Rajkot: CM ભુપેન્દ્ર પટેલે કોર્પોરેટરોના લીધાં ક્લાસ કહ્યું ,ઘરની વાત ઘરમાં રાખો-વિકાસ અવિરત રહેવો જોઇએ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટના કોર્પોરેટરો સાથે મુલાકાત કરી, આંતરિક મતભેદો દૂર કરી, ઘરની વાત ઘરમાં રાખવાની અપીલ કરી. તેમણે વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા ભાર મૂક્યો. કોર્પોરેટરોએ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા, જેમાં ટ્રાફિક સમસ્યાઓ, ગેરકાયદેસર દબાણો અને વિકાસ કામોનો સમાવેશ થાય છે.

રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હત માટે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાની મુલાકાત દરમિયાન ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે મુલાકાત કરી હતી. ભુપેન્દ્ર પટેલે કોર્પોરેટરોને આંતરિક જુથવાદથી દુર રહીને ઘરની વાત ઘરમાં રાખવા માટે અને પોત પોતાના વિસ્તારમાં વિકાસ કાર્યોમાં ધ્યાન કેન્દ્રીત કરવાની ટકોર કરી હતી.
ઘરની વાત ઘરમાં રાખો-CM
ભુપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં ભાજપની સરકાર છે અને વિકાસ અવિરત રીતે ચાલી રહ્યો છે. જો કોઇ પ્રશ્નો હોય તો તુરંત જ સરકારનું ધ્યાન દોરવું જોઇએ વિકાસ અટકવો ન જોઇએ. જો કે રાજકોટ મહાનગરપાલિકાના આંતરિક જુથવાદ પર ટકોર કરતા કહ્યું હતું કે ઘરની વાત ઘરમાં રહેવી જોઇએ. જો કોઇ વ્યક્તિને પ્રશ્ન હોય તો તેઓએ સાથે બેસીને ચર્ચા કરવી જોઇએ. મીડિયાના માધ્યમથી રજૂઆત કરવાને બદલે સીધા જ પ્રશ્નોનું સમાધાન થાય તે જરૂરી છે. રૂપિયાના કારણે કોઇ કામગીરી અટકશે નહિ અને રાજકોટનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું કહ્યું હતું
કોર્પોરેટરોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યાં
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બે તબક્કામાં કોર્પોરેટરો સાથે મુલાકાત કરી હતી જેમાં કોર્પોરેટરોએ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં માધાપર ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અંડર બ્રિજ તૈયાર કરવા માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દુર કરવા અંગે રજૂઆત કરાઇ હતી. શહેરમાં સુચિત સોસાયટી અને સાંઢિયા પુલ બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી. આજી ડેમમાં કમ્પાઉન્ડ વોલ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. રજૂઆત દરમિયાન કેટલાક કોર્પોરેટરે પોતાના વિસ્તારના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરી દીધી હતી.
CM ના આગમન પહેલા જ બેઠક વ્યવસ્થાને લઇને થઇ બોલાચાલી!
એક તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોરપોર્ટેરોને મતભેદ દૂર કરીને ઘરની વાત ઘરમાં રાખવા અપીલ કરી જો કે મુખ્યમંત્રીનું આગમન થયું તે પહેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં કોર્પોરેટર વિનુ ઘવાએ બેઠક વ્યવસ્થાને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. પ્રથમ હરોળમાં સ્થાન ન હોવાને કારણે વિનુ ઘવા રોષે ભરાયા હતા અને કાર્યક્રમ સ્થળ છોડી જવાની તૈયારી દર્શાવી હતી જો કે બાદમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારોએ તેને સમાજાવીને સ્થાન આપ્યું હતું.