Rajkot : ખાડામાં પડી જતા યુવકના મોત મામલે કાર્યવાહી, પોલીસે સઅપરાધ માનવ વધનો ગુનો નોંધ્યો
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે હર્ષ દાવડા નામનો યુવાન ખાડામાં પડી જતા તેનું મોત નિપજ્યુ. આ મામલે હર્ષના પિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધ્યો છે.
રાજકોટમાં મનપા તંત્રની બેદરકારી એક આશાસ્પદ યુવાનને ભરખી ગઇ છે, ત્યારે આ મામલે હવે પોલીસ કેસ દાખલ થયો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે હર્ષ દાવડા નામનો યુવાન ખાડામાં પડી જતા તેનું મોત નિપજ્યુ. આ મામલે હર્ષના પિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધ્યો છે.
ખાડાઓને કારણે તંત્રની કામગીરી સામે ઉઠી રહ્યા છે અનેક સવાલો
સમગ્ર ઘટના જોઇએ તો શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તા પર ઓવરબ્રિજ શરૂ થતી જગ્યાએ ગડર મૂકવાની કામગીરી ચાલી રહી છે. આ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. પરંતુ ખાડા પાસે કોઇ બેરિકેડ મુકવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. શુક્રવારે સવારે હર્ષ બીજા વાહનને ઓવરટેક કરવા જતો હતો તે સમયે ખાડામાં પટકાયો હતો. ખાડામાં રહેલા સળિયા માથામાં વાગતાં હર્ષનું મોત થયું.
જે બાદ હર્ષના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શીઓએ મનપા દ્વારા ખાડો ખોદવાની કામગીરી દરમ્યાન બેજવાબદારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો કર્યા છે. મહત્વનું છે કે શહેરમાં આડેધડ ખોદવામાં આવતા ખાડાઓને કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.