વડાપ્રધાન આવશે ગુજરાત? 12 જિલ્લામાં પ્રવાસનું ભાજપનું આયોજન
PM Modi to Visit Gujarat: વડાપ્રધાન મોદીના માર્ચ મહિનાથી ચૂંટણી સુધી 12 જેટલા પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. જેમાં રાજ્યના અલગ અલગ પ્રાંતમાં પ્રવાસ ગોઠવવામાં આવશે.

આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે તેના પ્રચારની કમાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જ સંભાળશે. આગામી માર્ચ મહિના બાદ પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. હાલ પીએમ મોદીના પ્રવાસને લઈને પ્રદેશ ભાજપ (BJP) તૈયારીમાં લાગી ગયું છે.
માર્ચ બાદ ચૂંટણીલક્ષી પ્રચાર માટે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત
રાજ્ય કોઈપણ હોઈ ભાજપ ચૂંટણી વડાપ્રધાનના ચહેરા સાથે જ લડે છે. છેલ્લા ઘણા સમયથી ભાજપ ચૂંટણી લક્ષી કામગીરીમાં લાગી ગયું છે. સ્ટાર પ્રચારકો તો ચૂંટણી સમયે પ્રચાર માટે આવશે, પરંતુ જેમ ભાજપ કાયમ પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડે છે એજ રીતે આગામી ચૂંટણીને લઈને પણ આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. પ્રદેશ ભાજપે પીએમ મોદીના પ્રચાર માટે આયોજન શરૂ કરી દીધું છે.
વડાપ્રધાન મોદીના માર્ચ મહિનાથી ચૂંટણી સુધી 12 જેટલા પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. જેમાં રાજ્યના અલગ અલગ પ્રાંતમાં પ્રવાસ ગોઠવવામાં આવશે. કેટલાક વિકાસ કાર્યોના ખાત મુહૂર્તમાં આવશે તો કેટલાક લોકાર્પણ કામે પણ વડાપ્રધાન મોદી આવશે તો જ્યારે ચૂંટણી હશે ત્યારે ક્લસ્ટર મુજબ ચૂંટણી પ્રચાર કરવામાં આવશે.
ભાજપ માટે જે વિસ્તાર નબળો ત્યાં વડાપ્રધાનના પ્રવાસ વધારે
પ્રદેશ ભાજપ અત્યારે આંતરીક સર્વે કરાવી રહી છે. જે વિસ્તાર ભાજપ માટે નબળો હશે, તેમાં પીએમના પ્રવાસ વધારે ગોઠવવામાં આવશે. સાથે જ અર્બન એરિયામાં ખાત મુહૂર્ત અને લોકાર્પણ કામ વધારે કરાશે તો રૂરલ વિસ્તારમાં ચૂંટણીલક્ષી સભાઓ વધારે ગોઠવવામાં આવશે એવું સૂત્રો જણાવી રહ્યા છે.
બીજી તરફ મહિલા મોરચો અને યુવા મોરચાના મહા સંમેલન કરવાનું પણ આયોજન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે, પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના સંમેલન ગુજરાતમાં કરવામાં આવશે. એપ્રિલ માસ બાદ આ બંને મોરચાને સક્રિય કરી અને તેના આયોજન કરવામાં આવશે. જેમાં પણ પીએમ મોદી યુવાઓ અને મહિલાઓને આહવાન કરશે. આમ ચૂંટણી સુધીના મુખ્ય કાર્યક્રમ અંગે તૈયારીઓ ભાજપે આરંભી દીધી છે.
આ પણ વાંચો: GANDHINAGAR : ઉર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડ મુદ્દે મોટા સામચાર, મુખ્યપ્રધાને આપ્યા તપાસના આદેશ