Patan: દિવાલ ધસી પડતા 3 મહિલા દટાઈ જવાનો મામલો, અંતિમ સંસ્કાર કરવાનો ઇન્કાર કર્યો, પોલીસે મામલો થાળે પાડ્યો
ત્રણ મહિલાઓ દિવાલના કાટમાળ નિચે દબાઈ ગઈ હતી, ક્નસ્ટ્રકશન કરનારે ના ફાયરની મદદ લીઘી કે ના પોલીસની, અંતે પોલીસે તપાસ શરુ કરી, મૃતક મહિલાની લાશ સમજાવટ બાદ બુધવારે સ્વિકારી
પાટણ (Patan) શહેરમાં દિવાલ ધસી પડવાના મામલાને લઈને વિવાદ સર્જાયો છે. ત્રણ મહિલા શ્રમીકો સ્થળ પર કામ કરતી હોવાને લઈને દિવાલ ધસી પડવાને લઈને દબાઈ ગઈ હતી. ઘટનાને લઈને કોન્ટ્રાકટર દ્વારા મામલાની જાણ પોલીસ કે ફાયરને સત્વરે કરાઈ નહોતી. ધારપુર મેડિકલ કોલેજ (Dharpur Medical College) સિવિલ હોસ્પિટલ દ્વારા મામલા અંગે સિવિલ પોલીસ ચોકીને આ અંગેની જાણકારી કરવામાં આવી હતી. જેને લઈ પોલીસે મોડી રાત્રીએ એ.ડી. મુજબની નોંધ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ આ મામલે મૃતક શ્રમિક પરીવાર દ્વારા મહિલાની લાશ લેવાનો ઈન્કાર કરી દીધો હતો, તેઓએ યોગ્ય ન્યાયીક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પરંતુ પોલીસે (Patan Police) તપાસની ખાતરી આપ્યા બાદ બુધવારે સાંજે લાશનો સ્વિકાર કરી અંતિમક્રિયા કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પાટણના હાંસાપુર નજીક મંગળવારે બપોરે ખાનગી કન્સ્ટ્રક્શન કામ દરમિયાન એક દીવાલ ધસી પડી હતી. દીવાલ ધસી પડવાની ઘટનાને લઈને 3 જેટલા મજૂરો ત્યાં કામ કરતા હોવાને લઈને દીવાલના કાટમાળની નિચે દબાઈ ગયા હતા. તાત્કાલીક ધોરણે સ્થળ પર હાજર અન્ય શ્રમીકોએ ત્રણેય મહિલાઓ બહાર નિકાળવા માટે પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણેય મહિલાઓને એક બાદ એક બહાર નિકાળી લેવામાં આવી હતી. એક મહિલાનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.
ઘટનામાં અન્ય બે મહિલા શ્રમિકોને ધારપુર ખાતે આવેલ મેડિકલ કોલેજ સ્થિત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાાં આવી હતી. જ્યાં તે બંનેની સ્થિતી સ્થિર હોવાની જણાયુ હતુ. તો મૃતક મહિલાની લાશને તેમના પરિવારજનોએ સ્વિકાર કરવાનો મંગળવારે ઇન્કાર કરી દીધો હતો. જે રીતે મામલાને દબાવવા માટેનો પ્રયાસ કરીને ક્ન્ટ્રક્શન કરનારાઓએ હાથ ઉંચા કરી લીધા હતા તેને લઈ શ્રમિક પરીવાર રોષે ભરાયો હતો. જેથી બુધવાર સુધી લાશનો સ્વિકાર નહી કરી ને અંતિમ સંસ્કાર કરવાની પણ ના ભણી દેવામાં આવી હતી.
પોલીસે અકસ્માત મોતની તપાસ હાથ ધરી
બીજી તરફ પાટણ પોલીસ દ્વારા આ અંગેની યોગ્ય નિષ્પક્ષ તપાસની ખાતરી અપાઈ હતી અને જેને લઈ તેમણે અંતે લાશનો સ્વિકાર કર્યો હતો. બુધવારે લાશને સ્વિકાર કરીને અંતિમ ક્રિયા માટે લઈ જવા કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે તપાસ કર્તા પોલીસ ઈન્સપેક્ટર એસએ ગોહીલે કહ્યુ હતુ કે, આ અંગેની ધારપુર પોલીસ ચોકીને સિવિલ તરફથી જાણકારી મળી હતી. જે અંગેની અકસ્માત મોતની જાણકારી નોંધીને ઘટનાની તપાસ હાથ ધરી છે.