કોંગ્રેસે આજે તેની બીજી યાદી જાહેર કરી છે, જેમા ગુજરાતના 7 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમા કોંગ્રેસે સૌરાષ્ટ્રની પોરબંદર લોકસભા બેઠક પરથી લલિત વસોયાને ટિકિટ આપી છે. લલિત વસોયા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મજબુત ઉમેદવાર છે. લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે અને ધોરાજી વિધાનસભાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. વર્ષ 2017માં તેઓ ધોરાજીથી જીત્યા હતા. પાટીદારો અને ખેડૂતો પર તેમની મજબુત પકડ છે. ખેડૂતોના પ્રશ્નો તેઓ સડકથી લઈ વિધાનસભા સુધી અવાજ ઉઠાવી ચુક્યા છે. રામ મંદિરનું આમંત્રણ ન સ્વીકારવા મુદ્દે વસોયા તેમની પાર્ટીની પણ ટીકા કરી ચુક્યા છે.
જેતપુરજામકંડોરણાના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે તેમને સારા સંબંધો છે. તેઓ અવારનવાર તેમની સાથે પણ જોવા મળે છે. તેમની મિત્રતાને કારણે તેમના વિશે અનેકવાર એવી ચર્ચા થતી હતી કે વસોયા ભાજપમાં જોડાવાના છે. રામ મંદિર મુદ્દે પાર્ટીની ટીકા કર્યા બાદ તેમના વિશે એવુ કહેવાતુ હતુ કે તેઓ કેસરીયા કરવાના છે. જો કે આ અંગે તેમણે ખુદ મીડિયા સમક્ષ આવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ક્યારેય કોંગ્રેસ છોડવાના નથી.
કોંગ્રેસે સતત બીજીવાર તેમને પોરબંદરથી લોકસભાની ટિકિટ આપી છે. ત્યારે આ અંગે લલિત વસોયાએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે પોરબંદર સીટ પર ભાજપે બહારના ઉમેદવારને ઉભા રાખ્યા છે, ભાવનગરમાં પણ જેમનો જનાધાર નથી તેવા ઉમેદવારને ભાજપે અહીં ઉમેદવાર બનાવ્યા છે. જેમને પોરબંદરના લોકો જાકારો ચોક્કસ આપશે. વધુમાં વસોયાએ ઉમેર્યુ કે 2019 વખતે જે ખામીઓ રહી ગઈ તેને અમે સુધારશુ. અર્જુન મોઢવાડિયાના પક્ષપલટાથી કોઈ ફર્ક નહીં પડે. કોંગ્રેસમાંથી ગયેલા12 જેટલા ધારાસભ્ય પૈકી12 ધારાસભ્યો હારી ગયા હતા. પોરબંદરના લોકો પક્ષપલટાને ક્યારેય સ્વીકારશે નહી અને તેમને જાકારો મળશે. તેમણે ભાજપ પર પ્રહાર કર્યો કે ચૂંટણી જીતી નથી શક્તા આથી કોંગ્રેસના નેતાઓને લઈ ગયા છે. આ વખતે ચૂંટણીમાં તેઓ ડુંગળીની નિકાસબંધી, કપાસ, મોંઘવારી અને સાગરખેડૂઓના પ્રશ્નોને લઈને જનતા વચ્ચે જશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો