Rajkot: અમિત ખૂંટ આત્મહત્યા કેસ: આરોપીઓની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો રીબડામાં મોટુ મહાસંમેલન બોલાવવાની ગામલોકોની ચીમકી
Rajkot: રીબડામાં પાટીદાર યુવક અમિત ખૂંટની આત્મહત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હવે મૃતકના પરિજનોની વહારે મોટા સંખ્યામાં ગામ લોકો આવ્યા છે અને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરનાર આરોપીઓને પકડવાની માગ કરી છે. જો તાત્કાલિક આરોપીઓને પકડવામાં નહીં આવે તો સર્વજ્ઞાતિઓનું મહાસંમેલન બોલાવવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

રીબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં વિરોધ હવે ધીરેધીરે ગ્રામ્ય સ્તરે વધતો જઇ રહ્યો છે. ગઇકાલે ગોંડલ તાલુકાના અનીડા ગામમાં સર્વ જ્ઞાતિ સંમેલન મળ્યુ હતું જેમાં ગ્રામજનો દ્રારા અમિત ખૂંટની આત્મહત્યા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને અમિત ખુંટને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમિત ખૂંટની આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરનારની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.અનીડા ગામના ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે જો આરોપીઓની ધરપકડ નહી થાય તો રીબડામાં મોટું સંમેલન બોલાવવામાં આવશે.
અમિત ખૂંટને ન્યાય મળે તેવી અમારી માંગ
ગઇકાલે અનીડા ગ્રામ સમસ્તની એક બેઠક મળી હતી જેમાં ગામના આગેવાનોએ કહ્યું હતું કે કોઇપણ વ્યક્તિ આત્મહત્યા કરે ત્યારે તેમાં કોઇને કોઇ કારણ હોય છે. ગ્રામજનોએ કહ્યું હતું કે કારણ શોધવું અને જવાબદારો સામે કાર્યવાહી કરવી તે પોલીસનું કામ છે. પોલીસ દ્રારા તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરવામાં આવે અને પરિવારજનોને ન્યાય મળે તેવી માંગ કરી છે. જો તાત્કાલિક આરોપીઓ સામે કાર્યવાહી નહિ કરવામાં આવે તો રીબડામાં સર્વ સમાજનું મહાસંમેલન બોલાવવાની તૈયારી દર્શાવી છે.
રહિમ મકરાણી હજુ પણ પોલીસ પકડથી દૂર
આ કેસમાં મુખ્ય ભુમિકા તરીકે જુનાગઢના રહિમ મકરાણી નામના શખ્સનું નામ ખુલ્યું છે.આ કેસમાં રહિમની જ મુખ્ય ભુમિકા છે જો કે રહિમ હજુ પોલીસ પકડથી દુર છે. પોલીસ તપાસમાં રહિમ મકરાણી અમિતની સામે હનિટ્રેપ માટે સગીરાને તૈયાર કરી હતી અને તેની સાથે વાતો પણ કરતો હતો જેથી પોલીસે રહિમની હવે શોધખોળ શરૂ કરી છે. રહિમના નિવેદન બાદ આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજાની ભુમિકા સ્પષ્ટ થશે અને તેને લઇને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.