Rajkot: ફરી એક વાર રાજકોટમાંથી ઝડપાયો નશાનો કાળો કારોબાર, 34 કિલો ગાંજા સાથે જંગલેશ્વરની કુખ્યાત રમા જુણેજા સહિત 4 ઝડપાયા
Rajkot: શહેર પોલીસે ફરી એક વાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. સામખિયાળીથી રાજકોટ ગાંજો લાવનાર 2 શખ્સોને ઝડપી પાડયા છે. તથા નશાનો કાળો કારોબાર કરવા માટે ગાંજો મગાવનાર 2 લોકો મળી કુલ 4 આરોપીઓની 34 કિલો ગાંજા સાથે ધરપકડ કરી છે.
રાજકોટ શહેરમાંથી ફરી એક વાર ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ભક્તિનગર પોલીસે સામખિયાળીથી ગાંજો લાવનાર પુરણનાથ ગોસ્વામી, શાહરૂખ મકવાણા અને ગાંજો મગાવનાર જંગેલશ્વરની કુખ્યાત રમા જુણેજા તથા તેના સાગરીત યુસુફ વાડીવાલાની ધરપકડ કરી છે. ઘટનાની વિગતે વાત કરીએ તો રાજસ્થાનના મહેન્દ્રસિંહ રાજપુરોહિત નામના શખ્સે કચ્છના સામખિયાળીમાં ગાંજાનો જથ્થો ડિલિવર કર્યો હતો. આ ગાંજાનો 34 કિલો જથ્થો લઈને શાહરૂખ મકવાણા અને પુરણનાથ ગૌસ્વામી નામના શખ્સ રાજકોટ લઈ આવ્યા હતા. આ જથ્થામાંથી અલગ અલગ જથ્થો રાજકોટમાં નશાનો કાળો કારોબાર ચલાવતા લોકોને ડિલિવર કરવાનો હતો.
રાજસ્થાનથી વાયા સામખિયાળી થઈ રાજકોટ પહોંચ્યો હતો ગાંજાનો જથ્થો
34 કિલો ગાંજામાંથી 20 કિલો ગાંજાનો જથ્થો જંગલેશ્વરની કુખ્યાત રમા જુણેજાએ મગાવ્યો હતો, 6 કિલો જથ્થો દૂધસાગર રોડ પર રહેતા યુસુફ વાડીવાલાએ મગાવ્યો હતો અને 8 કિલો જથ્થો ઉપલેટાના અકબર બાપુ નામના શખ્સે મગાવ્યો હતો. જેમાંથી ભક્તિનગર પોલીસે 4 લોકોની ધરપકડ કરી લીધી છે. જ્યારે રાજસ્થાનથી ગાંજો મોકલનાર મહેન્દ્રસિંહ રાજપુરોહિત અને મગાવનાર ઉપલેટાના અકબર બાપુની શોધખોળ હાથ ધરી છે.
જંગલેશ્વરની કુખ્યાત રમા જુણેજા પણ ઝડપાઈ
ઝડપાયેલ આરોપીઓમાંની એક રમા જુણેજા જંગલેશ્વરની કુખ્યાત છે.રમા આ પહેલા પણ દારૂ અને જુગારના 15 જેટલા કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે. છતાં પણ તેણે પોતાનો નશાનો કાળો કારોબાર ચાલુ રાખ્યો છે. ફરી એકવાર પોલીસના સકંજામાં આવી ગઈ છે. રમા જુણેજા વર્ષોથી ગેરકાયદે ધંધાઓ સાથે જોડાયેલી છે. આ પહેલા પણ તે દારૂ વેચવા અને જુગાર રમાડવા જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે. 2010થી 2018 સુધી દર વર્ષે રમા વિરૂદ્ધ કેસો નોંધાતા આવતા હતા.
2018 બાદ રમા વિરૃદ્ધ 5 વર્ષ બાદ એટલે કે 2023માં ગાંજાનો કેસ નોંધાયો છે. તો સવાલ એ પણ થાય છે કે શું રમા 2018 બાદ સુધરી ગઈ હતી કે પછી રમા વિરૃદ્ધ પોલીસ કેસો નહોતા થતા? શું 2018 થી 2022 સુધી રહેલા ભક્તિનગર પોલીસના પૂર્વ અધિકારીઓની રમા પર મીઠી નજર હતી? કે પછી રમા આ સમયગાળા દરમ્યાન સુધરી ગઇ હતી? આમ શંકાની સોય પોલીસ તરફ પણ તકાઈ છે.
રાજકોટમાં ગાંજો વેચતા અન્ય શખ્સોના નામ પણ તપાસમાં ખુલી શકે છે
ભક્તિનગર પોલીસના જણાવ્યા મુજબ 80 ફૂટ રોડ પર પટેલ નગર નજીક બાતમીના આધારે રીક્ષા તપાસતા રીક્ષામાંથી 34 કિલો ગાંજા સાથે 2 શખ્સો ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગાંજાનો જથ્થો,ગુનામાં વપરાયેલ રીક્ષા, મોબાઈલ તેમજ રોકડ સહિત 3,97,000થી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
કુલ 6 આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હાલ સમગ્ર મામલે 4 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી છે.અને અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.આરોપીઓ છેલ્લા કેટલા સમયથી આ ગાંજાના કાળા કારોબાર સાથે જોડાયેલા છે? આ જથ્થો માત્ર રાજસ્થાનના શખ્સ પાસેથી જ મગાવતા હતા કે અન્ય કોઈ પાસેથી પણ મગવતા હતા? આ પહેલાં રાજકોટમાં કેટલો ગાંજો સપ્લાય કરી ચૂક્યા છે? આ આરોપીઓની પૂછપરછમાં રાજકોટમાં નશાનો કાળો કારોબાર કરતા અન્ય શખ્સોને નામ પણ આવનારા સમયમાં સામે આવી શકે છે.