Porbandar: પાડાને વાંકે પખાલીને ડામ, તંત્રની ભૂલ અને ભોગવશે ખેડૂતો, જાણો સમગ્ર વિગતો
પોરબંદરમાં (Porbanadar) ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઘેડ પંથક પાણીમાં તરબોળ થઈ ગયો છે અને ખેડૂતોએ જે પાક વાવ્યો હતો તેનું ધોવાણ થઈ ગયું છે. જગતના તાતનો પરિશ્રમ એળે ગયો છે કારણ કે, વહીવટી તંત્રએ પાળા બનાવ્યા જ નહોતા.
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહીછે અને તે પ્રમાણે વરસાદ પણ વરસી રહ્યો છે. તેમ છતાં પોરબંદર(Porbandar)ના તંત્રએ દરિયાની પાળીનું લેવલ કરવાનું કામ પૂર્ણ કર્યું ન હતું અને તેનો ભોગ ખેડૂતો (Farmer)બન્યા છે. પોરબંદરમાં વરસાદ દરમિયાન તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્રની બેદરકારીને કારણે ઘેડ પંથકના કેટલાક ગામોના ખેતરમાં દરિયાના પાણી ફરી વળ્યાં છે. પોરબંદરના ઘેડ પંથકમાં ભારે વરસાદના પગલે તારાજી સર્જાઈ છે અને ઘેડ પંથકના તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં પાણી ફરી વળતા વાવણી કરેલો પાક ધોવાયો હતો અને દરિયામાં તણાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઘેડ પંથક પાણીથી તરબોળ બન્યું છે ત્યારે વરસાદના કારણે અમીપુર, બગસરા, ગરેજ ચીકાસા અને બળેજના રસ્તાઓ બંધ થતાં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
વહીવટીતંત્ર હજી કુંભકર્ણની નિદ્રામાં
વરસાદની આગાહી થઈ ત્યારે વહીવટી તંત્રએ દરિયાની રેતીની પાળનું લેવલ કરવાનું હતું જે કામ થયું નહોતું. આ ગંભીર ભૂલનો ભોગ ખેડૂતો બન્યા છે અને તેમનો પાક ધોવાઈને દરિયા ભેગો થઈ જતા જગતના તાતનો પરિશ્રમ એળે ગયો હતો. કારણ કે પાળનું લેવલ ન થતા ઘેડ પંથકના ગામોમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા. જેને કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ તેમની વ્યથા ઠાલવી છે કે અતિશય મહેનત કરીને કરેલી વાવાણી પાળા ન બનાવવાને કારણે વ્યર્થ ઘઈ છે અને ખેડૂતોનો સમય તો વ્યય થયો છે, સાથે સાથે આર્થિક રીતે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
દરમિયાન પોરબંદર શહેરમાં પણ નગરપાલિકાની પોલ ખોલનારા દ્રશ્યો સામે આવ્યા છે. નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે આજે એક યુવક 7 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હતો. શહેરના ખાદી ભવન વિસ્તારમાં સ્ટોર્મ ડ્રેનેજની કામગીરી દરમિયાન રાહદારી ઊંડા ખાડામાં ખાબકતાં લોકોએ તેને બહાર કાઢ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે નગરપાલિકાએ કામ તો શરૂ કર્યું પરંતુ વ્યવસ્થિત રીતે બેરિકેડ નહોતા મૂકવામાં આવ્યા જેને કારણે આ યુવક ખાડામાં પડી ગયો હતો.
મહત્વની બાબત એ છે કે બેરિકેડ બાબતે પાલિકાનું ધ્યાન દોરવા છતાં યોગ્ય કામગીરી ન થવાથી યુવક ખાડામાં પડી ગયો. તો બીજી તરફ અનરાધાર વરસાદને પગલે શહેરના સુદામા ચોક, એમજી રોડ, એસવીપી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને અરબી સમુદ્રમાં પણ કરંટ જોવા મળ્યો છે.