રાજકોટમાં મનપાની ઘોર બેદરકારીના પાપે વધુ એક નાગરિકે ગુમાવ્યો જીવ, ખુલ્લી ગટર સાથે બાઈક અથડાયા બાદ પાંસળીઓમાં માર પડતા સારવાર દરમિયાન મોત

|

Sep 13, 2024 | 1:26 PM

રાજકોટમાં ખુલ્લી ભૂગર્ભ ગટરને કારણે વધુ એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરનું ઢાંકણુ ખોલવામાં આવ્યુ હતુ પરંતુ વરસાદ રહી બાદ પણ તંત્ર દ્વારા ના તો ગટરના ઢાંકણને બંધ કરવાની તસ્દી લેવામાં આવી કે ના તો એ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો. તંત્રની આ બેદરકારી રાજકોટના વનરાજસિંહ જાડેજા માટે જીવલેણ સાબિત થઈ છે.

રાજકોટમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી નાખવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા ગટરના ખુલ્લા ઢાંકણા અંગે સતત ફરિયાદ કરવામાં આવતી હતી. પરંતુ નિંભર બની ગયેલા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવી અને એ જ નઘરોળ, આળસુ અધિકારીઓની ઘોર બેદરકારીના પાપે રાજકોટના એક વનરાજસિંહ ચાવડા નામના વ્યક્તિનું મોત થયુ છે. 3 સપ્ટેમ્બરના રોજ વનરાજસિંહ જાડેજા તેમની પ્રેસની નાઈટ ડ્યુટી પતાવી ઘરે જઈ રહ્યા હતા એ સમયે ગાંધીગ્રામ વિસ્તારમાં ખુલ્લી ગટર સાથે તેમનુ બાઈક અથડાયુ અને તેઓ બાઈક પરથી નીચે પડી ગયા હતા. આ દરમિયાન તેમને પાંસળીના ભાગે બાઈકનું હેન્ડલ વાગ્યુ હતુ,  તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આઈસીયુમાં સારવાર લેવી પડે એટલી ગંભીર હદે વનરાજસિંહ ઈજાગ્રસ્ત થયા હતા અને એક સપ્તાહની સારવાર બાદ પણ તેઓ બચી ન શક્યા અને તેમનુ સારવાર દરમિયાન જ મૃત્યુ નિપજ્યુ છે.

તંત્રની ઘોર બેદરકારીને કારણે એક પરિુવારે તેનો મોભી ગુમાવ્યો, તેની ભરપાઈ કોણ કરશે ?

વનરાજ સિંહના આ મોત બાદ ફરી એકવાર તંત્રની નઘરોળ કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલ માટે જે ગટરનુ ઢાંકણ ખોલવામાં આવ્યુ તેને વરસાદ રહી બાદ બંધ કરવાની કોઈ જ કામગીરી તંત્ર દ્વારા કરવામાં ન આવી અને તેના પાપે એક પરિવારે તેનો મોભી ગુમાવ્યો છે. ત્યાર સૌથી મોટો સવાલ છે કે પરિવારની માથે આટલી મોટી આફત તૂટી પડી તેની ભરપાઈ કોણ કરશે. મૃતકના ડેથ સર્ટીફિકેટમાં અકસ્માતે મોત લખી કુદરતી મૃત્યુમાં ખપાવી દેવાયુ છે પરંતુ આ મોત નહીં ખુલ્લેઆમ થયેલી હત્યા ગણી શકાય.

જો ગટરનું ઢાંકણ સમય રહેતા બંધ થયુ હોત તો વનરાજસિંહ આજે હયાત હોતા

મૃતકના પરિજનોએ પણ જવાબદારો સામે પગલા લેવાની માગ કરી છે. અને આવી બેદરકારી અન્ય કોઈનો ભોગ ન લે તે માટે પણ તંત્ર સતર્ક બને તેવી ટકોર કરવામાં આવી છે. હાલ એક વ્યક્તિના મોત બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે અને કાર્યવાહી કરવાના દાવા કરી રહ્યુ છે. શહેરમાં ગટરના ઢાંકણા જેટલી જગ્યાએ તૂટ્યા હશે ત્યાં નવા ઢાંકણા નાંખવામાં આવશે. ત્રણેય ઝોનના સીટી ઇજનેરને બોલાવી શહેરમાં તાત્કાલિક અસરથી ડ્રેનેજને લગતી ફરીયાદો ઉકેલવા સૂચના આપવામાં આવશે. એમ દર વખતની જેમ મનપાએ થશે થશે નો રાગ આલાપવાનું શરૂ કરી નાખ્યું છે.હાલ તો પોતાની બેદરકારી પર ઢાંક પીછોડો કરવા ઢાંકણાંનું સમારકામ કરવામાં આવ્યું છે. પણ પ્રશ્ન એ છે કે એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો અને ત્યારબાદ છેક તંત્રએ તુટેલા ગટરના ઢાંકણાની નોંધ લીધી.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

અગ્નિકાંડથી પેટ નથી ભરાયુ ? હજુ કેટલી બેદરકારીના પૂરાવા આપશો?

શહેરમાં આટલા મોટા અગ્નિકાંડ બાદ પણ રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધિશોની આંખ નથી ખૂલતી અને મૂલ્યો નેવે મુકીને એક બાદ એક બેદરકારીનો પૂરાવો આપ્યે જ જાય છે. સૌથી મોટો સવાલ એ છે કે કેમ મનપા દ્વારા ગટરનું ઢાંકણ બંધ કરવામાં ન આવ્યુ? બંધ તો ન કર્યુ પરંતુ ખુલ્લી ગટર હતી તો એ વિસ્તારને કોર્ડન કેમ ન કરાયો? શું તંત્ર રાહ જોઈ રહ્યુ હતુ કે કોઈ અકસ્માત સર્જાય પછી જ કામગીરી કરવી? ક્યાં સુધી આ પ્રકારે નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાતો રહેશે ?

ખુલ્લી ગટરો, ખરાબ રસ્તાઓ, રખડતા ઢોરના કારણે ક્યાં સુધી નાગરિકો જીવ ગુમાવશે ?

રાજ્યમાં હાલ અનેક જિલ્લાઓમાં આ જ પ્રકારે ગટરો ખુલ્લી હાલતમાં છે. ના તો તેનો કોર્ડન કરવામાં આવે છે ના તો ઢાંકણ ઢાંકવામાં આવે છે અને નાગરિકો અકસ્માતનો ભોગ બની જીવ ગુમાવતા રહે છે અને નઘરોળ તંત્રને લોકોના જીવની પણ કંઈ પડી નથી. ખરાબ રસ્તાઓ , ખાડાઓ, ખુલ્લી ગટરો અને રખડતા ઢોરની સમસ્યા રોજિંદી બની ગઈ છે અને અનેક નાગરિકોનો ભોગ લેવાઈ ચુક્યો છે, લેવાઈ રહ્યો છે પરંતુ સિસ્ટમમાં કોઈ સુધાર આવતો નથી અને અનેક લોકોના જીવ જઈ રહ્યા છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:25 pm, Fri, 13 September 24

Next Article