Jamnagar: અતિદુર્લભ ગણાતી કરોડો રૂપિયાની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે એક વ્યક્તિ ઝડપાયો
વ્હેલ માછલીની ઉલટી કરોડો રૂપિયામાં વેચાય છે. જામનગર ખાતે એક શખ્સ પાસેથી વ્હેલ માછલીની ઉલટી મળી આવી છે. જેની કિંમત કરોડો રૂપિયા થવા જાય છે.
જામનગર (Jamnagar) શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાંથી અતિ દુર્લભ એવી વ્હેલ માછલી (Whale fish)ની ઊલ્ટી એટલે કે એમ્બરગ્રીસ (Ambergris), જેની અંદાજે બજારકિંમત એકાદ કરોડથી પણ વધુ થવા જાય છે, તેની સાથે ખંભાળિયા પંથકના એક વ્યક્તિને એસ.ઓ.જી શાખાની ટીમે પકડી પાડયો છે, તેની પાસેથી અત્યંત દુર્લભ એવી વ્હેલ માછલીની ઉલટી કબજે કરી લઈ તેનું સેમ્પલ પૃથક્કરણ માટે ગાંધીનગરની વિશેષ લેબોરેટરીમાં મોકલી આપ્યું છે.
સામાન્ય રીતે ઉલટી શબ્દ સાંભળીને બધાના મોં બગડી જતા હોય છે. પરંતુ વ્હેલ માછલીની ઉલટી કરોડો રૂપિયામાં વેચાય છે. જામનગરમાં આ વ્યક્તિ પાસેથી વ્હેલ માછલીની 830 ગ્રામ એમ્બરગ્રીસ (વ્હેલની ઉલટી) મળી આવી છે. એસઓજી પોલીસે આ વ્યક્તિ પાસેથી અંદાજીત એક કરોડની કિંમતની એમ્બરગ્રીસ કબ્જે કરી પરીક્ષણ માટે લેબમાં મોકલી આરોપીની ધરપકડ કરી છે.
જામનગરના ખંભાળિયાના આ વ્યક્તિ સામે પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ બાદ તેની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં વન્ય વિભાગ દ્વારા પ્રતિબંધિત એવી વ્હેલ માછલીની ઉલ્ટીનો જથ્થો રાજકોટમાં રહેતા તેના મામાજી સસરા પાસેથી મેળવ્યો હોવાથી તપાસનો દોર રાજકોટ સુધી લંબાવાયો છે.
શું છે વ્હેલ માછલીની ઉલટી
જ્યારે કોઈ વ્હેલ કટલફિશ કે ઑક્ટોપસ કે અન્ય કોઈ દરિયાઈજીવનો શિકાર કરે, ત્યારે તેના ધારદાર અંગ કે દાંતને વહેલના શરીરને નુકસાન ન પહોંચાડે તે માટે તેના શરીરની પાચનવ્યવસ્થામાં વિશેષ પ્રકારના સ્રાવ ઝરે છે, જેની મદદથી પાચનક્રિયા થાય છે. બાદમાં બિનજરૂરી પદાર્થોને સ્પર્મ વ્હેલ મોં વાટે શરીરમાંથી કાઢીને ફેંકી દે છે. કેટલાક સંશોધકોના મતે સ્પર્મ વ્હેલ મળવાટે પણ અંબરગ્રીસનો નિકાલ કરે છે.
એમ્બરગ્રીસ આટલું મોંઘું કેમ છે?
ભારતભરની તપાસ એજન્સીઓ કે જેમણે તાજેતરના ભૂતકાળમાં એમ્બરગ્રીસ જપ્ત કરી છે તે શુદ્ધતા અને ગુણવત્તાના આધારે તેની કિંમત 1થી 2 કરોડ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોવાનો અંદાજ છે.અધિકારીઓનું કહેવું છે કે અત્યંત દુર્લભ હોવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઊંચી માંગ અને ઊંચી કિંમતમાં વેચાય છે. પરંપરાગત રીતે, એમ્બરગ્રીસનો ઉપયોગ અત્તર બનાવવા માટે થાય છે જેમાં કસ્તુરી જેવી સુગંધ હોય છે.
ભૂતકાળમાં કેટલીક સંસ્કૃતિઓમાં તેનો ઉપયોગ ખોરાક, આલ્કોહોલિક પીણાં અને તમાકુને સ્વાદ આપવા માટે થતો હોવાના રેકોર્ડ્સ છે, પરંતુ હાલમાં આ હેતુઓ માટે તેનો ભાગ્યે જ ઉપયોગ થાય છે. જાણકારી પ્રમાણે તેનો દવા બનાવવામાં પણ ઉપયોગ થઇ શકે છે
ભારતીય સંદર્ભમાં, વ્હેલ એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમની અનુસૂચિ 2 હેઠળ એક સંરક્ષિત પ્રજાતિ છે, અને એમ્બરગ્રીસ અને તેની આડપેદાશો સહિત તેની કોઈપણ ઉપ-ઉત્પાદનોનો કબજો અથવા વેપાર, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972ની જોગવાઈઓ હેઠળ ગેરકાયદેસર છે.
આ પણ વાંચો- Junagadh: ખાનગી લેબોરેટરીમાં આગ લાગતા કનેરિયા હોસ્પિટલમાં પહોંચ્યો ધુમાડો, 10 દર્દીઓનું કરાયુ રેસ્ક્યૂ