Rajkot: માર્ચના અંતિમ સપ્તાહમાં નરેશ પટેલ લેશે રાજકીય પ્રવેશનો નિર્ણય, AAP કે કોંગ્રેસ અંગે હજુ સસ્પેન્સ
નરેશ પટેલે કહ્યું હતું કે જેઓએ મને રાજકારણમાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું છે તે તમામ પક્ષનો આભાર માનું છું, પરંતુ સમાજના લોકો સાથે ચર્ચા કરીને મારે ક્યાં અને કોની સાથે જોડાવું તેનો નિર્ણય લઇશ.
ખોડલધામ (Khodaldham) ના પ્રણેતા નરેશ પટેલ (Naresh Patel) દ્વારા હવે રાજકારણ (Politics) માં ઝંપલાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.નરેશ પટેલને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અને કોંગ્રેસ (Congress) દ્વારા તેમની પાર્ટીમાં જોડાવા અંગેનું આમંત્રણ આપી ચૂક્યા છે ત્યારે નરેશ પટેલ આજે મિડીયા સામે આવ્યા હતા અને કહ્યું હતું કે રાજકારણમાં જોડાવા અંગે સમાજ સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે અને રાજકારણમાં જોડાવું કે નહિ તે અંગેનો નિર્ણય તેઓ 20 માર્ચથી 30 માર્ચ સુઘીમાં નિર્ણય લઇ લેશે.જો કે એક વાત નક્કી છે કે નરેશ પટેલ સત્તા વિરુધ્ધ બ્યુગલ પુકારી શકે છે અને આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસમાં જોડાય શકે છે.
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ શનિવારે દિલ્લીમાં કેટલાક કોંગ્રેસના ઊંચા ગજાના નેતાઓ સાથે બેઠક કરી આવ્યા હોવાની વાતે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. જો કે આ વાત અંગે ખુદ નરેશ પટેલે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યુ છે કે મે રાજકારણ અંગે હજુ સુધી કોઇ નિર્ણય કર્યો નથી, પણ હું વ્યક્તિગત રીતે ઇચ્છુ કે મારે રાજકારણમાં જોડાવું જોઇએ. લોકોના પ્રશ્નોને રાજકારણમાં રહીને વાચા આપી શકાય.
લોકોની લાગણી છે,હું ઇચ્છુ છું કે રાજકારણમાં આવવું જોઇએ-નરેશ પટેલ
નરેશ પટેલે વધુમાં કહ્યું હતું કે ખોડલધામના પાટોત્સવ વખતે મને અનેક લોકોએ રાજકારણમાં જોડાવા માટેનું સૂચન કર્યુ છે. હું વ્યક્તિગત રીતે ઇચ્છુ કે મારે રાજકારણમાં જોડાવું જોઇએ. લોકોના પ્રશ્નોને રાજકારણમાં રહીને વાચા આપી શકાય. હું તમામ પક્ષનો આભાર માનું છું કે જેઓએ મને રાજકારણમાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું છે પરંતુ સમાજના લોકો સાથે ચર્ચા કરીને મારે ક્યાં અને કોની સાથે જોડાવું તેનો નિર્ણય લઇશ.એટલું જ નહિ જોડાવું કે નહિ તે પણ જાહેર કરી દઇશ.
આપ,કોંગ્રેસ અને ભાજપના આગેવાનોને મળી ચૂક્યા છેઃ નરેશ પટેલ
થોડા સમય પહેલા નરેશ પટેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મળી ચૂક્યા છે.ત્યાબદ કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને આપના આગેવાનોને પણ નરેશ પટેલ મળી ચૂક્યા છે.જો કે નરેશ પટેલ પહેલાથી જ આમ આદમી પાર્ટીથી પ્રભાવિત થયા હોય તેવું લાગી રહ્યું છે.આપના કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ નરેશ પટેલે વાતચીત કરી હોવાની એક ચર્ચાએ જોર પકડ્યું છે.આપની કેટલીક બાબતોથી નરેશ પટેલ પ્રભાવિત હોવાનું પણ સામે આવ્યું છે.