ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસ: હત્યારાઓને ફાંસીની માગ સાથે રાજકોટમાં હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
વિરોધ કરવા આવેલા લોકોએ આ ઘટનાને વખોડતા કહ્યું હતું કે આ માત્ર કિશન ભરવાડની હત્યા નહિ પરંતુ હિન્દુ સમાજની હત્યા છે, આવા તત્વો સામે કડકમાં કડક સજા થવી જોઇએ
ધંધુકા (Dhandhuka) માં થયેલી કિશન ભરવાડ (Kishan Bharwad) ની હત્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, આજે રાજકોટમાં (Rajkot) ભરવાડ સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જય શ્રી રામ અને જય દ્વારકરાધિશના નારા સાથે ધરમ સિનેમા ચોકથી કલેક્ટર કચેરી સુધીની રેલી કાઢીને હત્યાનો વિરોધ કર્યો હતો અને હત્યારાઓને ફાંસીની સજાની માંગ કરી હતી.
વિરોધ કરવા આવેલા લોકોએ આ ઘટનાને વખોડતા કહ્યું હતું કે આ માત્ર કિશન ભરવાડની હત્યા નહિ પરંતુ હિન્દુ સમાજની હત્યા છે. આવા તત્વો સામે કડકમાં કડક સજા થવી જોઇએ. વિવિધ હિન્દુ સંગઠનો (Hindu organizations) એ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
કલેક્ટર પરિસરમાં મૌન પાડવામાં આવ્યુ, ફાંસી આપોના નારા ગુંજ્યા
મોટી સંખ્યામાં વિરોધ કરવા આવેલા ભરવાડ સમાજ અને હિન્દુ સંગઠનના લોકોએ આ ઘટનાને વખોડી હતી. જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા ત્યારે કિશન ભરવાડના હત્યારાઓને ફાંસી આપોના નારાથી જિલ્લા કલેક્ટર કચેરી પરિસર ગુંજી ઉઠ્યું હતું. કિશન ભરવાડની આત્માની શાંતિ માટે કલેક્ટર પરિસરમાં જ મોટી સંખ્યામાં પહોંચેલા યુવાનોએ બે મિનીટનું મૌન પાડીને શ્રધ્ધાંજલિ આપી હતી.
રાજકોટ બંધનું એલાન પરત ખેંચાયું
ધંધુકા હત્યા કેસમાં હિન્દુ સંગઠનો દ્રારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.વેપારીઓને અડધો દિવસ બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભરવાડ સમાજ દ્વારા ટી સ્ટોલને અડધો દિવસ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે પોલીસની મધ્યસ્થીથી આ બંધનું એલાન મોકુફ રાખવામાં આવ્યું હતું અને પોલીસે મર્યાદિત સંખ્યામાં રજુઆત કરવા જવાની મંજુરી આપી હતી.
આ પણ વાંચોઃ કુવાડવામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી ચોરી કરનાર ‘સોપારી ચોર’ ઝડપાયા, જાણો કોણ છે આ સોપારી ચોર
આ પણ વાંચોઃ Jamnagar: અતિદુર્લભ ગણાતી કરોડો રૂપિયાની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે એક વ્યક્તિ ઝડપાયો