચમાં પોસ્ટીંગ એ સાઇડ પોસ્ટ તરીકે જાણીતું હતું. પરંતુ હવે આ પોસ્ટ મહત્વની બ્રાન્ચ બની છે.
રાજકોટ શહેરના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં PCB વિભાગ પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચને વધુ સત્તાઓ સોંપવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા તાજેતરમાં પોલીસ બેડામાં ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં પીસીબી બ્રાન્ચમાં નવી નિમણૂકો આપવામાં આવી છે અને પીસીબીનું કદ પણ વધારવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચ મુખ્ય બ્રાન્ચ હતી, પરંતુ હવે પીસીબીને વિશાળ સત્તાઓ આપીને રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમારે પીસીબી એક્ટિવ કર્યું છે, જે સીધી જ પોલીસ કમિશનરની નજર હેઠળ કામગીરી કરશે.
પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ તરીકે ઓળખાતા પોલીસના આ વિભાગમાં અત્યાર સુધી રાજકોટમાં નાસતા ફરતા આરોપીઓ અને પાસા વોરંટ કાઢવા પુરતી કામગીરી મર્યાદિત હતી. રાજકોટ પોલીસ બેડામાં PCB બ્રાન્ચમાં પોસ્ટીંગ એ સાઇડ પોસ્ટ તરીકે જાણીતું હતું. પરંતુ હવે આ પોસ્ટ મહત્વની બ્રાન્ચ બની છે. રાજકોટ પીસીબીનો ચાર્જ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ મેહુલ ગોંડલિયાને સોંપવામાં આવ્યો છે, જ્યારે પીએસઆઇ તરીકે હુણને કામગીરી સોંપાઇ છે. તાજેતરમાં પોલીસ કમિશનરે શહેરના ક્રાઇમ બ્રાન્ચના જુના જોગીઓને પીસીબીમાં પોસ્ટીંગ આપીને આ બ્રાન્ચ હવેથી શહેરની મુખ્ય બ્રાન્ચ છે તેવો સ્પષ્ટ સંકેત આપી દીધો છે.
PCB બ્રાન્ચ એકશન મોડમાં
પીસીબી બ્રાન્ચનું નવિનીકરણ કરતાની સાથે જ જાણે આ બ્રાન્ચમાં નવા પ્રાણનું સિંચન થયુ હોય તેમ એક પછી એક દરોડા કરવામાં આવી રહ્યા છે. બે દિવસમાં થોરાળા વિસ્તાર અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓને તોડી પાડવામાં આવી હતી. આ ઉપરાંત વિદેશી દારૂનો જથ્થો પણ પકડી પાડવામાં આવ્યો છે. હાલમાં રાજકોટની પીસીબી બ્રાન્ચ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ પર તૂટી પડી છે અને દરરોજ કામગીરી કરી રહ્યા છે.
હવે ક્રાઇમ બ્રાન્ચ સમકક્ષ હશે PCBની કામગીરી!
રાજકોટ શહેરમાં અત્યાર સુધી પોલીસ કમિશનરની સૌથી નજીકની બ્રાન્ચ એટલે ક્રાઇમ બ્રાન્ચ હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મહેકમમાં વધારો કર્યા બાદ આ બ્રાન્ચમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થયું છે અને ડીસીપી કક્ષાના આઇપીએસ અધિકારીનું સુપરવિઝન થયું છે. જેના કારણે હવે પીસીબી બ્રાન્ચ સીધી જ પોલીસ કમિશનરના સુપરવિઝનમાં કામ કરશે. પોલીસ વિભાગમાં કેટલાક એવા કામો હોય છે, જે કામ અરજીથી ચલાવવા પડતાં હોય છે અને ખરાઇ કર્યા બાદ તેમાં ગુનાઓ દાખલ થતા હોય છે અત્યાર સુધી આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચમાં થતી હતી, પરંતુ હવે આ કામગીરી પીસીબી બ્રાન્ચમાં થશે તેમાં કોઇ શંકા નથી. આમ સુરત, અમદાવાદ અને વડોદરાની જેમ રાજકોટમાં પણ પીસીબી બ્રાન્ચ એક મહત્વની બ્રાન્ચ અને પોલીસકર્મીઓ માટે મહત્વનું પોસ્ટીંગ બની છે.