રાજકોટમાં શ્વાનનો આતંક યથાવત, 15 દિવસમાં ડોગ બાઈટના કેસમાં 30 ટકાનો વધારો, ફેબ્રુઆરીમાં 429 કેસ નોંધાયા
રાજકોટમાં મનપાના ચોપડે નોંધાયેલા કેસ જોઈએ તો ડિસેમ્બર મહિનામાં 330 કેસ સામે આવ્યા હતા. જ્યારે જાન્યુઆરીમાં શ્વાન કરડવાના 357 કેસ નોંધાયા હતા. તો ગત મહિને ફેબ્રુઆરીમાં 429 શ્વાન કરડવાના કેસ નોંધાયા હતા.
![રાજકોટમાં શ્વાનનો આતંક યથાવત, 15 દિવસમાં ડોગ બાઈટના કેસમાં 30 ટકાનો વધારો, ફેબ્રુઆરીમાં 429 કેસ નોંધાયા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/03/rajkot-6.jpg?w=1280)
રાજકોટમાં શ્વાન કરડવાના કેસ ચિંતાજનક હદે વધી ગયા છે. શ્વાન કરડવાના કિસ્સામાં પાછલા 15 દિવસમાં જ 30 ટકાનો વધારો નોંધાયો છે. શ્વાન કરડવાના કિસ્સા વધતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટેનો અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટ સિવિલમાં રેબિસ ક્લિનિક ખોલીને ડોગ બાઈટની સારવાર શરૂ કરવાનો આદેશ અપાયો છે.
રાજકોટમાં મનપાના ચોપડે નોંધાયેલા કેસ જોઈએ તો ડિસેમ્બર મહિનામાં 330 કેસ સામે આવ્યા હતા. જ્યારે જાન્યુઆરીમાં શ્વાન કરડવાના 357 કેસ નોંધાયા હતા. તો ગત મહિને ફેબ્રુઆરીમાં 429 શ્વાન કરડવાના કેસ નોંધાયા હતા.
શ્વાન ખસીકરણમાં લાખો રુપિયાના એંધાણ
રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનું તંત્ર શ્વાનના ખસીકરણ માટે વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. વર્ષ 2016-17માં 76 લાખથી વધુનો ખર્ચ થયો હતો. જ્યારે 2017-18માં 57.15 લાખથી વધુનો ખર્ચ ખસીકરણ માટે કરાયો હતો.તો 2019-20માં સર્વાધિક 1 કરોડ 3 લાખનો ખર્ચ ખસીકરણ પાછળ કરાયો હતો. જ્યારે 2022-21માં 82 લાખનો ખર્ચ થયો છે. જ્યારે દર વર્ષે ખસીકરણનો ખર્ચ વધતો હોવા છતાં પણ રખડતા શ્વાનની સંખ્યા ઘટવાને બદલે સતત વધતી જાય છે.
સુરતમાં વર્ષ 2018થી અત્યાર સુધીમાં આટલા કેસ નોંધાયા
સુરતમાં શ્વાન કરડવાના કેસોની વાત કરીએ તો 15 દિવસમાં ડોગ બાઈટના 477 કેસ નોંધાયા છે. ફેબ્રુઆરીમાં નોંધાયેલા 477 કેસ પૈકી 22 કેસ ગંભીર હાલતમાં છે. જાન્યુઆરી 2023માં 1205 લોકોને કુતરુ કરડ્યું હતું. તો વર્ષ 2018 માં સિવિલ હોસ્પિટલમાં 9,944 જ્યારે સ્મીમેરમાં 7154 કેસ નોંધાયા હતા. વર્ષ 2019 માં સિવિલમાં 11099 સ્મીમેરમાં 7375 કેસ નોંધાયા હતા. તો વર્ષ 2020માં સિવિલમાં 7124 સ્મીમેરમાં 5264 કેસ નોંધાયા છે. વર્ષ 2021 માં સિવિલમાં 8,249 અને સ્મીમેરમાં 5431 કેસ ડોગ બાઈટના નોંધાયા હતા. તો વર્ષ 2022 માં સિવિલ હોસ્પિટલમાં 6810 અને સ્મીમેરમાં 5298 કેસ નોંધાયા હતા.