Rajkot : મીઠાઈ ખાતા પહેલા સાવધાન! રાજકોટમાં 5 ટન અખાદ્ય માવો ઝડપાયો
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને માહિતી મળી હતી કે મોરબી રોડ પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં મોટા પ્રમાણમાં અખાદ્ય મીઠા માવાનો જથ્થો પડેલો છે. જેના આધારે આરોગ્ય વિભાગે તપાસ કરી હતી. જ્યાંથી સાડા ચાર ટન જેટલો મીઠા માવાનો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. આ મીઠા માવાનો ઉપયોગ અલગ અલગ મીઠાઇ તૈયાર કરવા માટે થતો હોય છે.

Rajkot : રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે (Health Department) દિવાળી અને નવરાત્રીના તહેવાર પહેલા મીઠા માવાનો અખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો છે. શહેરના મોરબી રોડ પર આવેલા સીતારામ ડેરીના સ્ટોરેજમાંથી સાડા ચાર ટન જેટલો ભેળસેળયુક્ત માવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકતા આ અખાદ્ય જથ્થાનું બજારમાં ભરપુર વેચાણ થતું હતું.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને માહિતી મળી હતી કે મોરબી રોડ પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં મોટા પ્રમાણમાં અખાદ્ય મીઠા માવાનો જથ્થો પડેલો છે. જેના આધારે આરોગ્ય વિભાગે તપાસ કરી હતી. જ્યાંથી સાડા ચાર ટન જેટલો મીઠા માવાનો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. આ મીઠા માવાનો ઉપયોગ અલગ અલગ મીઠાઈ તૈયાર કરવા માટે થતો હોય છે.
આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું કે આ યુનિટ સીતારામ ડેરી ફાર્મનું કોલ્ડસ્ટોરેજ છે અને અહીં આ મીઠો માવો તૈયાર કરીને અલગ અલગ કેટરર્સના ધંધાર્થીઓ અને અલગ અલગ ડેરી ફાર્મમાં વહેંચવામાં આવે છે એટલું જ નહીં અહીંથી તૈયાર કરાયેલી મીઠાઈનું પણ વેચાણ થાય છે.
કઈ રીતે બનાવતા નકલી માવો?
મીઠા માવાનો ઉપયોગ દરેક મીઠાઇ તૈયાર કરવા માટે થાય છે. તેથી નવરાત્રી અને દિવાળીમાં અલગ અલગ પ્રકારની મીઠાઇ બનાવવી હો તો આ માવાની ખરીદી કરવામાં આવે છે અને તેમાં ફ્લેવર અને અન્ય ડ્રાયફુટ ઉમેરીને મીઠાઇ તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે મીઠા માવા તૈયાર કરતા સમયે ખાંડ અને દુધનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને મીઠાઇનું બેઝ તૈયાર કરવામાં આવતું હોય છે, પરંતુ આ મીઠા માવામાં વેજીટેબલ ઓઇલ, મિલ્ક પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે.
તેથી દુધ સમજીને જે મીઠાઇ આપણે આરોગી રહ્યા છીએ તેમાં દુધનો ભાગ જ નથી. એટલુ જ નહિ ફુડ એન્ડ સ્ટાર્ડડ એક્ટ અંતર્ગત જ્યારે પણ કોઇ મીઠાઇનું ઉત્પાદન થાય ત્યારે તેમાં તેની મેન્યુફેક્ચરીંગ અને એક્સાઇરી ડેટ અંગેની નોંધ હોવી આવશ્યક છે, પરંતુ આ યુનિટમાં આવો કોઇ ઉલ્લેખ ન હતો.
સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક?
ફુડ અધિકારીના કહેવા પ્રમાણે આ પ્રકારની મીઠાઇ ખાવાને કારણે સૌપ્રથમ ફુડ પોઇઝનીંગ થવાનો ડર રહે છે. આ ઉપરાંત પેટના અને આંતરડાંના રોગ થવાની પુરી શક્યતાઓ રહેલી છે એટલું જ નહિ હ્રદય રોગ સુધીની બિમારી થઇ શકે છે.
રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા હાલમાં આ યુનિટમાંથી ઝડપાયેલા મીઠા માવાના જથ્થાનો નાશ કરેલ છે અને માવાના નમૂના લઇને વડોદરા ખાતેની ફુડ લેબોલેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ છે સાથે સાથે આ યુનિટ દ્વારા જે પણ વ્યક્તિઓને મીઠાઇ અને માવાનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો છે ત્યાં તપાસ હાથ ધરી છે.
આ કિસ્સો મીઠાઇના શોખીન માટે લાલબત્તી સમાન છે સસ્તી અને ફ્લેવરવાળી મીઠાઇઓ ખરીદતા પહેલા આપ રહેજો સાવચેત મીઠાઇ કોના દ્વાર અને ક્યારે તૈયાર કરવામાં આવી તેની ખાસ માહિતી લેવી જોઇએ કારણ કે આપણા સ્વાસ્થ્યની ફિકર આપણે પોતાએ જ કરવી જરૂરી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો